Homeઆમચી મુંબઈકચ્છ એક્સપ્રેસ કે કાચબા એક્સપ્રેસ? લાપરવાહ તંત્રને લીધે પ્રવાસીઓ પરેશાન

કચ્છ એક્સપ્રેસ કે કાચબા એક્સપ્રેસ? લાપરવાહ તંત્રને લીધે પ્રવાસીઓ પરેશાન

અંકલેશ્ર્વર અને ભરૂચની વચ્ચે ઓવરહેડ વાયર તૂટ્તાં મુંબઈથી નવી દિલ્હીનો ટ્રેનવ્યવહાર ખોટકાયો

૩૮થી વધુ ટ્રેનસેવાને અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં અંકલેશ્ર્વર અને ભરૂચની વચ્ચે ઓવરહેડ ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ (ઓએચઈ) તૂટી પડવાને કારણે મુંબઈથી ગુજરાત અને નવી દિલ્હી વચ્ચેનો ટ્રેનવ્યવહાર ખોટકાતા પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. મુંબઈથી ગુજરાત વચ્ચેની પ્રીમિયમ ટ્રેનોની સાથે ખાસ કરીને કચ્છ એક્સપ્રેસ ટ્રેન દસ કલાકથી વધુ મોડી દોડવાને કારણે મહિલા-સિનિયર સિટિઝન સહિતના અન્ય પ્રવાસીઓને પ્રવાસ કરવામાં પારાવાર પરેશાની ભોગવવી પડી હતી, એમ પ્રવાસીઓએ જણાવ્યું હતું.
બરોડા સેક્શનમાં અંકલેશ્ર્વર-ભરૂચ (કિલોમીટર ૩૨૦/૧૯)ની વચ્ચે સોમવારે રાતના ૭.૫૮ વાગ્યાના સુમારે ઓવરહેડ વાયર તૂટવાનો બનાવ બન્યો હતો. ઓએચઈ તૂટવાની માહિતી દાદર-અજમેર (૧૨૯૮૯) ટ્રેનના ગાર્ડે કંટ્રોલ રૂમને આપ્યા પછી સમગ્ર સેક્શનમાં ટ્રેનવ્યવહારને સ્થગિત કરવામાં આવ્યો હતો, તેથી ટ્રેનસેવા પર અસર પડી હતી, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ મુદ્દે વિદ્યાવિહારના રહેવાસી અરવિંદ ભાનુશાલીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે કચ્છ એક્સપ્રેસ (૨૨૯૫૫)માં પ્રવાસ કરવાનું પરિવાર માટે પારવાર હાલાકીભર્યું રહ્યું હતું. જાણે અમે બે દિવસથી કચ્છ એક્સપ્રેસમાં જ ટ્રાવેલ કરી રહ્યા હોવાનું લાગે છે. અમે સોમવારે કચ્છ એક્સપ્રેસ (બી-ફાઈવ) પકડી હતી, જે વલસાડ સ્ટેશન સુધી સમયસર દોડી હતી, પરંતુ ઓએચઈ તૂટવાને કારણે અમારી એકલી ટ્રેનને નવસારીમાં સાડાછ કલાક રોકી દેવામાં આવી હતી. એટલું જ નહીં, સુરત સ્ટેશન સુધી પહોંચવામાં નાકે દમ આવ્યો હતો, જ્યારે મંગળવારે રાતે ભુજ પહોંચ્યા હતા. આ મુદ્દે તંત્રની અણઘડ વ્યવસ્થા અંગે બળાપો ઠાલવતા અરવિંદભાઈએ કહ્યું હતું કે કચ્છ એક્સપ્રેસમાં ટ્રેનમાં કેટરિંગની તો વ્યવસ્થા નથી, તેથી અમે સુરતથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ મોડી રાતના ચાર વાગ્યે સુરત પહોંચી તો ત્યાંથી અમને ટિફિન મળ્યું નહોતું. આખી રાત ખાધાપીધા વિના રઝળ્યા હતા. ટ્રેનમાં વાપરવાનું પાણી ખલાસ થઈ જવાથી વોશ-બેસિન-ટૉઈલેટનો ઉપયોગ કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી. આ મુદ્દે અમે વારંવાર રેલવે પ્રશાસનનો સંપર્ક કરીએ તો કોઈ માહિતી જ મળતી નહોતી. કચ્છ એક્સપ્રેસમાં ન તો ટિકિટચેકર હતા કે પછી એટેન્ડન્ટ. લાંબા અંતરની ટ્રેનો દોડાવવામાં આવે છે, પરંતુ પ્રશાસન ફક્ત ટિકિટના પૈસા લઈને સુવિધાના નામે હાથ ઊંચા કરવા સિવાય કાંઈ કરતું નથી, એવું અરવિંદભાઈએ જણાવ્યું હતું.
પહેલી વાર કચ્છ એક્સપ્રેસમાં ટ્રાવેલ કરતા મુંબઈથી ભુજ સુધીનાં તમામ સ્ટેશનોનાં નામ યાદ રહી જશે. માનશો નહીં, નવસારીમાં સાડાછ કલાક, કોસાદ સ્ટેશન પર સાડાત્રણ કલાક ઊભી રહેવાની સાથે અન્ય નાનાં સ્ટેશનોએ પણ ઊભી રાખવાથી અમારી ધીરજની પરીક્ષા થઈ હતી. સુરતમાં તો એટલી બધી ચિક્કાર ભીડ હતી કે એસીમાં ટ્રાવેલ કરીએ છીએ કે જનરલ ક્લાસમાં એ ખબર પડી નહોતી. ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મારી સાથે મારા ૭૨ વર્ષના કાકા (જયંતીભાઈ ભાનુશાલી)ને ખરાબ અનુભવ થયો નહીં હોય, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ મુદ્દે બોરીવલીના રહેવાસી ચેતન મણિયાર (૬૧)એ કહ્યું હતું કે હું અને મારી પત્ની મારે દીકરીના ઘરે મંગળવારે પ્રસંગ હોવાથી ભુજ જવા માટે કચ્છ એક્સપ્રેસ પકડી હતી, પરંતુ હજુ સુધી એ ભુજ પહોંચ્યા (સાંજના છ વાગ્યા સુધી) નથી. મંગળવારે સવારના પ્રસંગમાં હાજર રહેવાનું જરૂરી હતું, પરંતુ એ અમે ચૂકી ગયા છે હવે શું? રેલવે પ્રશાસનની બેદરકારીના ભોગ અમારે બનવું પડ્યું છે. અમને ભુજ જવાનો ખાલી ધક્કો પડ્યો છે અને જે ખર્ચ થયો તે કોણ સરભર કરે? ટેક્નિકલ ફેઈલ્યોરના કિસ્સા વધે છે, ત્યારે ફક્ત હાલાકી ટ્રેનના પ્રવાસીઓને જ ભોગવવાની નોબત આવે છે, એવું તેમણે જણાવ્યું હતું.
અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે કચ્છ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસથી સાંજના ૫.૪૫ વાગ્યે ઊપડે છે, જ્યારે ભુજ સવારના સાડાઆઠે પહોંચે છે, પરંતુ મંગળવારે સાંજના સાત વાગ્યે નથી પહોંચી તો સમજો ટ્રેન કેટલા કલાક મોડી પડી અને ટ્રેનમાં પ્રવાસીઓના શું હાલ થયા હશે. પ્રવાસીઓની હાલાકીથી પ્રશાસન આંખ આડા કાન કરી રહી છે એનું ઉદાહરણ કચ્છ એક્સપ્રેસ છે, એમ તેમણે જમાવ્યું હતું.
આ મુદ્દે કચ્છ પ્રવાસી સંઘના સભ્ય નિલેશ શ્યામ શાહે કહ્યું હતું કે ઓવરહેડ વાયર તૂટવાને કારણે મુંબઈથી અમદાવાદ-કચ્છના ટ્રેનવ્યવહાર પર પણ અસર પડી હતી. સયાજીનગરી એક્સપ્રેસ ત્રણથી ચાર કલાક મોડી પડી હતી, જ્યારે કચ્છ એક્સપ્રેસ તો દસ કલાકથી વધુ મોડી દોડતી હોવાથી પ્રવાસીઓ માટે ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી છે. તહેવારોમાં તો આ બધી ટ્રેનોમાં ઓવર પેસેન્જર (વેઈટિંગ લિસ્ટવાળા સૌથી વધારે પ્રવાસી) હોય છે તેથી રિઝર્વેશનવાળા પ્રવાસીઓને તો ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડે એ હકીકત છે. સોમવારે ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે ટ્રેનમાં અંધાધૂંધી થઈ હતી, જ્યારે સાચી માહિતી આપવામાં ટ્રેનના એટેન્ડન્ટ કે ટિકિટચેકર ક્યાંય જોવા મળતા નહોતા. ટ્રેનમાં વાપરવાનું પાણી કે પીવાનું પાણી નહીં મળતા પ્રવાસીઓ માટે સોમવાર-મંગળવારનો દિવસ હાલાકીભર્યો રહ્યો હતો, એવું તેમણે જણાવ્યું હતું.
——–
બરોડા સેક્શનમાં સોમવારે આઠ વાગ્યાના સુમારે ઓવરહેડ ઈલેક્ટ્રિકલ વાયર તૂટ્યો હતો, ત્યાર બાદ વાયરના મરમ્મત કામકાજમાં બેથી ત્રણ કલાકનો સમય લાગવાને કારણે મુંબઈથી ગુજરાત-નવી દિલ્હી વચ્ચેની મોટા ભાગની અપ એન્ડ ડાઉન લાઈનની ટ્રેનોને નજીકના સ્ટેશન તરફ રોકી દેવામાં આવી હતી. મુંબઈ-અમદાવાદ-નવી દિલ્હી વચ્ચેનો મુખ્ય કોરિડોર હોવાને કારણે મોટા ભાગની રાતની અને સવારની ટ્રેનો મોડી પડી હતી, જેમાં ખાસ કરીને સૌથી પહેલા તેજસ એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય ૩૮થી વધુ ટ્રેનસેવા પર અસર પડી હતી, જેમાં દાદર-વડોદરા, દાદર-અજમેર, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ, બાંદ્રા-ભુજ સયાજી એક્સપ્રેસ, મુંબઈ-નિઝામુદ્દીન ઑગસ્ટ ક્રાંતિ, બાંદ્રા-ભાવનગર, મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ, ગોલ્ડન ટેમ્પલ (મુંબઈ-અમૃતસર), નિઝામુદ્દીન, મુંબઈ-જયપુર, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ, મુંબઈ-ઈન્દોર અવંતિકા, મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર, મુંબઈ-નવી દિલ્હી દૂરંતો એક્સપ્રેસ, પુણે-અમદાવાદ દૂરંતો, દાદર-એકતાનગર, બાંદ્રા ટર્મિનસ-જામનગર, બાંદ્રા ટર્મિનસ-હરદ્રાર દહેરાદૂન સહિત અન્ય ટ્રેનનો સમાવેશ થાય છે. જોકે, ઓવરહેડ વાયર તૂટવા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સંબંધિત દોષી વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવશે, એમ પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular