મરુ, મેરુ અને મહેરામણની ભૂમિ એટલે કચ્છ

વીક એન્ડ

કચ્છની કેફિયત -રાજેશ માહેશ્ર્વરી

કચ્છ તો રણ છે, એમ આ કહેવત હવે નવી રીતે વ્યાખ્યાયિત થઈ છે. તે “કચ્છ તોરણ છે સાચે જ કચ્છ એ ગુજરાતનું તોરણ છે. આભૂષણ છે. ગુજરાતના પ્રવાસનની ચર્ચા કરીએ તો કચ્છ માટે એવું કહેવાય છે કે “કચ્છ નહિ દેખા તો કુછ નહીં દેખા… જે ખરેખર સત્ય છે અને કચ્છ એ અદ્ભુત છે!
કચ્છ માત્ર ભૂખંડ નથી, પરંતુ એ અનેક વિશેષતા અને સૌંદર્યથી ઠાંસી ઠાંસીને કુદરતી સંપદાથી અખૂટ ભરપૂર પ્રદેશ છે. તેની પોતાની એક સંસ્કૃતિ છે, બોલી છે અને આગવી અસ્મિતા છે. ગુજરાતનો એક જિલ્લો છે, પરંતુ તેનો વિસ્તાર ભારતના ૮-૧૦ રાજ્યોના વિસ્તાર કરતાં પણ વધુ વિશાળ છે. કચ્છનો કુલ વિસ્તાર ૪૫૬૫૨ ચો.કિમી. છે અને ચોતરફ સફેદ અફાટ રણ છે. જે ખારોપાટ તરીકે પણ ઓળખાય છે. બીજી તરફ ઘૂઘવતો સમુદ્ર છે. સમુદ્રની લંબાઈ ગુજરાતની સૌથી મોટી કોસ્ટલ લાઈન છે. જેનો વિસ્તાર ૨૬૪ ચો.કિમી. છે અને સફેદ રણનો વિસ્તાર ૨૩૧૪૩ ચો.કિમી. છે. આમ અડધો અડધ ભાગમાં સફેદ રણ (ખારોપાટ) છે. અહીં ઉન્નત ડુંગરો પણ કચ્છની સૌંદર્યતામાં વધારો કરે છે. આમ કચ્છની ભૂગોળમાં મેરુ, મરૂ અને મહેરામણ ત્રણેયનો સંગમ છે. આવી ભૂમિ વિશ્ર્વના એક પણ દેશમાં નથી. જે ખરેખર અદ્ભુત છે. કચ્છનો આકાર ઊંધા કાચબા જેવો છે.
આમ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા કચ્છમાં એક તરફ કુદરતના બેમિસાલ કરિશ્માસમું રણ અને બીજી તરફ મસ્તીથી લહેરાતા મહેરામણ વચ્ચે પથરાયેલ પ્રાચીન ભૂમિ પર વિશ્ર્વભરના પર્યટકોને આકર્ષી શકે તેવા અનેક સ્થળ મોજૂદ છે.
કાળો ડુંગર, ધિણોધર તેમ જ ભૂજીયો જેવા ડુંગરો એ કચ્છની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. માંડવીથી પિંગલેશ્ર્વર સુધીનો નિષ્કલંક દરિયાકિનારો, અહીંના સફેદ રણની વાત કરીએ તો કચ્છનાં રણમાં સમુદ્રનું પાણી ભરાય છે અને જ્યારે તે સુકાય છે ત્યારે મીઠાના પડ બાજી જાય છે અને તે સફેદ ચાદર બીછાવી હોય તેવો ભાસે છે અને પૂનમની ચાંદનીમાં અહીં શીતળતાનો અનુભવ આહ્લાદક હોય છે અને તે અનુભૂતિની તોલે વિશ્ર્વનું કોઈ પણ પર્યટક સ્થળ આવે જ નહીં તેવી વિશેષતા છે. આ સફેદ રણના સૌંદર્યને માણવા માટે દેશ-વિદેશથી લાખો સહેલાણીઓ અહીં આવે છે.
બીજી તરફ કાળો ડુંગર પણ એક પોતાની આગવી વિશેષતા ધરાવે છે. તેના શિખરો દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અહીં આરતી પશ્ર્ચાત દિવસમાં બે વખત પ્રસાદી આરોગવા લોમડી (શિયાળો) આવે છે. તેના પ્રસાદમાં શીરો આરોગે છે. જે એક અદ્ભુત ઘટના છે. કચ્છની બોલી કચ્છી છે. કચ્છ પાકિસ્તાન સરહદે આવેલ હોઈ અને તેના સિંધ પ્રાંતની સાથે સરહદે જોડાયેલ હોવાથી કચ્છી બોલી સિંધી ભાષા સાથે ઘણી ખરી મળતી આવે છે. પૂર્વ સરહદે પાકિસ્તાન આવેલું હોવાથી કચ્છનું એક સુરક્ષાની દૃષ્ટિએ જળસીમા અને જમીન સીમાનું ખૂબ જ મહત્ત્વ છે. અહીં જળસીમાએ કોસ્ટગાર્ડ અને જમીન સીમાએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો ખડે પગે મા ભોમની રક્ષા કરવા તત્પર છે.
