જ્ઞાન તો અનંત છે, જેટલું વહેંચો એટલું વધે

ઉત્સવ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો. શ્રાવણ માસ ચાલતો હોય અને ભગવાન શિવજીના ભક્ત રાવણ રાજાને યાદ ન કરીએ, શ્રીરામ ભગવાનને યાદ ન કરીએ એ શક્ય નથી. આ આત્માઓ અવિસ્મરણીય છે. માટે ચાલો બન્ને ભક્તોના આશીર્વાદ લઇએ. શિવ શંભુના દરેકેદરેક ભક્તો છે જેમાં આપણે બધા અને પાર્વતીમાતા પણ આવી ગયાં. પાર્વતીજી પણ શિવને ભક્તિથી પામ્યાં હતાં. એમાં એવું છેને કે શિવભક્તિની વાત થાય તો ભગવાન, માનવ, વાનર, પશુ-પક્ષી, પૃથ્વી બધાં જ આવી જાય. દેવોના દેવ મહાદેવની ભક્તિનો અવસર. રામજી અને રાવણજીની, શિવભક્તિની એક સુંદર કથા, જે પ્રચલિત બન્ને રામાયણોમાં લખાઈ નથી અને ત્રીજી સુંદર મજાની રામાયણમાં જોવા મળી હતી.
રામાયણનો અનુભવ કે તેના વિશે થોડીક વાત એટલા માટે મને ખબર છે (ના, ટીવીમાં જોઈ છે માટે નહીં), કારણ કે નાનપણથી અમારાં બા-દાદા, મોટાં પપ્પા-મમ્મી, મારાં મમ્મી-પપ્પા, કાકા – કાકી, બધાં જ ભાઈભાંડુંઓ એમ આખો પરિવાર ભેગા મળી અખંડ રામાયણનો ઉત્સવ કરતાં હોય છે. લગભગ આખા ભારતદેશમાં મારા વડીલોએ અખંડ રામાયણના પાઠ માંડી ઉત્સવો ઊજવ્યા છે. ભવિષ્યમાં વડનગર હાટકેશ્ર્વર મંદિરમાં પણ તેઓ અખંડ રામાયણ પાઠ અને યજ્ઞોપવીત સંસ્કારના પ્રસંગો રાખવાના છે. માટે કેટલા પ્રકારની રામાયણ, ક્યાંની, કઈ પરિસ્થિતિ, કઈ ઉપસ્થિતિ અને તેની શું કથા છે તેનું થોડું થોડું ધ્યાન ખરું. થોડું થોડું, સંપૂર્ણ નહી હોં.
જ્ઞાન તો અનંત છે. એ કોઈ એકને કે એક પાસે બંધાઈને રહેલું નથી. કહે છેને જ્ઞાન તો જેટલું વહેંચો એટલું વધે. માટે મિત્રો એક સુંદર કિસ્સો ધ્યાનમાં આવે છે જે તમારી સમક્ષ મૂકું છું. તમને મજા આવશે તમારી ભક્તિમાં.
શ્રીરામ અને રાવણનો એક સુંદર મજાનો યુદ્ધ પહેલાંનો મિલાપ શિવજીની આરાધના દ્વારા થયો હતો અને એમાં શું થયું તે સંક્ષિપ્તમાં જાણીએ અને આપણી સંસ્કૃતિને ભણીએ, ગ્રહણ કરીએ.
વાત છે યુદ્ધ વખતની. આજના જમાનામાં તો સમાધાન પછી પણ કોઇ એકબીજાને મળતું નથી. વિજય થાય, સફળ થાય કે આગળ વધી જાય પછી તો ઓહોહોહોહો કોણ તમે…
અદ્ભુત વાત, ભાવુક વાત. આ વાર્તા વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામાયણમાં વર્ણવવામાં આવી નથી, પરંતુ આ વાર્તા મહર્ષિ કમ્બનની તમિળ ભાષામાં લખાયેલ ‘ઈરામાવતારમ’માં છે.
રાવણ માત્ર શિવભક્ત, વિદ્વાન અને પરાક્રમી જ નહોતા, તેઓ ખૂબ જ માનવતાવાદી પણ હતા. તે ભવિષ્ય જાણતા હતા. તેઓ જાણતા હતા કે શ્રીરામ પર વિજય મેળવવો તેમના માટે અશક્ય છે..! જ્યારે શ્રીરામે ખર-દૂષણનો આસાનીથી સંહાર કર્યો, ત્યારે તુલસીના મનમાં પણ રાવણના વિચારો લખાયા હતા.
ખાર દૂસન મો સામ બલવંતા
તિન્હી કો મારી બિનુ ભગવંતા
થયું એવું કે યુદ્ધ પહેલાં શ્રીરામના કહેવાથી જામવંતજીને, ‘આચાર્યત્વ’ રાવણને આમંત્રણ આપવા લંકા મોકલવામાં આવ્યા હતા..! જામવંતજી લાંબા હતા, તેઓ કુંભકર્ણ કરતાં થોડા નાના હતા. લંકામાં પહેરી (પહેરેદાર) પણ હાથ જોડીને રસ્તો બતાવી રહ્યા હતા. આમ જામવંતને કોઈની પાસેથી કંઈ પૂછવું પડ્યું નહિ. રાજદ્વાર પર રાવણને અભિવાદન કરવાની પહેલ કરતો જોઈ જામવંતે હસીને કહ્યું કે હું અભિનંદનને પાત્ર નથી. હું વનવાસી રામનો દૂત બનીને આવ્યો છું. તેમણે તમને આદરપૂર્વક પ્રણામ મોકલ્યા છે.
