આરોપીઓને પકડવા પોલીસની વિશેષ ટીમ સાથે ક્રાઈમ બ્રાન્ચ સજ્જ
મુંબઈઃ કુર્લામાં ગઈકાલે રાતે પાલિકાના એક કોન્ટ્રાક્ટર પર બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સદનસીબે બચી ગયા હતા. પોલીસે આ કેસની નોંધ કરીને આરોપીઓને પકડવા માટે વિશેષ પોલીસ ટીમની સાથે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
સૌથી મોટું આશ્ચર્ય છે કે કોન્ટ્રાક્ટર પરના ફાયરિંગના કિસ્સામાં તેને કોઈ ઈજા પહોંચી નથી, કારણ કે તે કારની અંદર હતો. પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે રાતના આઠ વાગ્યાના સુમારે પાલિકાના કોન્ટ્રાક્ટર સૂરજ પ્રતાપ સિંહ એલ. વોર્ડમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓને પકડવા માટે પોલીસે વિશેષ ટીમનું ગઠન કર્યું છે, જ્યારે કદાચ બિઝનેસમાં હરિફાઈ મુદ્દે હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. હાલના તબક્કે તપાસ ચાલી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ અંગે પોલીસે વિગતવાર કહ્યું હતું કે સિંહ અને તેનો મિત્ર પકંજ કોઈ કામથી વોર્ડના કાર્યાલય પર ગયા હતા, જ્યાં કામકાજ પૂરું થયા પછી તેઓ દહીસર પોતાના ઘરે જઈ રહ્યા હતા. કુર્લામાં સીએસએમટી રોડ પર કાપડિયા નગર પહોંચ્યા ત્યારે બે હુમલાખોરોએ તેમના પર ધસી ગયા હતા ત્યારબાદ એક રાઉન્ડનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈપીસી એક્ટ અન્વયે કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું હતું.