મહેસાણાના કડીમાં પેરાગ્યાઈડિંગ કરતા સમયે પડીને મૃત્યુ પામેલા કોરિયન નાગરિકને પોતે કરેલા સ્ટંટ જ ભારે પડ્યા હતા, તેમ તપાસ એજન્સીએ જણાવ્યું હતું. 24મી ડિસેમ્બરે પેરાગ્યાડિંગ કરતા નીચે પટકાતા આ કોરિયન નાગરિક મૃત્યુ પામ્યા હતા. તે સમયે તેમના પેરાશૂટમાં માંજાનો દોર અટવાય જતા આ અકસ્માત થયો હોવાનું કહેવામાં આવતું હતું, પરંતુ મહેસાણા પોલીસે આ માટે કરેલી તપાસનો અહેવાલ અલગ કારણ આપી રહ્યો છે.
આ અહેવાલની મળતી માહિતી અનુસાર તે હવામાં સ્ટંટ કરતા હતા અને તેથી કેનોપીની સસ્પેન્શન લાઈનને નુકસાન પહોંચતા તેઓ 59 ફીટ ઉપરથી નીચે પટકાયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું. મહેસાણાના સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બે કોરિયન નાગરિક કડી ખાતે પેરાગ્લાયડિંગ કરતા હતા. બન્ને પેરાગ્યાડિંગ કરતા હતા ત્યારે શિન નામના નાગરિકે સ્ટંટ કરવાનું શરૂ કર્યું હતું અને તેના મિત્ર ચંગે તેને ચેતવ્યા પણ હતા.
મિત્રએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે શિનને ચેતવ્યા હતા, પરંતુ શિન માન્યા ન હતા. હવાનું જોર વિરુદ્ધ દિશામાં હતું અને પછી તેઓ અચાનક જમીન પર પટકાયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા, પરંતુ તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતમાં ઉતરાયણ પહેલા જ પતંગો ઉડાડવામાં આવે ચે અને માંઝાથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે આથી તે સમયે માંઝાના દોરથી પેરામોટરીસ્ટનું મૃત્યુ થવાનું માનવામાં આવતું હતું, પરંતુ તપાસ બાદ આ હકીકત બહાર આવી હતી.