અગાઉ કચ્છમાં દુકાળ અનેક વખત ધામા નાખી ચૂક્યું છે. દર દસ વર્ષે માંડ ૨-૩ વર્ષ વરસાદ સમયસર અને પૂરતા પ્રમાણમાં રહ્યો છે. બાકીના વર્ષોમાં અહીં પાણીનો અભાવ રહ્યો છે. માટે લોકો હાડમારી- પરેશાનીનો સામનો કરવા ટેવાયેલાં છે. અહીં કુદરતી આફતો જેવી કે વાવાઝોડા, ભૂકંપ અને પહેલા દુકાળની માર કચ્છ પર હંમેશાં પડતી જ હોય છે.
૨૦૦૧ના ભયંકર ભૂકંપ પછી કચ્છ જિલ્લો વિશ્ર્વના નકશા પર દૃશ્યમાન થયો. લોકોએ આ પ્રદેશની મુલાકાત લીધી તેમાં રહેલ વિપુલ પ્રમાણમાં તકોને લોકોએ પારખી, ખમીરવંતી પ્રજાને દુનિયાના દેશોએ નિહાળી વારંવાર કુદરતી અને માનવસર્જિત આફતોની થપાટો ખાઈને અહીંની પ્રજા મજબૂત, ખડતલ અને સહનશીલ છે. અહીં વારંવાર આફતોથી ગ્રસ્ત પ્રજાને સ્થળાંતર પણ કરવું પડ્યું છે. માટે કચ્છી પ્રજા ભારતમાં અને વિદેશોમાં અહીં કરતાં વધુ પ્રમાણમાં વસે છે, પરંતુ તેમનો વતનપ્રેમ અને વતન પ્રત્યેનો ઝુરાપો અનન્ય છે. અહીંની જ્ઞાતિઓમાં રબારી, કોળી, લોહાણા, આહીર, ક્ષત્રિયો, ચારણ, મુસ્લિમ, (જત, હાલેપોત્રા, રાઈસી પોત્રા, નોડે વગેેરે છે), પાટીદાર, ભરવાડ તેમજ જૈન ધર્મના પણ અહીં મુખ્યત્વે વસતિ જોવા મળે છે.
દરેક જ્ઞાતિની પોતાની એક આગવી ઓળખ છે. પહેરવેશ, ભાષા, આભૂષણો, રીત-રિવાજ, ઉત્સવો વગેરે ભિન્ન-ભિન્ન, પરંતુ કચ્છનો ભાઈચારો બેમિસાલ છે.
અહીંયા મીઠું પકાવવાનો, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, ખેતીવાડી, પરિવહન, પ્રવાસન તેમજ હસ્તકલા, કસબ, રંગકામ, ધાતુની ઘંટડીઓ, છરી-ચપ્પુ, ચર્મ ઉદ્યોગ, હસ્તકળા ઉદ્યોગ, મડવર્ક, કુંભારકળા, અજરખ પ્રિન્ટિંગ, સંવાડાની કળા, ભરત કાર્ય વગેરે અહીંનો વ્યવસાય છે. અહીંની કળા (હસ્તકળા, રોગાનકળા, પર્સ, ભરત)ની માગ વિદેશમાં ખૂબ જ રહે છે અને વિદેશ પર્યટકોમાં તેની માગ પણ ખૂબ જ રહે છે. અહીંની ભાતીગળ સંસ્કૃતિમાં પ્રવાસનમાં લોકોને ભૂંગામાં રહેવાનું ખૂબ જ આકર્ષણ છે. આ ભૂંગા માટી-ગારા અને છાણથી લીંપીને તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રાતવાસો કરવો એ પર્યટક માટે ખૂબ જ આનંદનો અનુભવ કરવા જેવો છે.
પશ્ર્ચિમ કચ્છમાં વિશ્ર્વ પ્રસિદ્ધ ખડીરમાં આવેલ ધોળાવીરા જે હડપ્પીયન સંસ્કૃતિનું બેજોડ ધરોહર છે. જે તાજેતરમાં વિશ્ર્વ હેરિટેજ સાઈટ તરીકે ‘યુનેસ્કો’ એ માન્યતા આપી છે. આ નગર લગભગ ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિને ધરબીને બેઠું છે અને તેમાં માનવ જનમના અનેક રાઝ છુપાયા છે. ત્યાં મ્યુઝિયમ પણ નિર્માણ કરાયું છે. જે અવશેષોનું જતન કરે છે. અનેક પર્યટકો આ હડપ્પીયન સાઈટની મુલાકાતે આવે છે અને એક અલગ પ્રકારનો સંતોષ પામે છે. અહીં પૌરાણિક કિલ્લાઓ, મહેલો અને આસ્થાના પ્રતિકસમા માતાનો મઢ, નારાયણ સરોવર
તેમ જ પૂર્વ કચ્છમાં રવેચીનું ધામ આવેલું છે. તો અંજારમાં જેસલ-તોરલની સમાધિ છે. અહીંની પશુપાલન વ્યવસાયમાં કચ્છની કુંઢી ભેંસ વિશ્ર્વ વિખ્યાત છે. જે ખૂબ જ દેખાવમાં સુંદર અને પુષ્કળ માત્રામાં દૂધ આપે છે. અહીંના બારાઈ ઊંટ જેની વિશેષતા એ છે કે તે પાણી અને જમીન બંનેમાં રહી શકે છે અને વધુ પ્રમાણમાં દરિયાકાંઠે જોવા મળે છે અને ચેરિયા પર નભે છે.
