આજની જનરેશન સતત કંઈક નવું કરવામાં માને છે અને થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા અનેક કુશળ અને ટેલેન્ટેડ યુવાનોને એ માટેનું મંચ પણ મળ્યું છે. એમાં પણ ફાસ્ટ ફુડના ધંધામાં કંઇક અલગ કરી યુવાનો રાતોરાત ચર્ચામાં આવ્યા છે. આવું જ એક કરતબ ભુજના યુવાને પણ કરી દેખાડ્યું છે.
ભુજના મંગલમ વિસ્તારમાં વર્ષોથી વડાપાંઉ અને ભજીયાના ધંધા સાથે સંકળાયેલા યુવાને સોશિયલ મીડિયાની મદદથી બે ઓર્ગેનાઈઝેશનના કોન્ટેક્ટમાં આવ્યો હતો અને ટાસ્ક તરીકે યુવાને ચેલેન્જ લેવાનુ નક્કી કર્યુ અને 30 મીનીટમાં 7 વખત પ્રયત્ન કરી યુવાને કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા છે, પરંતુ સોશિયલ મિડીયામાં આ યુવાન ચર્ચામાં આવ્યો વડા પાંઉને કારણે. 12+12ની સાઇઝ અને 2KG 656 ગ્રામનો વડાપાંઉ હાલ ખુબ ચર્ચામા છે.
મુળ જામનગર અને વર્ષોથી કચ્છમાં ખાણી પીણીનો વ્યવસાય કરતા પીતા સંદીપ સાથે યુવાન દેવ પણ જોડાયો હતો પરંતુ કંઇક અસલ કરવાની પહેલેથી આ યુવકની ઈચ્છા હતી. આજ ઈચ્છાએ દેવ બુધ્ધભટ્ટીને 12+12 અને 2KG 656 ગ્રામ વડાપાંઉ બનાવવા માટે પ્રેરણા આપી.
રાજસ્થાનની ઇન્ફ્યુલઅન્સર બુક ઓફ વલ્ડ રેકોર્ડ અને સોસાયટી પોઇન્ટ ફાઉન્ડેશન MP સાથે યુવાન સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ માહિતી મેળવી યુવાને પણ કંઇક નવુ કરવા સાથે રેકોર્ડ કરવાનુ નક્કી કર્યુ હતુ. બસ પછી યુવાને 7 જેટલા પ્રયત્નો કરી અંતે 1KG 262 ગ્રામનો વડો અને 650 ગ્રામ વજનના પાંઉની મદદથી જંબો વડાપાંઉ તૈયાર કર્યો હતો.
યુવાન દેવબુધ્ધ ભટ્ટી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો જંબો વડાપાંઉ છે. અને સંસ્થાની મદદથી ખાસ સાઇઝનો પાંઉ તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને ભુજમાં ઓનલાઇન 30 મિનિટમાં વડાપાંઉ બનાવવાનો ટાસ્ક તેણે પુર્ણ કર્યો હતો. જેના માટે બન્ને સંસ્થાએ તેને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કર્યો છે. પિતાની પ્રેરણાથી યુવાને તૈયાર કરેલ આ જંબો વડાપાંઉ હાલ સોશિયલ મીડિયામા ખુબ ચર્ચામાં છે.
ખાણી-પીણી હોય કે અન્ય વસ્તુ આજકાલ કાંઇક નવુ કરી લોકો ચર્ચામાં રહેવા સાથે અન્ય લોકોને આકર્ષતા હોય છે ત્યારે ભુજનો આ યુવાન પણ હાલ તેના જંબો વડાપાંઉને લઇને ચર્ચામાં છે. તેમાંય આ વડાપાંઉની સાઇઝ અને વજન સાંભળી લોકોના મોઢામાં પાણી તો આવી જ જાય પણ સાથે તેને કેમ ખાવુ એ એક સવાલ સ્વાદરસિયાઓ સામે છે…