ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

હમને દુનિયામેં આ કે ક્યા દેખા,
દેખા જો કુછ વો ખ્વાબ સા દેખા.
હૈ તો ઈન્સાન ખાક કા પુતલા,
એક પાની કા બુલબુલા દેખા.
ન હુવે તેરે ખા કે પા હમને,
ખાક મેં આપ કો મિલા દેખા.
અબ ન દીજે ‘ઝફર’ કિસીકો દલિ,
કે જિસે દેખા બેવફા દેખા.
– બહાદુરશાહ ‘ઝફર’
નિયતિની વિડંબના કહો કે પછી નસીબની બલિહારી, પરંતુ એક શહેનશાહને ત્યાં જન્મ લઈને બુઝુર્ગ વયે બાદશાહનો કાંટાળો તાજ પહેરનાર બહાદુરશાહ ઝફર જીવનભર લાચાર, મજબૂર અને પરવશ રહ્યા હતા. ઝફર પ્રેમ અને સદ્ભાવના જેવા ઈન્સાનિયતના ગુણોથી સભર હતા. તેમણે શૃંગારના પરંપરાગત વિષય પર શાયરી રચી તો તેમની શાયરીમાં પાકો સૂફી રંગનો ઢોળ પણ ચડયો હતો. દિલ્હીની નાસ્તિક અને બીમાર શાયરીને નવું જીવન બક્ષવામાં ‘ગાલિબ’ અને ‘મોમિન’ની સાથે ‘ઝફર’નો પણ એટલો જ ફાળો રહ્યો છે. ‘લાલ કિલ્લા’ (૧૯૬૦) નામની હિન્દી ફિલ્મમાં ઝફરની આત્મકથાના ટુકડા જેવી અતિપ્રિય ગઝલ ‘ન કિસી કી આંખ કા નૂર હું’ને મહાન ગાયક રફીસાહેબે સ્વર આપ્યો છે.
ઔરંગઝેબનું મૃત્યુ, મોગલ સલ્તનતના ઉત્તરાધિકારી માટેની ખેંચતાણ ચોતરફ ભડકી ઉઠેલી. વિદ્રોહની આગ, નાદિરશાહ અને અહમદશાહનું અચાનક આક્રમણ તેનાથી થયેલી દિલ્હીની તબાહી-બરબાદી, આવી બધી ઘટનાઓ વચ્ચે દિલ્હીના લાલ કિલ્લામાં ૨૪ ઓકટોબર, ૧૭૭૫ના રોજ શાહઆલમના બીજા ક્રમના પુત્ર અકબર શાહ (દ્વિતીય)ના પત્ની લાલકુંવરબાઈની કૂખે બહાદુરશાહનો જન્મ થયો હતો. તેમનું પૂરું નામ અબુઝફર સિરાજુદ્દીન મુહમ્મદ બહાદુરશાહ હતું. ઝફરનો ઉછેર અને તેમના માટેની શિક્ષણ વ્યવસ્થા અન્ય શાહજાદાઓની જેમ કરાઈ હતી. વારસામાં મળેલી ઉર્દૂ ભાષા ઉપરાંત ફારસી-અરબી ભાષા તેમણે શીખી લીધી હતી.
પિતા અકબર શાહ પુત્ર ઝફરથી હોઈ અગમ્ય કારણસર નારાજ હતા. આથી અકબર શાહે તેમની પ્રિય બેગમ મુમતાજ મહલના પુત્ર જહાંગીરને પાટવીકુંવર જાહેર કર્યા હતા. શરાબી અને શબાબી જહાંગીરનું અચાનક મૃત્યુ થયું ત્યારે અકબર શાહે ઝફરને ગાદી સોંપી ત્યારે ઝફરની ઉંમર ૬૨ વર્ષની હતી. દરમિયાન અંગ્રેજોએ સમગ્ર મોગલ સલ્તનત અને દેશને પોતાના તાબામાં લઈ લીધો હતો. આવી તંગ પરિસ્થિતિમાં ૧૮૫૭ વિપ્લવ ફાટી નીકળ્યો. બહાદુરશાહ ઝફરે ફિરંગીઓ સામે લાલ આંખ કરી પડકાર ફેંકયો. પણ અંગે્રજોએ કપટ અને કૂટનીતિથી દિલ્હીનો તખ્ત હાંસલ કરી લીધો. પરિણામે ઝફરને લાલ કિલ્લો છોડીને હુમાયુના મકબરાની છત નીચે આશરો લેવો પડયો. ઝફરના વિશ્ર્વાસુ ગણાતા એક મંત્રીએ વિશ્ર્વાસઘાત કર્યો. જેથી ઝફર અને તેના બે પુત્રોને કેદ કરી લેવાયા. આમ ચાર સદી જૂના મોગલ શાસનનો અંત આવી ગયો. અંગ્રેજોએ તેના બે પુત્રોને વિદ્રોહ માટે જવાબદાર ઠેરવ્યા અને બંને પુત્રોનો શિરચ્છેદ કર્યો. ઝફરને દેશનિકાલની સજા ફટકારી રંગુન (બર્મા)ની જેલમાં ધકેલી દેવાયા. રંગૂનની જેલમાં નજરકેદ રખાયેલા ઝફરનું કેદખાનાની દીવાલો વચ્ચે ૭ નવેમ્બર ૧૮૬૨ના રોજ અવસાન થયું.
