ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
જેનું કોઈ રાજપાટ ન હોય,રજવાડું ન હોય, કોઈ સામ્રાજ્ય ન હોય અને સિંહાસન પણ ન હોય એવાં રંક નારી જે સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપીને રાણીમા તરીકે પ્રખ્યાત થયાં…
એમનું નામ ગાઈદિન્લ્યૂ… નાગા ક્ધયા. જવાહરલાલ નહેરુએ એમને નાગાઓની રાણી કહ્યાં. પર્વતપુત્રી તરીકે પણ ઓળખાયાં. અંગ્રેજ સરકારે ખતરનાક નાગા યુવતી અને ઉત્તર-પૂર્વનો આતંક તરીકે ઓળખાવ્યાં.
આ ગાઈદિન્લ્યૂનો જન્મ મણિપુરના લંગ્કાઓ નામના રાંગમઈ ગામમાં ૨૬ જાન્યુઆરી ૧૯૧૫ના થયો. ગાઈદિન્લ્યૂ પિતા લોથોનાંગ તથા માતા કેલુવતલિન્લિયૂનું સાતમું સંતાન હતી. ગાઈદિન્લ્યૂ સહિત તેમની ત્રણ પુત્રીઓ તથા પાંચ પુત્ર હતાં. ગામના વૃદ્ધોએ તેનું નામ ગાઈદિન્લ્યૂ રાખ્યું. ગાઈદિન્લ્યૂ એટલે ‘સારો માર્ગ દેખાડનારી.’
ગાઈદિન્લ્યૂ સારો માર્ગ ચીંધાડનાર હોવાની સાથે સાચે માર્ગે ચાલનારાં પણ હતાં. એમણે સાંભળ્યું કે કમ્બીરાનનિવાસી હેપાઉ જાદોનાંગ અંગ્રેજોની વિરુદ્ધ સ્વતંત્રતાની લડાઈ લડી રહ્યા છે. તેઓ જાદોનાંગને મળ્યાં. એમનાં કાર્યોથી પ્રભાવિત થઈને સ્વતંત્રતા સેનાનીનો રાહ અપનાવ્યો. જાદોનાંગે મહાત્મા ગાંધીના સ્વતંત્રતા આંદોલન વિશે સાંભળેલું. ગાંધીજી ૨૬ ડિસેમ્બર, ૧૯૨૬ના ગૌહાટી નજીક પાંડુ નામના સ્થળે પધારેલા. એ વખતે જાદોનાંગ ગાંધીજીને મળવા પાંડુ આવેલા. સાથે ગાઈદિન્લ્યૂને પણ લાવેલા. ગાઈદિન્લ્યૂ એ સમયે માત્ર બાર વર્ષનાં.. બન્નેએ ગાંધીજીના દર્શન કર્યા. પાછા ફરીને ગાઈદિન્લ્યૂએ નાગા પહાડીઓમાં આંદોલનની આગેવાની લઇ લીધી. જોકે એક કાવતરું રચીને અંગ્રેજ સરકારે જાદોનાંગની ધરપકડ કરી. ૨૯ ઑગસ્ટ ૧૯૩૧ના એમને ફાંસીએ ચડાવી દીધા.
ગુપ્તચરો દ્વારા ગાઈદિન્લ્યૂને આ માઠા સમાચાર મળ્યા. તેમણે લડાકુઓની સભા બોલાવીને કહ્યું: મારા સાહસી યોદ્ધાઓ! બ્રિટિશ સરકારે જાદોનાંગને ફાંસી પર લટકાવી દીધા છે. ભારતમાતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવાનું એમના જીવનનું લક્ષ્ય હતું. આપણી સામે બેઠેલો પ્રત્યેક યુવક વીર જાદોનાંગ છે. એમના દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનને આગળ ધપાવવા માટે કુરબાની આપવાની ક્ષણ છે.જાગો, ઊઠો અને કૂદી પડો સ્વતંત્રતાની રક્ષા માટે આ ભભૂકી રહેલા મહાસંગ્રામમાં!
સહુ કૂદી પડ્યા સ્વતંત્રતા સંગ્રામમાં. ગાઈદિન્લ્યૂએ ગેરીલાયુદ્ધ પદ્ધતિ અપનાવી. દુશ્મનના સૈન્યને મારીને ગાઢ જંગલો તથા દુર્ગમ પહાડો પર અદ્રશ્ય થઇ જવાની ગાઈદિન્લ્યૂ તથા તેમના સૈનિકોને સારીપેઠે ફાવટ હતી. એથી ગાઈદિન્લ્યૂ સ્વતંત્રતા સંગ્રામમાં પોતાની સેનાનું સંચાલન કરી રહ્યાં હતાં. લડાઈની આ લહેર આસામ, નાગાલેન્ડ અને મણિપુરના માત્ર જેલિયાંગરાંગ સુધી પહોંચી ગઈ.
