આવતીકાલે નવા ફાઈનાન્શિયલ યરની શરૂઆત તો થશે જ પણ તેની સાથે સાથે જ આખી દુનિયામાં પહેલી એપ્રિલના એપ્રિલફૂલ ડે ઊજવવામાં આવશે. આજે અમે અહીં તમારા માટે આ એપ્રિલફૂલ ડે સાથે સંકળાયેલા એવા અજબ-ગજબના ફેક્ટ્સ લઈને આવ્યા છીએ કે જેના વિશે કદાચ તમને માહિતી નહીં હોય. તો ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કયા છે આ ફેક્ટ્સ-
1. એપ્રિલ ફૂલ દિવસની ઊજવણી ક્યારે અને કઈ રીતે શરૂ થઈ એનો ચોક્કસ કોઈ ઈતિહાસ તો જાણવા નથી મળી રહ્યો પણ તેની શરૂઆત વિશે જાત જાતની દંતકથાઓ સામે આવી રહી છે. પણ એવું કહેવાય છે કે આ દિવસની ઊજવણી મધ્ય યુગ દરમિયાન યુરોપમાં શરૂ કરવામાં આવી હતી.
2. યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ફ્રાન્સ અને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એપ્રિલ ફૂલ ડેની ઊજવણી કરવામાં આવે છે.
3. આપણે લોકો ભલે પહેલી એપ્રિલના એપ્રિલ ફૂલ ડે ઊજવતા હોઈએ છીએ, પણ સ્કોટલેન્ડમાં બે દિવસ સુધી એપ્રિલ ફૂલ ડે ઉજવવામાં આવે છે. એપ્રિલ ફૂલ ડે અહીં પહેલી અને બીજી એપ્રિલના ઉજવવામાં આવે છે. સ્કોટલેન્ડમાં બીજા દિવસને “ટેલિ ડે” તરીકે ઊજવવામાં આવે છે.
4. એપ્રિલ ફૂલના દિવસે લોકોને ઉલ્લુ બનાવવાની કે મૂર્ખ બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. કેટલાક અહેવાલો અનુસાર, 1698માં ઉલ્લુ બનાવવાની સૌથી પહેલી ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી અને એ સમયે લોકોને લંડનના ટાવર ખાતે સિંહોની ધૂલાઓ જોવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
5. ઈરાનમાં, એપ્રિલ ફૂલ ડે પર્સિયન નવા વર્ષના 13મા દિવસે ઉજવવામાં આવે છે, જે માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં આવે છે. તે સિઝદા બેદર તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો એકબીજા સાથે મજાક કરે છે અને દિવસ ઘરની બહાર વિતાવે છે.
6. આ ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સમાં નકલી સમાચાર, નકલી લોટરી ટિકિટો અને અન્ય ઘણી નકલી જાહેરાતો અથવા ટુચકાઓ ન્યૂઝ ચેનલો અને રેડિયો પર એપ્રિલ ફૂલ ડે જોક્સ તરીકે નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે.
7. કેટલાક દેશોમાં એપ્રિલ ફૂલ ડેના દિવસે નેશનલ હોલીડે આપવામાં આવે છે. સ્પેન અને કેટલાક લેટિન અમેરિકન દેશોમાં, તે “દિયા ડે લોસ સાન્તોસ ઇનોસેન્ટીસ” અથવા “પવિત્ર માસુમોના દિવસ” તરીકે ઓળખાય છે.
8. 1998માં, બર્ગર કિંગે “લેફ્ટ-હેન્ડેડ વ્હોપર” નામની નવી મેનુ આઇટમની જાહેરાત કરી, જે લેફ્ટ હેન્ડેડ ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ મજાક એટલી સફળ રહી કે ઘણા ગ્રાહકો આ ડાબોળીઓ માટેના પ્રોડક્ટ ખરીદવા માટે બર્ગર કિંગ પાસે પહોંચી ગયા હતા.
9. ગ્રીસમાં, એપ્રિલ ફૂલની ટીખળોને ગૂડલક સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યાં એવું માનવામાં આવે છે કે જો તમે કોઈની સાથે રમૂજ કરો છો, તો તમારું આવનારું વર્ષ ખૂબ જ સારું રહેશે.