મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં નામ્બિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા છે, જેમાંથી એક માદા મૃત્યુ પામી જ્યારે એક માદા ચિત્તાએ બુધવારે જ ચાર બચ્ચાંને જન્મ આપ્યો. કૂનો પાર્કમાં ચિત્તાના વસવાટ બાદ હવે ગીરના સિંહોને પણ લાવવાની વાત કેન્દ્ર સરકારે કરી હતી અને સુપ્રીમ કોર્ટને પણ જણાવ્યું હતું, પરંતુ મોટા ભાગના નિષ્ણાતો ગીરના સિંહોને કૂનો પાર્કમાં રિલોકેટ કરવાની તરફેણમાં નથી.
આના કારણો આપતા ઘણા નિષ્ણાતો કહે છે કે ગીર જેવું સાનૂકૂળ વાતાવરણ મધ્ય પ્રદેશના કૂનો પાર્કમાં નથી સિંહો માટે કુદરતી વાતાવરણ જરૂરી હોય છે અને તે માટે ગીરના જંગલોમાં જે કરમદાના ઝાડ છે તે ખૂબ મહત્વના છે. આ ઝાડ નીચે જ સિંહો આરામ કરે છે અને સિંહણ બાળકોને જન્મ આપે છે. આવા ઝાડ હાલમાં કૂનોમાં નથી. આ સાથે સિંહ અને વાઘ એક સાથે રહી શકે નહીં. કૂનોમાં રીંછની સંખ્યા ઘણી છે જ્યારે ગીરમાં એક પણ રીંછ નથી. આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જેવા છે.
આ સાથે કૂનોમાં સિંહના મારણના વિકલ્પો ખૂબ જ ઓછા છે. ગીરમાં 80,000 જેટલા હરણ છે જ્યારે કૂનોમાં એક સ્કેવરમીટરે માત્ર 20 ચિત્તલ છે. ગીર 1,460 કિલોમીટરમાં ફેલાયેલું છે જ્યારે કૂનો માત્ર 750 કિલોમીટરમાં ફેલાયેલું છે. અહીં વાઘ છે અને સિંહ માટે ખૂબ જ મોટો વિસ્તાર જોઈએ. જો સિંહ પણ અહીં આવે તો દીપડાઓએ માનવ વસાહત તરફ ભાગવું પડે જે જોખમી સાબિત થઈ શકે છે. ચંબલ નદી સૂકાઈ ત્યારે રાજસ્થાનના રણથંભોરમાંથી વાઘ કૂનો તરફ આવે છે. સિંહ પણ અહીં આવે બે વચ્ચે ટેરેટરી મામલે ઘર્ષણ થવાની શક્યતા ચોક્કસ રહે. આ સાથે એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે મધ્ય પ્રદેશમાં શિકારીઓની ગેંગ છે જે ગીરના સિંહના શિકાર કરતા પણ ઝડપાઈ છે. આ સાથે ગીર દરિયા કિનારે હોવાથી અહીં ગરમીનું પ્રમાણ ઓછું છે જે સિંહોને માફક આવી ગયું છે. મધ્ય પ્રદેશમાં ગરમી વધારે અનુભવાતી હોવાથી સિંહોને વાતાવરણ માફક ન આવે તેમ પણ બને. કૂનો વાઘ, સિંહ, ચિત્તા અને દીપડા એમ ચારેય વન્ય પ્રાણીઓ માટે વસવાટનું સ્થળ ન બની શકે. આ સાથે ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના 32 અભ્યાસમાંથી દસના અભ્યાસ હજુ રજૂ કરવામાં આવ્યા નથી. આથી ટ્રાન્સલોકેશન શક્ય નથી, તેમ પણ નિષ્ણાતોનું કહેવું છે.