વૃદ્ધાવસ્થા દરમિયાન ઝફર તેમની રચનાઓ મોગલ દરબારના શાહી શાયર ઈબ્રાહીમ ‘ઝૌક’ પાસે મઠારાવતા હતા. તે અરસામાં લાલ કિલ્લામાં રંગબેરંગી ઝુમ્મરોના ઉજાસમાં શાયરોની મહેફિલ મોડી રાત્રિ સુધી ચાલતી અને દિલ્હીના શાયરોની શાયરીની શમા પ્રજ્વલિત રહેતી. ‘ઝફર’ની બધી જ રચનાઓ ‘કલ્લિયાતે ઝફર’ નામથી લખનૌના નવલકિશોર પ્રેસ દ્વારા કુલ ૪ ભાગમાં પ્રકાશિત થઈ હતી. ૧૦૨૬ પૃષ્ઠ ધરાવતા આ ગ્રંથોમાં ઝફરના સાડત્રીસ હજાર શે’ર ગ્રંથસ્થ કરાયા છે.
તેમના શે’રનો વ્યાપ વિશાળ છે તેમ અનેક વિષય, ભાવ, આવેગ ઊર્મિ પર તેમણે શે’રની રચના કરી છે. આ શાયરનો શે’ર-શાયરીનો આખો દરિયો મૂકી ગયા છે. તેમાંથી થોડાક શે’રનો આનંદ લઈએ.
ઉન કી આંખો ને ખુદા જાને (કિયા ક્યા જાદુ, કે તબીયત મેરી માઈલ કભી ઐસી
તો નથી.
આમ તો મારો સ્વભાવ, એટલો બધો આસક્ત નહોતો. છતાં કોણ જાણે કેમ એમની આંખોએ મારા પર કેવું જાદું કર્યું કે હું સાવ આસક્ત થઈ ગયો. (મારી પ્રેયસી જાદુગર તો નહીં હોય ને!)
યારો સફર કા કુછ સરો-સામાન તો કરો,
જાના કહાં હૈ તુમ કો જરા ધ્યાન તો કરો.
હૈ કિતના બદનસીબ ‘ઝફર’ દફન કે લિયે,
દો ગઝ ઝમીન ભી ન મિલી કૂએ યાર મેં.
‘ઝફર’ પણ કેટલો કમભાગ્યશાળી છે કે દોસ્તની ગલીમાં દફન થવા માટે બે ગજ જમીન પણ ના મળી. ઝફરને પોતાની માતૃભૂમિ હિન્દુસ્તાનમાં કફન-દફન નથી મળવાનું તેનો ખ્યાલ તેમને આવી ગયો હતો. આ શેર તેનો પુરાવો છે.
ડાલે હુવે ગરદન કો મેરા નામાબર આયા,
હૈરાન હૂં કે દેખીયે વો ક્યા ખબર લાયા.
પોતાની ગરદન-માથું ઝુકાવીને ખબરપત્રી-સંદેશવાહક મારી પાસે આવ્યો તો હું હેરાન-પરેશાન થઈ ગયો. તે (સજની પાસેથી) કયા પ્રકારનો વળતોે સંદેશો લાવ્યો હશે તે વિચારમાં ડૂબી ગયો.
રાત ભર મુજકો ગમે યારને સોને ન દિયા,
સુબહ કો ખોફે શબે તારને સોને ન દિયા.
આ વિવશ શાયરે અંગત દર્દને ઘૂંટી ઘૂંટીને શાયરીમાં ઢાળ્યું હતું. વાચકવર્ગને તો એમ જ લાગે કે આ શાયરીમાં રજૂ થયેલું દર્દ પારકું નથી પણ મારું પોતાનું છે. ઝફર કહે છે કે પ્રિયતમાના વિચારોએ જ મને આખી રાતનો ઉજાગરો કરાવ્યો. એટલું જ નહીં પણ સવાર પડશે ને તેમના તરફથી કેવા પ્રકારનો સંદેશો મળશે એવી ફિકરમાં મને સૂવા પણ ન દીધો.
