(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘરમાં ઘૂસી ૪૨ વર્ષની મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ ગુપ્તાંગ પર સિગારેટના ડામ આપી શસ્ત્રથી હુમલો કરવાની કુર્લામાં બનેલી ઘટનામાં પોલીસે એક આરોપીને નાગપાડા ખાતેથી પકડી પાડ્યો હતો.
કુર્લા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ યાકુબ સિદ્દીકી ઉર્ફે બબલુ (૪૦) તરીકે થઈ હતી. કુર્લાના ઈન્દિરા નગરમાં રહેતા બબલુના બે સાથી વસીમ અને મુન્નાની પોલીસ શોધ ચલાવી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના ૩૦ નવેમ્બરની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. કુર્લા પશ્ર્ચિમમાં રહેતી મહિલાના ઘરમાં એ જ વિસ્તારમાં રહેતા ત્રણ નરાધમ ઘૂસ્યા હતા. આરોપીઓએ મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. બાદમાં મહિલાના ગુપ્તાંગ પર સિગારેટના ડામ દેવામાં આવ્યા હતા.
આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે મહિલા પર ઘા ઝીંકી બર્બરતા આચરી હતી. બે આરોપીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. પીડિતા પોલીસ ફરિયાદ નોંધાવે તો આ વીડિયો વાયરલ કરવાની ધમકી આરોપીએ આપી હતી. ડરી ગયેલી મહિલાએ બનેલી ઘટનાની જાણ તાત્કાલિક કોઈને કરી નહોતી. જોકે પડોશી એનજીઓના સંપર્કમાં હોવાથી મહિલાએ બાદમાં તેની મદદ લીધી હતી.
ભાભા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી બીજી ડિસેમ્બરે ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાતાં જ આરોપી ફરાર થઈ ગયા હતા. તેમની શોધ માટે પોલીસ અધિકારીઓની બે ટીમ બનાવવામાં આવી હતી. આ કેસમાં કથિત રીતે સંડોવાયેલો બબલુ નાગપાડાના કામાઠીપુરા વિસ્તારમાં સંતાયો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે મંગળવારે છટકું ગોઠવી તેને પકડી પાડવામાં આવ્યો હતો.