કોઈ ઈસ બેકસી સે રોતા હૈ, ઈશ્ક કે દિલ મેં દર્દ હોતા હૈ

વીક એન્ડ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

મેરે રોને પે યે હંસી કૈસી?
એ સિતમગર! યે દિલ્લગી કૈસી?
* * *
ઝબાન દિલ કી હકીકત કો ક્યા બયાં કરતી?
કિસી કા હાલ કિસી સે કહા નહીં જાતા.
* * *
યકીં હૈ મુઝ કો મુલાકાત ઉસ સે હો જાયે,
તેરી તલાશ મેં પહેલે જો આપ ખો જાયે.
* * *
તેરે કરમ મે કમી કુછ નહીં, કરીમ હૈ તૂ,
કુસૂર મેરા હૈ, ઝૂઠા ઉમ્મીદવાર હૂં મૈં.
-અઝીઝ લખનવી
ગાલિબ, મીર તકી મીર, દર્દ, મોમિન જેવા ઉચ્ચ કક્ષાની સર્જકતા ધરાવતા ભારતવ્યાપી શાયરોના પ્રદાનને વર્તમાન યુગમાં અદબ સાથે યાદ કરાય છે તો બીજી તરફ લખનૌ સ્કૂલના સફી, નઝર, સાક્બિ, આરઝૂ, સરશાર, નાતિક, અસર જેવા ઉપનામધારી શાયરોએ ગઝલના આત્માને બદલે તેના બાહ્ય કલેવર પર જ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. કૃત્રિમ કલ્પનાઓ અને અસ્વાભાવિકતાને ટાપટીપ સાથે લખાતી લખનવી શાયરીને ખારિજી રંગની શાયરી કહેવામાં આવે છે. અઝીઝ લખનવી આવી શાયરીથી દૂર રહ્યા હતા. આ નોખી માટીના શાયરે લખનવી શાયરીમાં નવો પ્રાણ ફૂંકી તેનું પઉમાર્જન કર્યું હતું. તેમણે પોતાની આગવી કેડી કંડારી હતી. આ શાયરે ગઝલોમાં નવા ભાવ-વિષયને લાવવાની સાથે પ્રેમ જેવા નાજુક વિષયને લાલિત્યસભર શૈલીમાં વણી લેવાનો પડકાર ઝીલી લીધો હતો. તેમની ગઝલોની ભાષા ઓજસ્વી, પ્રવાહી તેમ જ મધુરતાથી સભર છે. તેમની વર્ણનશૈલીમાં કરુણાનો પુટ છે તેમ વર્ણન-કથનમાં નવીનતા છે.
અઝીઝ લખનવીનું અસલ નામ મિરઝા મુહમ્મદ હાદી હતું. ઈ.સ. ૧૮૮૨માં લખનૌમાં તેમનો જન્મ થયો હતો. તેમના પૂર્વજ ઈરાનના શિરાઝ શહેરના રહેવાસી હતા. તેઓ ત્યાંથી કાશ્મીર અને કાશ્મીરથી હિજરત કરી હંમેશ માટે લખનૌમાં ઠરીઠામ થયા હતા. તેમના વંશજમાં ઉત્તરોત્તર કેટલાક વિદ્વાનો જન્મ્યા હતા. અઝીઝ માત્ર ૭ વર્ષના હતા ત્યારે તેમના પિતા અલ્લામા મિરઝાનું અવસાન થયું હતું. બાળક અઝીઝની કેળવણી ૫ વર્ષની વયે શરૂ થઈ હતી. તેમણે અરબી-ફારસીમાં સંપૂર્ણ યોગ્યતા મેળવી હતી. તેમણે અમીનાબાદની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે, લખનૌ વિશ્ર્વવિદ્યાલયમાં પરીક્ષક તરીકે અને મહેમૂદાબાદના રાજકુમારના શિક્ષક તરીકે કામ કર્યું હતું.