દરમિયાન, ગાઈદિન્લ્યૂ લપાતાંછુપાતાં હંગ્રુમ ગામભણી ચાલી નીકળ્યાં. એ ગામના લોકોએ ગાઈદિન્લ્યૂની સુરક્ષા કરવાનો સંકલ્પ કરેલો. તેમના માટે લાકડાના એક દુર્ગનું નિર્માણ પણ કરેલું. ગાઈદિન્લ્યૂ ત્રીજે દિવસે હંગ્રુમ પહોંચી ગયાં. દુર્ગમાં પ્રવેશ કર્યો. અહીં ગાઈદિન્લ્યૂનું નામ બદલીને કિરાંગલે તથા દિલેન્લ્યૂ રાખવામાં આવ્યું.
અંગ્રેજી સરકારે ગાઈદિન્લ્યૂને પકડવાનો નિશ્ર્ચય કર્યો. ગાઈદિન્લ્યૂને પકડવા જાળ ગૂંથવામાં આવી. એની તસ્વીરો વહેંચવામાં આવી. એવામાં ડૉ. હરાલૂ નામના દગાબાજે પોલીસને ગાઈદિન્લ્યૂનું ઠેકાણું ચીંધ્યું. એ સમયે ગાઈદિન્લ્યૂ પુલોમી ગામમાં છુપાયેલાં.
પોલીસ રાતના અંધકારમાં પુલોમી ગામમાં પહોંચી જાય એવી યોજના ઘડવામાં આવી. કેપ્ટન મેકડોનાલ્ડે સો જવાનોની ટુકડી પુલોમી મોકલી. પરોઢિયે ચાર વાગ્યે પુલોમી પહોંચી ગયા. જોવામાં આવ્યું કે ગામના પ્રવેશદ્વારને મોટી મોટી લાકડીઓ અને વાંસથી બંધ કરી દેવાયું છે. દ્વારબહાર ગાઈદિન્લ્યૂના બે જાસૂસ નિયુક્ત કરાયેલા તે પકડાઈ ગયા. બન્નેએ જણાવી દીધું કે ગાઈદિન્લ્યૂ ગામના હૈલુંગના ઘરમાં રહે છે. પોલીસ ત્યાં પહોંચી. ગાઈદિન્લ્યૂને જણાવ્યું કે આત્મસમર્પણ કરવું એ જ એકમાત્ર ઉપાય છે. ગાઈદિન્લ્યૂ એક વીરાંગનાની જેમ હાથમાં રાઈફલ લઈને પોતાના કમાંડરો સાથે બહાર નીકળ્યાં. ગાઈદિન્લ્યૂને હાથકડી લગાવાઈ. એ દિવસ હતો ૧૮ ઑક્ટોબર ૧૯૩૨ આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી.
દરમિયાન, ૧૯૩૭માં જવાહરલાલ નહેરુનો આસામ પ્રવાસ થયો. ગાઈદિન્લ્યૂના નેતૃત્વ હેઠળના સ્વતંત્રતા સંગ્રામની જાણ થઇ. ગાઈદિન્લ્યૂને માત્ર સત્તર વર્ષની અલ્પવસ્થામાં આજીવન કારાવાસની સજા થયાનું સાંભળીને તેમને આઘાત લાગ્યો. ડિસેમ્બર ૧૯૩૭માં નહેરુજી સિલહટમાં હતા. તેમણે લખ્યું કે -સિલહટમાં આસપાસની પહાડીઓથી અનેક નાગાઓ મને મળવા આવ્યા. તેમની પાસેથી મેં જે કહાણી સાંભળી તે ભારતવર્ષ જાણતું નથી. આ નાગા હિલ્સની કાબુઈ જાતિમાં જન્મેલી એક છોકરીની કહાણી છે જે પોતાના ગામના પુરોહિત ખાનદાનની ક્ધયા છે. તેનું નામ ગાઈદિન્લ્યૂ છે. ગાંધીજી અને કૉંગ્રેસના સમાચાર તેને મળ્યા અને તેનાથી પ્રભાવિત થઈ. તેણે સ્વતંત્રતા સંગ્રામનું રણશિંગું ફૂંક્યું અને નાગા સમાજને ભાગ લેવાનું આહ્વાન કર્યું. ગાઈદિન્લ્યૂએ વિચાર્યું કે બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવવાનો છે. પણ એ શાસન ગાઈદિન્લ્યૂ વિરુદ્ધ કડક પગલાં લઇ રહ્યું છે. એને પકડીને આજીવન કારાવાસમાં ધકેલી દેવામાં આવી છે. હવે તે આસામની જેલમાં ધકેલાઈ છે. છ વર્ષ વીતી ગયાં છે. ગાઈદિન્લ્યૂ હવે પોતાના ક્ષેત્ર તથા ત્યાંનાં ગાઢ જંગલોમાં મુક્તપણે વિચરણ નથી કરી શકતી, ઊંચા-ઊંચા પર્વતો પર વહેતી હવામાં મધુર ગીત નથી ગણગણી શકતી. આ બાલિકા ઘોર અંધકારમાં જેલની એક નાની કોટડીમાં એકાકી જીવન વિતાવી રહી છે. કેવા આશ્ર્ચર્યની વાત છે કે ભારતમાતા પોતાની આ વીર બાલિકા, પોતાના આ શૂરવીર નારી-રત્ન સ્વતંત્રતા સેનાનીને જાણતી સુધ્ધાં નથી. પણ મને વિશ્ર્વાસ છે કે એક એવો દિવસ આવશે જયારે ભારતવર્ષ સન્માન અને સ્વાભિમાનથી તેને યાદ કરશે અને તેને કેદ-મુક્ત કરશે.’
