અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રવિવારે પ્રારંભ થયો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં વિશ્વના 52 દેશોના ૧૨૬ પતંગબાજો અને ભારતના ૧૪ રાજ્યોના ૬૫ પતંગબાજો સહભાગી થયા છે. રંગારંગ કાર્યક્રમ અને આકાશમાં ઉડતી પતંગોએ સૌને આકર્ષ્યા હતા. રવિવારની રજા હોવાથી જાહેર જનતા પણ મોટી સંખ્યામાં આવી હતી.
આ વર્ષનો પતંગ મહોત્સવ G-20ની થીમ ‘વસુધૈવ કુટુંમ્બકમ – વિશ્વ એક પરિવાર’ના ભાવ સાથે ગુજરાતભરમાં ઉજવામાં આવશે. મુખ્ય પ્રધાને આ પ્રસંગે સંબોધન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઇઓ પાર કરી રહી છે. ગુજરાતના વિકાસની યાત્રા અવિરત રાખવા આપણે પ્રવાસન અને રોજગાર જેવા વિષયો ઉપર વિશેષ ભાર આપ્યો છે. આજનો આ કાઇટ ફેસ્ટીવલ તેનું ઉદાહરણ છે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત પતંગોત્સવમાં કુલ ૬૮ દેશોના ૧૨૫ જેટલા પતંગબાજો, 14 રાજ્યોના ૬૫ પતંગબાજો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ૬૬૦થી વધુ પતંગબાજો સામેલ થયા છે. આ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાંસ,રશિયા, જર્મની, ગ્રીસ, ઇઝરાઇલ, ઇજિપ્ત, કોલમ્બિયા, ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ઈટલી, મેક્સિકો, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, બહેરીન, ઈરાક, મલેશિયા, પોલેન્ડ, મોરેશિયસ, પોર્ટુગલ, સ્વીઝરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ, જોર્ડન, ઝિમ્બાબ્વે, અલ્જિરિયા, બેલારુસ સહિત 52 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા છે