ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
માફિયા ગેંગ ફક્ત ઇટાલી કે મેક્સિકો જેવા દેશમાં જ ફૂલેફાલે છે એવું નથી. કોલમ્બિયાના ડ્રગ ટેરરિસ્ટ પાબ્લો એસ્કોબાર કે અમેરિકાનાં અલ કેપોન કરતાં વધુ ખતરનાક માફિયા ટોળીઓ વિશ્ર્વના લગભગ તમામ દેશોમાં કાર્યરત છે. વિશ્ર્વની સૌથી ક્રૂર, શક્તિશાળી અને કુખ્યાત માફિયા ગેંગમાંથી કેટલીક ખાસ માફિયા ગેંગ વિશે અહીં વાત કરવામાં આવી છે, જેમની ક્રૂરતા, મનીપાવર તેમજ ગન પાવરથી સરકાર, પોલીસ, ન્યાયતંત્ર અને મીડિયા પણ સતત ખોફમાં રહે છે.
યાકુઝા : જપાન અને કોરિયામાં કાર્યરત યાકુઝા ગેંગ ગોકુડો તરીકે પણ ઓળખાય છે. ડ્રગથી માંડીને માનવ દાણચોરી સુધીના તમામ ગોરખ ધંધાઓ કરતી યાકુઝા ગેંગ પાસે વિશાળકાય ઓફિસ બિલ્ડિંગો છે. અખબારની ગોસીપ કોલમોમાં એમના વિશે વારંવાર આવતું રહે છે. યાકુઝા ગેંગના દરેક સભ્ય કાળા રંગના સૂટમાં જોવા મળે છે. એમના બંને હાથની ટચલી આંગળીઓના ઉપરના હિસ્સા કાપી નાખવામાં આવ્યા હોય છે. પોતાના બોસ પ્રત્યેની એમની વફાદારી સાબિત કરવા માટે આમ કરવામાં આવે છે. યાકુઝાના માફિયાઓ રાજકારણમાં પણ સક્રિય છે અને ૨૦૧૧ની સુનામી વખતે આ માફિયા ગેંગે સૌથી વધુ દાન કર્યું હતું.
એઇટીન્થ સ્ટ્રીટ ગેંગ : આ ગેંગ બાળ યોદ્ધાઓ તરીકે પણ ઓળખાય છે, કારણ કે એમના ઘણા સભ્યો મિડલ સ્કૂલના બાળકો છે. અમેરિકાના નોર્ધન હેમ્પશાયર વિસ્તારમાં કાર્યરત આ ગેંગના ૩૦ હજારથી વધુ સભ્ય છે. કેટલીક મેક્સિકન ગેંગ સાથે એમનું કનેક્શન છે અને તેઓ ડ્રગના વેચાણમાં મોટાપાયે સંડોવાયેલા છે.
મૂનગીકી : કેન્યામાં કાર્યરત આ ખૂબ જ ખતરનાક ગેંગ જાતભાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તો કરે જ છે, પરંતુ ધાર્મિક રીતે પણ ખૂબ ઝનૂની છે. પશ્ર્ચિમના દેશોની સંસ્કૃતિનો તેઓ કટ્ટર રીતે વિરોધ કરે છે. નૈરોબીમાં તેઓ મોટા પાયે ખંડણી ઉઘરાવવાનું કામ કરે છે તેમજ ત્યાંના ટૅક્સી ઉદ્યોગ પર તેમની સંપૂર્ણ પકડ છે. એમને પડકારનાર કોઈનું પણ માથું તેઓ ધડથી અલગ કરી દે છે. કેટલીક વખત તો તેમને જીવતા પણ સળગાવી મૂકવામાં આવે છે.
