નોક નોક, તમને એન્ક્ઝાઈટી તો નથીને?

પુરુષ

મેલ મેટર્સ – અંકિત દેસાઈ

પોતાના કામના સ્થળે પુરુષ ગમે એનો બોસ હશે કે પછી એ ગમે એનો કર્મચારી હશે, પરંતુ આજના સમયમાં બોસ અને કર્મચારી એમ બંનેને કોઈ એક બાબત એકતાંતણે બાંધી રાખે છે તો એ બાબત છે એન્ક્ઝાઈટી, કારણ કે એક સંશોધન એમ કહે છે કે શહેરોના વર્ક કલ્ચરમાં હવે સાંઠ ટકાથી વધુ પુરુષો કારણ વિનાની એન્ક્ઝાઈટી ફીલ કરી રહ્યા છે. એ એન્ક્ઝાઈટી પણ કેવી? તો કે મોડર્ન પુરુષને એમ લાગી રહ્યું છે કે કામના સ્થળે તેના એફ્ટર્સ તરફ કોઈનું ધ્યાન નથી જતું અથવા તો તેને એમ લાગી રહ્યું છે કે તે સૌથી છેલ્લે છે અને બીજા તેનાથી આગળ નીકળી રહ્યા છે અથવા તો પોતે જ પોતાના એફ્ટર્સને જજ કરી રહ્યો છે કે તે જે દિશામાં કામ કરી રહ્યો હતો એ દિશા યોગ્ય નહોતી.
આ સિવાય બીજાં અનેક એવાં કારણો છે, જે કારણો આજના પુરુષને સતત એવું ફીલ કરાવે છે કે તે બહુ પાછળ છે અથવા તે બહુ નાનો છે, પરંતુ આ બાબત અત્યંત ચિંતાજનક અને એલાર્મિંગ છે, કારણ કે માણસને જ્યારે એમ લાગવા માંડે છે કે તેની હવે કોઈ કદર નથી થતી કે તેની કોઈ જરૂર નથી રહી ત્યારે ધીમે ધીમે તેનું વિશ્ર્વ સાંકડું થતું જતું હોય છે અને એ ધીમે ધીમે એક એવી ગુફામાં પહોંચી જતો હોય છે, જે અંધારી ગુફામાં તેને પોતાનો પડઘો પણ સંભળાતો નથી હોતો.
આ પ્રકારના વિચારો આવવા કે મનમાં ભાવના જન્મવી એ કોઈ પણ પુરુષ માટે ઘાતક સાબિત થઈ શકે છે અને આ એક એવી બાબત છે, જેની જાણ બીજાને થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તો પછી કરવું શું? આપણે પણ એન્ક્ઝાઈટીના શિકાર થયા છીએ એવું કઈ રીતે નક્કી કરવું? તો સૌથી પહેલી વાત જ એ કે આપણને એન્ક્ઝાઈટી થાય છે કે નહીં એનો વિચાર કે ચિંતા કરવા જ નહીં બેસવાનું, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે જ્યારે આપણને એમ લાગવા માંડે કે આપણા કામની કોઈ કદર નથી થતી કે આપણા એફ્ટર્સ યુઝલેસ છે ત્યારે ત્યારે મનને એક બાબતે કેળવી લેવાનું કે આપણું મન કોઈના એપ્રિસિયેશન પર નભતું હોવું ન જોઈએ.
ભલે નાની તો નાની, પણ આપણને ન આવડતી કોઈક બાબત પર આપણે મહારત હાંસલ કરી કે પછી આપણે કોઈક નાનું કામ પણ શીખ્યા તો આપણે જ આપણી એ નાનકડી સક્સેસ સેલિબ્રેટ કરતાં શીખવાનું છે. એ સિવાય એ હંમેશાં યાદ રાખવાનું કે આપણા જેવા આપણી ઑફિસમાં ઘણા છે, જેઓ પોતાના કામમાં ગોથાં ખાય છે અથવા તો તેઓ જાણ્યે-અજાણ્યે કોઈ ને કોઈ ભૂલો કરે છે. એવા લોકોને ઑબ્ઝર્વ કરતા રહો અને જાતને ધરપત આપતા રહો કે ભૂલો કંઈ આપણાથી એકલાથી નથી થતી, છે અહીં બીજાય તીસમાર ખાંઓ, જેઓનાં કામનાં ઠેકાણાં નથી હોતાં. તો ઑફિસ અવર્સ પૂરા થાય પછી ફરી ઑફિસ જોઈન કરો ત્યાં સુધી ઑફિસને ઑફિસમાં જ મૂકી દેવાની આદત રાખો. ઑફિસને ઘરે લઈ આવવાની જરૂર નથી. ઑફિસનું કામ તો ઘરે નથી જ લાવવાનું, પરંતુ ઑફિસના વિચારો પણ ઘરે લાવવાના નથી. આખરે ઑફિસની ઘરે જરૂર જ શું છે?
તો બીજી સૌથી મહત્ત્વની બાબત છે કામમાંથી બ્રેક લઈને તહેવારો માણવાની કે રજાઓ લેવાની. મોટા ભાગનું કોર્પોરેટ કલ્ચર તહેવારો માણવામાં આળસ કરે છે અને શનિ-રવિમાં ટિપિકલ રજાઓ માણે છે, પરંતુ તહેવારો માણવાથી કે રજાઓમાં પોતાનાં માતા-પિતા, ભાઈ-બહેન, કઝિન્સ કે સંબંધીઓને મળવાથી કે તેમની સાથે જમવાથી મન ઘણી તાજગી અનુભવતું હોય છે. આખરે મનનું ખુશ રહેવું અત્યંત મહત્ત્વનું છે. મનને જો બધી બાબતોમાં સાર્થકતા જણાશે તો જીવન સાર્થક છે નહીંતર અહીં જે કંઈ છે એ બધું જ નિરર્થક છે, પરંતુ અહીંનું બધું નિરર્થક બનવા શું કામ દેવું? અહીં તો જે કંઈ છે એ બધું અર્થસભર છે અને લીલુંછમ્મ છે. તો લીલા જ રહીએને?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.