આ શાયર ‘સફી’ લખનવીના પાક્કા શિષ્ય હતા, પરંતુ ગુરુ-શિષ્ય વચ્ચે કોઈ નાજુક મુદ્દા પર ઉગ્ર ચર્ચા, દલીલબાજી, અફડાતફડી થતા તેઓના પરસ્પરના સંબંધોમાં કડવાશ વ્યાપી ગઈ હતી. જો કે આ શાયર વિનયી, સહૃદય અને મિલનસાર તેમ જ હસમુખા હતા. માટે તો તેમના ઘણા શિષ્યો હતા, તેમના શિષ્યવૃંદમાં અસર લખનવી, જોશ મલીહાબાદી, આશુફતા લખનવી, જિગર બરેલવી, રશીદ લખનવી, શેફતા લખનવી, જગમોહન ‘રવાં’, સૈફી લખનવી જેવા લખનૌ ઈલાકાના મશહૂર શાયરોનો સમાવેશ થાય છે.
અઝીઝના પ્રથમ ગઝલસંગ્રહ ‘ગુલકદા’માં ઈ.સ. ૧૯૦૫થી ૧૯૧૮ સુધીમાં સર્જાયેલી તેમની ગઝલો ૧૪૪ પૃષ્ઠમાં પેશ કરવામાં આવી છે. તેમાં તેમના ૧૨૧ શેર પણ સામેલ કરાયા છે. તેમનો બીજો ગઝલ સંગ્રહ ‘અંજુમકદા’ નામથી છપાયો હતો. ‘સહીફેવિલા’ નામનું કસીદાઓનું પુસ્તક તેમની શાયર પ્રતિભાનો પરિચાયક છે.
તેમની શેર-શાયરીના બગીચમાં હવે પ્રવેશ કરીએ:
* વઅદા કિયા થા: ‘ખ્વાબ મેં સૂરત દિખાયેંગે’,
સોચા કિયા હમેશા ઈસી એઅતેબાર પર.
એમણે (પ્રેમિકાએ) સ્વપ્નમાં દીદાર આપશે એવો વાયદો કર્યો હતો. આ ભરોસા પર હું હંમેશાં ઊંઘતો જ રહ્યો.
* યે કહ કે બઝમે-નાઝ મેં ઈક જામ પી લિયા,
‘કબ તક રખેં ઉમ્મીદ શરાબે-તહૂર કી’
‘સ્વર્ગમાં મળનાર પવિત્ર સુરાની આશા ક્યાં સુધી રાખવી?’
એમ કહીને મેં તો પ્રેમિકાની મહેફિલમાં જ એક પ્યાલો ઉઠાવીને પી લીધો..!
* કોઈ ઈસ બેકસી સે રોતા હૈ,
ઈશ્ક કે દિલ મેં દર્દ હોતા હૈ.
આવી લાચારી સાથે ક્યાં કોઈ રડતું હોય છે! તે વખતે પ્રેમના હૃદયમાં વેદના થતી હોય છે.
* કાશ! સુનતે વોહ પુર અસર બાતેં,
દિલ સે જો કી થી ઉમ્રભર બાતે.
આખી જિંદગી દિલ સાથે અસરકારક વાતો કર્યા કરી હતી. જો ભગવાન એ સાંભળે તો કેવું સારું!
* ખાક કયો છાન રહા હૈ બતલા,
થા ભી દિલ પાસ તેરે યાદ તો કર.
તું જરા એ તો કહે કે તું શા માટે આમતેમ રઝળી રહ્યો છે! તું એ તો યાદ કર કે તારી પાસે ક્યારેય દિલ હતું ખરું?
* ઝબ્તે-ગિરયાં કા ન દો હુકમ મુઝે,
દિલ મેં કુછ દાગ હૈ, ધો લેને દો.
આંસુને રોકી રાખવા માટે મને હુકમ ન કરો. (એ પહેલાં) દિલમાં કેટલાક ડાઘ છે તેને તો ધોઈ લેવા દો.
* દિલ કો જહાં સુકૂન હુવા, જિસ્મ સર્દ થા,
વો મુદ્દતે-હયાત થી જબ તક કે દર્દ થા.
હૃદયને શાંતિ થઈ ત્યારે દેહ ઠંડો પડી ગયો હતો. જિંદગી જીવવા માટેની મુદ્દત જ એવી હતી કે જ્યાં સુધી વેદના હોય ત્યાં સુધી જીવન જીવાય છે.