અહીં કચ્છના નાના રણમાં ધુડખર ખૂબ જ વિશિષ્ટ પ્રકારનું મહામૂલું પ્રાણી છે. જે માત્ર અહીં જ જોવા મળે છે. આ ઉપરાંત અહીં પક્ષીઓમાં યાયાવાર પક્ષીઓ ફલેમિંગો (સુરખાબ) અને સાઈબેરિયાથી અનેક પક્ષીઓ સ્થળાંતર કરી કચ્છના રણમાં ઈંડા મૂકવા આવે છે અને તેનું સેવન થાય ત્યાં સુધી રહે છે અને પાછા પોતાના વતન પાછા ફરે છે. જે કચ્છના રણ ઉપરાંત છારી ઢંઢમાં પક્ષીઓનું નિવાસસ્થાન છે.
છેલ્લાં અનેક વર્ષોમાં કચ્છમાં નર્મદા કેનાલના આગમન અને વરસાદની નિયમિતતાને લીધે અહીં ખેતીવાડીમાં અને ખાસ કરીને બાગાયતી ખેતીમાં વિશેષ પ્રમાણમાં ખેડૂતો વળ્યા છે. કેસર કેરી, દાડમ, ખારેક, ડ્રેગન ફ્રૂટ ઉપરાંત અનેક ફળોની ખેતી અહીં વિકસિત થઈ છે અને દેશ-વિદેશોમાં તેની પુષ્કળ માંગ રહે છે. ભારત દેશનું ૬૦-૭૦ ટકા જેટલું નમક કચ્છ ઉત્પાદન કરે છે અને અહીંનું નમક ખૂબ જ સફેદ અને ગુણવત્તાવાળું હોવાથી તેની વિશેષ માગ રહે છે.
કચ્છમાં મહાબંદર કંડલા અને મુંદ્રામાં પ્રાઈવેટ અદાણી પોર્ટે છે. જેમાં કંડલાનું ટ્રાફિક હેંડલિંગ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે છે. આ ઉપરાંત કચ્છમાં સિમેન્ટ, લોખંડ, તેલ, ચાઈના કલે, બેન્ટોનાઈટ, બોકસાઈટ, શ્રોમીન તેમજ જીપ્સમનું મોટા પાયે ઉત્પાદન થાય છે. અહીંના લોકગીતો પણ પ્રખ્યાત છે. તેમ જ વાદ્યો પણ જોડીયા પાવા, મોરચંગ, ભોરિંદો, સુંદરી તેમ જ સુરંદો જેવા લોક વાદ્યો છે.
કચ્છમાં શિલ્પ અને સ્થાપત્યના ચાહકો માટે કંથકોટનો કિલ્લો, કટેશ્ર્વર (સિયોત)ની ગુફા લખપતની છતરડી, કોટાયનું સૂર્ય મંદિર, કેરાનું શિવ મંદિર, ભૂજમાં મહાદેવ નાકે આવેલો રામકુંડ જેવા અનેક સ્થળો છે. જે આપણે ઊંડાણમાં જોઈશું.
ભૂસ્તરશાસ્ત્રીઓની દૃષ્ટિએ કચ્છ એક મોટી પ્રયોગશાળા છે. જેમાં માનવજાતિને ઉત્પતિ, વિકાસ અને ઉત્ક્રાંતિને લગતા ઘણા અવશેષો ઉત્ખનન કરતાં મળી આવે છે. જે ખરેખર અદ્ભુત છે.
અહીંના લોકજીવનમાં પણ ઘણી વિવિધતા છે. રબારી, જત્ત, આહીર, ભરવાડ જેવી જ્ઞાતિઓના વેશ-પહેરવેશ ખૂબ જ નાવિન્યથી ભરેલ છે. તેમના આભૂષણો પણ આકર્ષક હોય છે. અહીં અનેક જ્ઞાતિઓમાં પરંપરાઓ, માન્યતાઓ તેમ જ રીત-રિવાજથી સંસ્કૃતિને દૃઢ બનાવે છે.
આમ કચ્છ વિશે અનેક રહસ્યો તેમ જ વિવિધતાઓની ભૂમિ છે માટે તેને જાણવા માટે આપણે દર અઠવાડિયે નવીન વાતો કરીશું અને કચ્છને જાણવાનો એક નજીકથી પ્રયાસ કરીશું. આમ કચ્છ, કચ્છી અને કછિયતને ઉજાગર કરવા દર સપ્તાહે આપણે મળતા રહેશું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.