ઈ.સ. ૧૯૩૭માં પંડિત નહેરુ ફરી આસામ પ્રવાસે આવ્યા ત્યારે ગાઈદિન્લ્યૂને શિલોંગ જેલમાં મળ્યા. સ્વતંત્રતા સંગ્રામની કથા સાંભળીને નહેરુજી પ્રભાવિત થયા. અત્યંત સન્માન અને શ્રદ્ધાથી નહેરુજીએ ગાઈદિન્લ્યૂને નાગાઓની રાણી’ કહીને આભાર વ્યક્ત કર્યો અને ગાઈદિન્લ્યૂને વચન આપ્યું કે પોતાની તમામ શક્તિ અને પ્રભાવ કામે લગાડીને તેને બ્રિટિશ જેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરશે. ભારતવર્ષ જલ્દી જ આઝાદ થવાનો છે. આ સ્થિતિમાં ગાઈદિન્લ્યૂ કેદમુક્ત થઇ જશે. ત્યારથી ગાઈદિન્લ્યૂને ‘રાણી’નું સંબોધન થવા લાગ્યું.
જૂન ૧૯૩૮માં નહેરુજીએ બ્રિટિશ સંસદના ક્ધઝર્વેટિવ સાંસદ-લેડી નેન્સી એસ્ટરને ગાઈદિન્લ્યૂને જેલમુક્ત કરવાનો આગ્રહ કર્યો. પણ આસામની બ્રિટિશ સરકાર ગાઈદિન્લ્યૂને છોડવા રાજી નહોતી. તેમનું એવું માનવું હતું કે ગાઈદિન્લ્યૂને છોડવાથી સ્વતંત્રતા સંગ્રામ ફરી ભડકશે. અંગ્રેજી સંસદે ગાઈદિન્લ્યૂને ઉત્તર-પૂર્વ ભારતનો ‘આતંક’નું વિશેષણ આપ્યું. તેને ખતરનાક ‘છોકરી’ કહી.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના ભારતવર્ષ આઝાદ થયો ત્યારે ૧૫ વર્ષના જેલપ્રવાસ પછી
વડા પ્રધાન નેહરુના કહેવાથી આસામ સરકારે રાણીમાને છોડવા પડ્યાં. તેમને સ્વતંત્રતા સેનાનીનો દરજજો દેવાયો.
ભારત સરકારે રાણીમાને તેમના રાષ્ટ્રીય યોગદાન માટે ૧૫ ઑગસ્ટ, ૧૯૭૨ના સ્વતંત્રતા સેનાની તામ્રપત્ર પુરસ્કાર, ૨૬ જાન્યુઆરી, ૧૯૮૨ના પદ્મભૂષણ અને ૨ ફેબ્રુઆરી ૧૯૯૬ના મરણોત્તર બિરસા મુંડા પુરસ્કારથી સન્માનિત કર્યા. ભારત સરકાર દ્વારા રાણી ગાઈદિન્લ્યૂની એક રૂપિયાની ટપાલ-ટિકિટ ૧૯૯૬માં બહાર પાડવામાં આવી. રાણી ગાઈદિન્લ્યૂ ીશક્તિ પુરસ્કાર પણ એમની સ્મૃતિમાં શરૂ કર્યો.
૧૭ ફેબ્રુઆરી ૧૯૯૩ના ગાઈદિન્લ્યૂએ ચિરવિદાય લીધી, પરંતુ આજે પણ નાગા પ્રજા રાણીમાનું આદરથી સ્મરણ કરે છે. અચૂક કહે છે: ગાઈદિન્લ્યૂએ લોકોને સારો માર્ગ બતાડીને સાચા અર્થમાં પોતાનું નામ સાર્થક કરી બતાડ્યું.!
બે પંક્તિનું સ્મરણ થાય છે:
એક દીપક જલાવી જોઈએ, દૂર અંધારાં હટાવી જોઈએ
કોઈને મંઝિલ મળે ન મળે, આપણે રસ્તો બતાડી જોઈએ
રાણી ગાઈદિન્લ્યૂએ આ પંક્તિઓને
પોતાનું ધ્રુવવાક્ય બનાવી ધીધેલું એમ કહીએ તો કશું ખોટું નહીં જ ગણાય!