રાહદારીઓની નજર સામે બનેલી ઘટનાથી ખળભળાટ: વીડિયો વાયરલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં બનેલી કમકમાટીભરી ઘટનામાં કચ્છી વેપારીએ પડોશીઓ પર ચાકુથી હુમલો કરતાં બેનાં મોત નીપજ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ચાકુના ઘા ઝીંકી રહેલા વેપારીનું રાહદારીઓએ વીડિયો રેકોર્ડિંગ કરી લેતાં સંબંધિત વીડિયો વાયરલ થયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની બપોરે 3.30 વાગ્યાની આસપાસ ડૉ. ડી. બી. માર્ગ પરની પાર્વતી મેન્શન ઈમારતના સી બ્લૉકના બીજા માળે બની હતી. છેલ્લા દોઢ મહિનાથી એકલા રહેતા ચેતન ગાલા (54)એ પડોશમાં રહેતાં જયેન્દ્ર મિસ્ત્રી અને ઈલા મિસ્ત્રી પર ચાકુથી હુમલો કર્યો હતો. તે પહેલાં ઘરની બહાર પરસાળમાં સૂતેલા અને ઘરકામ કરતા પ્રકાશ વાઘમારે પર પણ ચાકુના ઘા ઝીંક્યા હતા.
ઘટનાને પગલે પડોશીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળી પહેલા માળે રહેતાં સ્નેહલ બ્રહ્મભટ્ટ અને તેમની પુત્રી જેની બ્રહ્મભટ્ટ બીજા માળે દોડી આવ્યાં હતાં. આરોપીએ તેમના પર પણ હુમલો કર્યો હતો. બાદમાં આરોપીએ પોતાને ઘરમાં બંધ કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને તાબામાં લીધો હતો.
દરમિયાન આરોપી પરસાળમાં ચાકુથી હુમલો કરી રહ્યો હતો ત્યારે રસ્તા પર એકઠા થયેલા રાહદારીઓએ ઘટનાને નજરે જોઈ હતી અને વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ ઘટનાનો વીડિયો ખાસ્સો વાયરલ થયો હતો. ડેપ્યુટી પોલીસ કમિશનરના કહેવા મુજબ બે જણનાં મૃત્યુના સમાચાર મળી રહ્યા છે, જેની ખાતરી કરવામાં આવી રહી છે.
ગ્રાન્ટ રોડમાં કચ્છી વેપારીનો ચાકુથી પડોશી પર હુમલો…#BREAKING #GrantRoad #Mumbai #mumbainews #murder #viral #viralvideo pic.twitter.com/fR1CWQgPtT
— Mumbai Samachar Official (@Msamachar4u) March 24, 2023