કિસી કો હમને યહાં અપના ન પાયા,
જિસે પાયા ઉસે બેગાના પાયા.
મારી કેવી કમનસીબી છે કે મને કોઈ પોતીકુ કહી શકાય એવું મળ્યું નહીં. મને મારી જિંદગીમાં જે પણ મળ્યા એ બધા તો પારકા હતા. ઝફરે કૌટુંબિક થતો રાજકીય ખટપટ તેમજ અદાવત વિશ્ર્વાસઘાત તરફ અત્રે ઈશારો કર્યો છે.
યે હી શૌક થા હમેં દમ-બ-દમ
કે બહાર દેખેંગે અબ કે હમ,
જ્યું હી છૂટે કૈદે-કફસ સે હમ
તો સુના ખિઝાં કે દિન આ ગયે.
આ વખતે તો અમે વસંતની મોસમનો અનુભવ કરીશું એવો અમને ક્ષણે ક્ષણે ઉમંગ હતો. પરંતુ અમે જેવા જેલના પિંજરામાંથી છૂટયા તો અમને ખબર પડી કે હવે તો પાનખરના દિવસો બેસી ગયા છે. નિરાશાને વ્યક્ત કરવાનો આ પણ એક પ્રકાર છે.
કર ચુકે તુમ નસીહતે હમ કો,
જાઓ બસ નાસે હો, ખુદા હાફિઝ.
કોણ જાણે કેમ પણ બાદશાહ બહાદુરશાહ ઝફરને ઉપદેશકો પ્રત્યે કોઈ પ્રકારની નારાજગી હતી. આ શેર તેમાંથી લખાયો હશે. ‘ઝફર’ સીધુ સોંસરું જ કહી દે છે કે તમારે લોકોએ જે ઉપદેશ આપવાનો હતો તે તો તમે આપી દીધો છે. તો પછી તમારું કાર્ય પૂરું થઈ ગયું હોય તો હવે તમે અહીંથી પધારી જાવ. ખુદા હાફિઝ!
જબ કોઈ કેહતા હૈ હસ્તી કો,
કે હસ્તી ખૂબ હૈ,
ઉસ કી ગફલત પર ફના,
ઉસ વક્ત હસતી ખૂબ હૈ.
જ્યારે કોઈ જિંદગીને એમ કહે છે કે જિંદગી તો ખુબ સરસ છે ત્યારે તે વખતે એની ગફલત (બેદરકારી) પર મને ખૂબ સહવું આવે છે. ઝફરની પ્રેમ ઊર્મિથી સભર શાયરીમાં થોડું ઘણું કટાક્ષનું પણ સ્થાન હતું તે જોઈ શકાય છે.
નહીં હોતા કિસી સે મેરા ઈલાજ,
યહાં! ઈતને તબીબી રહતે હૈ.
અહીં તો કેટકેટલા વૈદ્ય હકીમો રહે છે. પણ હાય, મારે ઈલાજ કેમ કોઈ કરી શકતું નથી. આ ઈલાજ તેમની મજબૂરીનો, લાચારીનો પણ હોઈ શકે. પોતે બાદશાહ હોવા છતાં તેમની આ સારવાર થઈ શકતી નથી એમ કહીને તેમણે અફસોસ જાહેર કર્યો છે.
ક્યૂં હિફાઝત હમ ઔર કી ઢૂંઢે,
હર નફસ કા હો કે જબ ખુદા હાફિઝે!
જ્યારે (મારા) પર એક એક શ્ર્વાસનો રક્ષક ખુદા (પ્રભુ) છે તેવી સ્થિતિમાં અમે શા માટે બીજા કોઈનું રક્ષણ માગીએ! ‘ઝફર’ની ઈશ્ર્વર પ્રત્યેની આસ્થાનો આ શેર તેમની તસવ્વુરના રંગની શાયરીનો ઉત્તમ નમૂનો છે.
હમ સે ઝમાના આજ અગર ફીર ગયા તો ક્યા?
લાખોં હી ઈસકે દેખ ચુકે ઈન્કીલાબ હમ.
આજે જમાનાએ (જમાનાના લોકોએ) અમારાથી મો ફેરવી લીધું છે તો શું થયું? અમને કોઈ ફિકર નથી. અમે તો આ પહેલા પણ આવી કેટલીયે કાંતિ, કેટલાય પરિવર્તન જોઈ લીધા છે.

 

Google search engine