ઇસ્લામની હદીસોમાંથી મળતું જ્ઞાન: રૂહ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે

55

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

આ બનાવ હઝરત ઉમર ઇબ્ને અઝીઝ નામના ખલીફા (શાસનકર્તા)ના સમયગાળાનો છે. તેમના ખિલાફતકાળ (સત્તા) દરમિયાન ઝેદ નામનો એક શખસ હતો. તેનો અંતિમ સમય આવ્યો. તેણે તેના પુત્રને વસિયત કરી. તેના પુત્રે તેને વિનંતી કરતા કહ્યું- હે મારા પિતા! તમે મને એક વચન આપો કે આપ પરલોક ગયા પછી મને ત્યાંનું જીવનવૃત્તાંત બતાવશો!
પિતા પુત્રના વચન સાથે સંમત થયા. તે પછી તેમનું મૃત્યુ થયું. હવે તેનો પુત્ર તેના પિતાએ આપેલા વચન પ્રમાણે તેમની રાહ જોતો રહ્યો. કેટલાંક વર્ષો નીકળી ગયા પણ તેના પિતા તરફથી તેને કોઈ સંદેશ ન મળ્યો. આ વાત પુત્ર પણ ભૂલવા લાગ્યો.
– અને અચાનક એક દિવસ તેના પિતા તેના ખ્વાબ (સપના)માં આવ્યા. તેણે પ્રશ્ર્ન કર્યો, પિતાજી! આટલા વર્ષ ક્યાં હતાં? પિતાએ કહ્યું, આ વર્ષો સુધી મને હિસાબ કિતાબમાંથી ફુરસદ ન મળી અને પિતાએ આગળ કહ્યું કે, વર્તમાન ખલીફા ઉમર અઝીઝનો ઈન્તેકાલ (અવસાન) થવાથી ઘણીખરી રૂહોને તેમના જનાઝામાં શરીક (સામેલ) થવાની રજા આપવામાં આવી છે. આ બધી રૂહો (આત્માઓ) સાથે હું પણ શરીક થયો છું. તારી યાદ આવતાં તને મળવા અહીં આવી ગયો છું. જોગાનુયોગ એ જ દિવસે ખલીફાનું અવસાન થયેલ હતું.
(હવાલો: તવારીખ ઇબ્ને ખુલદુન).
જન્મ પહેલાં અને મૃત્યુ પછી રૂહ ક્યાં રહે છે તે સંબંધી ઇસ્લામ શું કહે છે એ વિશે કેટલાક જિજ્ઞાસુ વાચક મિત્રોએ વિનંતી કરી હતી એટલે આટલી ચર્ચા કરવી જરૂરી હતી.
જાણવા જેવું:
* અલ્લાહતઆલા સુધી પહોંચવા રૂહ તો જોઈએ જ.
* રૂહાનિયત વગર કોઈપણ માનવ તેની કરીબ (નજીક) પહોંચી શકતો નથી.
* રૂહ એટલે આત્મા જે તેનો હુકમ છે અને તે તેની તરફથી જ છે, માટે તેને ઓળખવા રૂહ-આત્મા એક માધ્યમ છે.
* રૂહાનિયતના બળથી તેની નજીક પહોંચી શકાય છે.
* તેની કુરબત (નીકટતા, સમીપતા) માટે રૂહાનિયત (આત્મીયતા) જરૂરી છે. આ અલ્લાહની પહચાન (ઓળખ)નો વસીલો (માધ્યમ, આડ) છે.
* તમારે રૂહાનિયત કેવી રીતે પ્રાપ્ત કરવી અથવા તમારા આત્માને કેવી રીતે કેળવવો તે તસવ્વુફ (સૂફીવાદ)નો વિષય છે. તેની ચર્ચા અસ્થાને છે.
લેખને અનુરૂપ કેટલીક નસીહત આપનારી હદીસેપાકને પણ જીવનવ્યવહારમાં વણી લઈએ:
* હે અલ્લાહ! નથી આ જિંદગી મજાની, પરંતુ આખેરત (પરલોક)ની જિંદગી સારી. અર્થાત્ આખેરતનું જીવન મઝાનું જીવન છે.
* માનવીએ મૃત્યુ વખતે અલ્લાહ તઆલાથી અવશ્ય કરીને હુસ્ને ઝન અર્થાત્ સારી આશા રાખવી જોઈએ.
* આ દુનિયા તો સ્વાદમાં મીઠી અને જોવામાં તે ઘણી હરીભરી છે અને અલ્લાહ તમને ધરતી પર હકુમત (સત્તા) આપવાનો છે, તે જોશે કે તમે શું શું કામો કરો છો! હે લોકો! દુનિયાથી અને સ્ત્રીઓથી બચતા રહો.
* દરેક કૌમને માટે કોઈને કોઈ વસ્તુ ફીત્ના (લડાઈ, ઝઘડા)નું કારણ બની છે. મારી ઉમ્મત (અનુયાયી, પ્રજા)નો ફીત્નો માલ (સંપત્તિ) છે.
* અલ્લાહ સાથેનો એક મુસલમાનનો પ્રેમ એ છે કે, તે તેના અહકામ (હુકમો, આદેશો, ઉપદેશો) પર અમલ કરે, તેની ઇબાદત (પ્રાર્થના, સ્તુતિ) કરે અને તેને રાજી કરવાના પ્રયત્નોમાં રહે.
– કબીર સી. લાલાણી
આજનો ઉપદેશ
અલ્લાહવાલા તે છે જે તેની મુહબ્બત-રહમતથી પ્યાર રાખે છે, તે દુનિયા ખાતર દુનિયાવાળાઓથી ઝઘડતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!