* મર ગયા થા મૈં નઝાકત દેખ કર જીન કી ‘અઝીઝ’,
હૈફ ઉન્હીં હાથોં સે મહફિલ મેં મેરા માતમ હુવા.
અરે, ઓ ‘અઝીઝ’! જેની નમણાશ જોઈને હું મરવા પડ્યો હતો. હાય, એ જ હાથો વડે મહેફિલમાં મારા શોકનો માતમ છવાય ગયો.
* લો વહ ભી સર ઝુકાયે હુવે સાથ-સાથ હૈં,
યૂં ભી કિસી કી લાશ ઉઠી હે ઝમાને મેં?
અરે, જુઓ તો ખરા! એ પણ માથું નીચું કરીને સાથે સાથે આવી રહ્યાં છે! આખો જમાનો તપાસી લો. આવી રીતે કોઈની લાશ (જનાઝો) ઉપડી છે ખરી!
* ‘અઝીઝ’ મુંહ સે વો અપને નિકાબ તો ઉલટે,
કરેંગે ઝબ્ત અગર દિલ પે ઈખ્તિયાર રહા.
‘અઝીઝ’! એમને એમના મોઢા (ચહેરા) પરનો પરદો ખસેડવા તો દો. તે વખતે દિલ પર કાબૂ રહેશે તો સંયમ રાખશું.
* અહદ મેં તેરે જુલ્મ કયા ન હુવા,
ખૈર ગુઝરી કિ તૂ ખુદા ન હુવા.
તારું જ્યારે ચાલતું હતું ત્યારે તેં અત્યાચાર કરવાનું છોડ્યું ન્હોતું. એ તો સારું થયું કે તું ખુદા ન્હોતો. (નહી તો શું શું થઈ જાત!)
* ખુદા કા કામ હૈ યૂં તો મરીઝો કો શિફા દેના,
મુનાશિબ હો તો ઈક દિન હાથ સે અપના દવા દેના.
દર્દીઓ – બીમારોની સારવાર કરી તેઓને સ્વાસ્થ્ય આપવું એ ખુદાનું કામ છે. તમને યોગ્ય લાગે તો કોઈ વેળા તમારા હાથે પણ દવા આપજો.
* તમામ અંજુમને-વાઈઝ હો ગઈ બરહમ,
લિયે હૂવે કોઈ યૂં સાગરે – શરાબ આયા.
કોઈ એકાએક હાથમાં સુરાની પ્યાલી લઈને આવી પહોંચ્યું. ઉપદેશકોની આખી સભા એકાએક ખાલી થઈ ગઈ.
* પહોંચ કે હશ્ર કે મૈદાં મેં હૌલ કયૂં હૈ ‘અઝીઝ’?
અભી તો પહલી હી મંઝિલ હૈ, જુસ્તજૂ કરતે.
કયામતના મેદાનમાં પહોંચ્યા પછી ભય શાનો છે વળી? આ તો હજુ શોધખોળનો પ્રથમ પડાવ જ છે! (ધીરજ રાખ)
* દેખ લી દુનિયા ચલો શહરે-ખમોશાં જબ ‘અઝીઝ’,
કાબિલે-દાદ ઈક યહીં દિલચશ્પ મંઝર રહ ગયા.
‘અઝીઝ’, દુનિયા તો જોઈ લીધી. હવે છેવટની મંઝિલ (કબ્રસ્તાન)નો રસ્તો પકડી લઈએ. હવે તો આંખો માટે જોવા લાયક એ જ દૃશ્ય બાકી રહી ગયું છે.
* દેખ કર જાનિએ-બિસ્મિલ વહ કિસી કા કહના,
‘ખુદ-બ-ખુદ ઉસ કે તડપને પે હંસી આતી હૈ.
ઘાયલ (વ્યક્તિ) તરફ નજર કરીને કોઈ વળી એમ બોલી ઉઠ્યું કે એનો તરફડાટ જોઈને આપોઆપ જ હસવુંમ આવી જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.