(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં ગાર્મેન્ટ સ્ટોર ધરાવતા કચ્છી વેપારીનું થાણેથી કારમાં અપહરણ કરવામાં આવ્યા બાદ યેઉરના બંગલોમાં કથિત રીતે બંધક બનાવવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બંગલોમાં કપડાં કાઢી વેપારીને માર મારવામાં આવ્યો હતો અને પછી તેનો વીડિયો બનાવવામાં આવતાં પોલીસે ફરિયાદીના કઝિન સહિત પાંચ જણ સામે ગુનો નોંધ્યો હતો. મુલુંડ પૂર્વના નીલમ નગરમાં રહેતા અને એલ. ટી. રોડ પર ગાર્મેન્ટ સ્ટોર ધરાવતા ૪૧ વર્ષના વેપારીએ નોંધાવેલી ફરિયાદને આધારે વર્તક નગર પોલીસે રસિક બોરીચા, અનિલ ફરિયા, નીતિન ફરિયા અને બે અજાણ્યા શખસ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૫, ૩૪, ૩૬૪-એ, ૩૬૫, ૫૦૪ અને ૫૦૬(૨) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.ફરિયાદમાં વેપારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારે સાંજથી રાત દરમિયાન બની હતી.
નાશિકના દેવલાલીથી પરિવાર સાથે કારમાં મુંબઈ આવી રહેલા વેપારીને તેના કઝિન નીતિન ફરિયાએ કૉલ કરી થાણેના કોરમ મૉલ નજીક મળવાનું કહ્યું હતું. થાણેના કૅડબરી જંક્શન નજીક કાર પાર્ક કરીને વેપારી નીતિનને મળવા ગયો હતો. વેપારી નીતિન સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે સફેદ કલરની ઈનોવા કાર તેમની નજીક આવી હતી. કારમાં રસિક બોરીચા, અનિલ ફરિયા સહિત અન્ય શખસ હતા.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી યેઉરના બંગલોમાં લઈ જવામાં આવ્યો હતો. આરોપીએ વેપારીનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈ સ્વિચ ઑફ્ફ કરી નાખ્યો હતો. બંગલોમાં વેપારીને તેનાં કપડાં ઉતારવાની ફરજ પડાઈ હતી. પછી બામ્બુ અને હાથ-લાતથી તેને ફટકારવામાં આવ્યો હતો.બોરીચાના સસરાને ફરી ફોન નહીં કરું, એવું વેપારીને બોલવાનું કહીને તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. બાદમાં મોડી રાતે તેને ફરી મૉલ નજીક છોડી મૂકવામાં આવ્યો હતો.રિક્ષાથી ઘરે ગયેલા વેપારીએ બનેલી ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારવાની ધમકી આપી હોવાનું પણ વેપારીએ ફરિયાદમાં જણાવાયું હતું. આખરે હિંમત ભેગી કરી વેપારીએ ગુરુવારે સવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.