જાણો શું હતું ભારત વિરુદ્ધ જવાહિરીનું કાવતરું? નુપુર શર્મા કેસ સાથે જવાહિરીનું શું કનેક્શન હતું….

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આતંકવાદી સંગઠન અલ કાયદાના લીડર અલ-જવાહિરીનું અફઘાનિસ્તાન ખાતે અમેરિકન આર્મીના ડ્રોન હુમલામાં મોત થયું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇડને તેની પુષ્ટિ કરી છે.
અલ-જવાહિરીએ 55 દિવસ પહેલા એટલે કે 7 જૂને ભારતના ઘણા રાજ્યોમાં બૉમ્બથી હુમલો કરવાની ધમકી આપી હતી. જવાહિરીએ ભારતને હચમચાવી નાખવાનું સંપૂર્ણ કાવતરું ઘડ્યું હતું. તેની ખુલ્લેઆમ જાહેરાત પણ કરવામાં આવી હતી. જવાહિરી ભારત વિરુદ્ધ કોઈ પગલું ભરે તે પહેલા અમેરિકાએ તેને મારી નાખ્યો હતો.
જૂનમાં બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના નિવેદનને લઈને સમગ્ર દુનિયામાં હંગામો મચી ગયો હતો. નૂપુર પર મોહમ્મદ પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ છે. નૂપુરના નિવેદન બાદ 7 જૂને જવાહિરીના નેતૃત્વ હેઠળના આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી હતી. અલ-કાયદાએ હિંદુઓ પર બોમ્બ ધડાકા કરીને અને હિંદુઓની હત્યા કરીને મોહમ્મદ પયગંબર અંગેના નિંદાત્મક નિવેદનનો બદલો લેવાની જાહેરાત કરી હતી. અલ-જવાહિરીએ પત્રમાં દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાત જેવા રાજ્યોમાં હુમલા કરવાની ધમકી આપી હતી.
અલ-જવાહિરીની રવિવારે હત્યા કરવામાં આવી હતી. અમેરિકન સેના તેનો ખાતમો બોલાવવાની તૈયારીમાં જ હતી. જેવો તે કાબુલના તેના ઘરની બાલ્કનીમાં દેખાયો કે તરત અમેરિકી સેનાએ ડ્રોન વડે હુમલો કરી એને ઠાર કર્યો હતો. જોકે, ત્યાર બાદ લગભગ 48 કલાક સુદી અમેરિકાએ આ સમાચાર દુનિયાથી છુપાવી રાખ્યા હતા. અલ-જવાહિરી પર કરવામાં આવેલો હુમલો સફળ રહ્યો છે કે નહીં એની અમેરિકા ખાતરી કરવા માગતું હતું. જ્યારે અમેરિકી સેનાને ખબર પડી કે જવાહિરી માર્યો ગયો છે, ત્યારે રાષ્ટ્રપતિ જો બાઇડેને સમગ્ર વિશ્વને આ ઓપરેશનની જાણકારી આપી હતી.
અમેરિકાએ ડ્રોન હુમલા માટે પોતાની ખતરનાક હેલફાયર R9X મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઈલ અન્ય મિસાઈલોની જેમ ફૂટતી નથી. તેના બદલે છરી જેવી બ્લેડ અંદરથી બહાર આવે છે અને લક્ષ્ય પર ત્રાટકે છે. તેનાથી આસપાસના લોકોને કોઈ ઈજા થતી નથી. આ ડ્રોન હુમલામાં જવાહિરીના પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ નાગરિકોને નુકસાન થયું નથી, એમ અમેરિકાએ જણાવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.