રશિયન માફિયા : રશિયન માફિયાની ગણના વિશ્ર્વના એક સૌથી ખતરનાક ક્રાઇમ ગ્રૂપ તરીકે થાય છે. અમેરિકાની જાસૂસી સંસ્થા એફબીઆઇના એજન્ટના કહેવા પ્રમાણે વિશ્ર્વ આખામાં રશિયન માફિયાના ગુનેગારો સૌથી ક્રૂર છે. એમના ૪૫૦ જેટલા પેટા વિભાગોમાં ૩ લાખ જેટલા સભ્યો છે. આખા શરીરે ખાસ પ્રકારના છુંદણા તેઓ કરાવે છે જેથી એમની ઓળખ છતી થાય. હત્યાની સોપારી લેવી તેમજ વિદેશના આતંકવાદી સંગઠનોને પૈસા લઈને મદદ કરવી જેવા કારનામાઓ પણ તેઓ કરતા રહે છે.
હેલ્સ એન્જલ્સ : અમેરિકાના સંરક્ષણ મંત્રાલય દ્વારા આ માફિયા સિન્ડિકેટને ખતરનાક ગણવામાં આવી છે. આ માફિયાના સભ્યો હાર્લી ડેવિડસન્સ નામની મોટર સાઇકલ પર ફરતા રહીને ગુનાખોરી આચરે છે. તેમના કેટલાક સભ્યો અતિ ઘાતકીપણે હત્યા કરવા જાણીતા છે. વેશ્યા વ્યવસાય, ડ્રગ તેમજ ખંડણીખોરીના ધંધાઓ પણ તેઓ કરતા રહે છે.
સિસિલીયન માફિયા : ૧૯મી સદીના અંતમાં સ્થપાયેલી ઇટાલીની આ સિન્ડિકેટ ગેંગના સભ્યો અમેરિકા ઉપરાંત બીજા દેશોમાં પણ સ્થાયી થયા છે. એમ કહેવાય છે કે આ ગેંગ પર કુટુંબના સભ્યોનું ખૂબ જ પ્રભુત્વ છે. બાપ મરતા બેટો ગેંગનો બોસ બને છે. ગુપ્તતા અને વફાદારીના સોગંદ એમણે લેવા પડે છે જેને એમની ભાષામાં ‘ઓમેરટા’ કહેવામાં આવે છે.
અલબેનિયન મોબ : અલબેનિયા દેશમાં જેટલા ગુનેગારો છે એમાંથી મોટે ભાગના આ ગેંગના સભ્ય છે. સિસિલીયન માફિયાની જેમ આ ગેંગના સભ્યોમાં પણ વંશ પરંપરાગત હોદ્દો આપવામાં આવે છે. ડ્રગ્સની હેરફેર, યુવતીઓની હેરફેર તેમજ ઘાતક હથિયારોના વેચાણનું કામ આ ગેંગ કરે છે. ગેંગનો ગોડફાધર ડોટ કાર્ડીઓવસ્ટી સમગ્ર યુરોપમાં ડ્રગ સપ્લાય કરવાનું કામ કરે છે.
સર્બિયન માફિયા : સર્બિયામાં આ ગેંગના સભ્યો કાર્યરત છે. કેટલાક સ્થાનિકોનું માનવું છે કે યુગોસ્લાવ સાથેના યુદ્ધ પછી સર્જાયેલી આર્થિક કટોકટીના કારણે આ ગેંગનો જન્મ થયો હતો. આ ગેંગના સભ્યો ૨૦ થી ૩૦ દેશમાં ફેલાયેલા છે. ઘાતક હથિયારોના વેચાણ ઉપરાંત ડ્રગ ટ્રાફિકિંગનું કામ પણ આ ગેંગ કરે છે. ૨૦૦૯ની સાલમાં આ ગેંગના બોસે એક વિરોધીને જીવતા જ ‘મીટ ગ્રાઇન્ડર’ (માસના નાના-નાના ટુકડા કરનારું મશીન)માં નાંખીને મારી નાખ્યો હતો.
મેક્સિકન ડ્રગ્સ કાર્ટેલ : નેટફિલ્કસ પર આવેલી કેટલીક સિરિયલોને કારણે મેક્સિકોના ડ્રગ માફિયાઓ વિશે વિશ્ર્વ જાણતું થયું છે. કોલમ્બિયાની મેડિલિન અને કાલી કાર્ટેલના અસ્ત પછી મેક્સિકોના ડ્રગ માફિયાઓ વધુ ફૂલ્યા ફાલ્યા છે. મેક્સિકોના અર્થતંત્રમાં ૬૩ ટકા જેટલો ફાળો ડ્રગ્સના પૈસાનો છે. મેક્સિકોની સરકાર ગમે તેટલી સખ્ત થાય તો પણ સમગ્ર અર્થતંત્રમાં વ્યાપેલા માફિયાના કારોબારને કારણે વર્ષો સુધી તેમનો દબદબો રહેવાનો જ છે. મેક્સિકોના ડ્રગ માફિયાઓ ડ્રગના ધંધા ઉપરાંત પણ ઘણા ગોરખધંધાઓ કરતા રહે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં હત્યાઓ ઉપરાંત બળાત્કાર, અપહરણ, ખંડણી, આધુનિક હથિયારોના વેચાણ દ્વારા પણ તેઓ અબજો ડોલરની કમાણી કરે છે.
કોલમ્બિયન ડ્રગ્સ કાર્ટેલ : ૨૦૧૧ સુધી આખા વિશ્ર્વમાં સૌથી વધુ કોકેનનું ઉત્પાદન કોલમ્બિયામાં થયું હતું. કોલમ્બિયાના ડ્રગ માફિયાઓ એટલા બેફામ હતા કે એકલ-દોકલ વ્યક્તિની હત્યા કરવા માટે ૩૦૦ – ૪૦૦ વ્યક્તિની હત્યા કરતા પણ તેઓ અચકાતા નહોતા. પાબલો એસ્કોબાર જેવા ડ્રગ ટેરરિસ્ટે તો સરકાર સામે લગભગ યુદ્ધ જ છેડ્યું હતું અને હજારો પોલીસ કર્મચારીઓ તેમજ લશ્કરના જવાનોની હત્યા કરી હતી.
ચાઇનીઝ ટ્રાઇડ્સ : ચીનાઓ પણ માફિયાગીરીમાં પાછળ નથી. ચીનમાં જે માફિયા સંગઠનો છે એમને ટ્રાઇડ્સ કહેવામાં આવે છે. શરીરે ખાસ પ્રકારના છૂંદણા તેઓ કરાવે છે. વિવિધ દેશોમાં દાણચોરી મારફતે માણસો ઘૂસાડવાનું કામ તેઓ કરે છે. અમેરિકન સરકારના અંદાજ પ્રમાણે દર વર્ષે તેઓ અમેરિકામાં જ એક લાખ જેટલા ગેરકાયદેસર વસાહતીઓને ઘૂસાડે છે. ચલણી નોટોની ડુપ્લીકેટ નોટ બનાવીને વિશ્ર્વભરના બજારોમાં ઘુસાડવાનું કામ પણ તેઓ કરે છે. આ માફિયા ગેંગના મુખ્ય સભ્યો હોંગકોંગમાં રહે છે.
ડી કંપની : ભારતમાં જન્મીને વર્ષો સુધી માફિયાગીરી કર્યા પછી પાકિસ્તાન ભાગી ગયેલા દાઉદ ઇબ્રાહીમની ગેંગને ડી કંપની તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરપોલે દાઉદ ઇબ્રાહીમને ભાગેડુ જાહેર કર્યો છે. ભારતમાં ડ્રગના કારોબાર ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોની પાસે ખંડણી ઉઘરાવવી કે હત્યા કરવી, કે કરાવવી જેવા ગુનાઓ પણ એના નામે છે. ૧૯૯૩માં મુંબઈમાં બૉમ્બધડાકા પણ એણે કરાવ્યા હતા જેમાં ૨૫૭ વ્યક્તિઓના મોત થયા હતા. અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠન સાથે પણ એની સાઠગાંઠ છે. એમ મનાય છે કે પકડાય નહીં જવાય એ માટે પ્લાસ્ટિક સર્જરી કરાવીને દાઉદ કરાચીમાં જ રહે છે.