રાવણે નમ્રતાથી કહ્યું – તમે અમારા દાદાના ભાઈ છો. આ કારણે તમે અમારા પૂજનીય છો. કૃપા કરીને આસન ગ્રહણ કરો! જો તમે મારી વિનંતી સ્વીકારશો તો કદાચ હું પણ તમારો સંદેશ ધ્યાનથી સાંભળી શકીશ.
જામવંતને વાંધો નહોતો. તેમણે પોતાની બેઠક લીધી. રાવણે પણ પોતાનું સ્થાન લીધું. ત્યાર બાદ, જામવંતે ફરીથી સંભળાવ્યું કે સમુદ્ર-સેતુના નિર્માણ પછી, વનવાસી રામ હવે શક્ય તેટલી વહેલી તકે ‘મહેશ્ર્વર’ – લિંગ-દેવતાની સ્થાપના કરવા માગે છે. આ વિધિ પૂર્ણ કરવા માટે તેમણે આચાર્ય પદ પર બ્રાહ્મણ, વેદજ્ઞ અને શૈવ રાવણને પસંદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હું તમને તેમના વતી આમંત્રણ આપવા આવ્યો છું.
આ સાંભળી શુભેચ્છાઓ, પ્રતિક્રિયા, અભિવ્યક્તિ પછી રાવણે હસતા સ્વરે પૂછ્યું, ‘શું રામ દ્વારા ‘મહેશ્ર્વર’ – લિંગ-દેવતાની સ્થાપના લંકા-વિજયની ઈચ્છાથી થઈ છે.’
જામવંતે કહ્યું, ‘બરાબર. શ્રીરામની મહેશ્ર્વરનાં ચરણોમાં સંપૂર્ણ ભક્તિ છે.’
જીવનમાં પહેલી વાર કોઈએ રાવણને બ્રાહ્મણ ગણ્યો છે અને તે આચાર્ય બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે. શું રાવણ એટલો મૂર્ખ કહેવડાવવા માગશે કે તે ભારતના પ્રથમ વખાણાયેલા મહર્ષિ પુલસ્ત્યના સાચા ભાઈ મહર્ષિ વશિષ્ઠના યજમાન અને તેની આરાધના સ્થાપિત કરવા માટે આચાર્ય પદના આમંત્રણનો અસ્વીકાર કરે..?
રાવણે પોતાની જાતને સંભાળી અને કહ્યું, ‘તમે પધારો! યજમાન યોગ્ય અધિકારી છે. રામને કહો કે મેં તેમનું આચાર્ય પદનું આમંત્રણ સ્વીકારી લીધું છે.’
જામવંત ત્યાંથી નીકળ્યા પછી તરત જ લંકેશે સેવકોને જરૂરી સામગ્રી ભેગી કરવાનો આદેશ આપ્યો અને પોતે અશોક વાટિકામાં પહોંચી ગયા. પૂજામાં જરૂરી સાધનસામગ્રી યજમાન પાસે ન હોય કે સહકર્મીઓ આપી ન શક્યા હોય તો પૂજા પહેલાં તેમને એકત્ર કરવી એ આચાર્યની અંતિમ ફરજ છે! રાવણ જાણે છે કે વનવાસી રામ પાસે શું છે અને શું હોવું જોઈએ.
અશોક વાટિકા પહોંચતાં જ રાવણે સીતાને કહ્યું કે લંકામાં રામના વિજયની ઈચ્છા સાથે સમુદ્ર કિનારે મહેશ્ર્વર લિંગની સ્થાપના થવા જઈ રહી છે અને મને – લંકાપતિ રાવણને આચાર્ય તરીકે પસંદ કરવામાં આવ્યો છે! યજમાનની વિધિ પૂર્ણ કરવાની જવાબદારી પણ આચાર્યની છે.
તમે જાણો છો કે અર્ધાંગિની વિના ગૃહસ્થની બધી વિધિઓ અધૂરી રહી જાય છે માટે વિમાન આવે છે, તેના પર બેસી જજો. તમે નિયંત્રણમાં રહેશો. વિધિ પૂરી થયા પછી, અહીં આવવા માટે વિમાનમાં પાછાં ફરજો.
સ્વામીના આચાર્ય એટલે પોતાના આચાર્ય. જાનકીજીએ હાથ જોડીને માથું નમાવ્યું.
રાવણે, સ્વસ્થ આંતરડાંમાંથી સૌભાગ્યવતી ભવ કહેતાં, તેના બંને હાથ ઊંચા કર્યા અને તેને ખૂબ આશીર્વાદ આપ્યા. રાવણને બધાએ ખૂબ ઉત્સાહમાં જોયો. સંપૂર્ણ તૈયારીઓ કર્યા બાદ એક શિવભક્ત બીજા શિવભક્તને મળવા દોડી ગયો. રાજા રાવણ, સીતામાતા અને અન્ય જરૂરી સાધનો સાથે આકાશમાંથી દરિયાકિનારે ઊતર્યા. સંદેશ મળે એટલે આવો એમ કહીને સીતાને વિમાનમાં મૂકીને પોતે રામની સામે પહોંચી ગયા. (શું દૃશ્ય હશે એ) જ્યારે બન્ને જ્ઞાની મળ્યા હશે. વાત હજી લાંબી છે એટલે આવતા રવિવારે બાકીની વાત પૂરી કરીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભક્તિ કરો તો ભાવનાથી. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.