કાશ્મીરમાં ઉચ્ચ વહિવટી અધિકારીઓ અને સેનાના અધિકારીઓને છેતરીને VVIP સુવિધા ભોગવનાર મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં પહોંચ્યો છે. વિધાનસભાના ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ વિધાનસભ્ય શૈલેષ પરમારે સરકારને આડે હાથે લીધી હતી. તેમને ગુજરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઉભા કાર્ય હતા.
આજે વિધાનસભામાંની બેઠકમાં ગૃહ વિભાગની માગણીઓ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે દાણી લીમડાના કોંગ્રેસ વિધાનસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમને કહ્યું કે કરાઈ એકેડેમીમાં બોગસ પીએસઆઇ ઘુસી જાય છે, આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની જાસૂસી થાય છે, અવારનવાર પેપરલીક થાય છે, સરકારી પાઇલટ બે વર્ષ સુધી અંગત ઉપયોગ માટે સરકારી વિમાન અને હેલીકોપ્ટરનો દુરુપયોગ કરે. આ પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઠીક નથી.
મહાઠગ કિરણ પટેલ અંગે શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે ત્યારે કિરણ પટેલ નકલી PMO અધિકારી હોવાની ઘટના શરમજનક છે. PMOમાં નોકરી કરતા હોવાનું જણાવી સરકારી તંત્રનો દુરુપયોગ કરનારા કિરણ પટેલના તાર ગુજરાત સુધી જોડાયેલા છે, એમ છતાં રાજ્યની IB કંઈ જ કરી શકી નહિ.
તેમણે દારૂ માફિયા અંગે કહ્યું કે જેમ રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે. એમ ગૃહ વિભાગ પણ ડબલ એન્જિનથી ચાલે છે. પ્રથમ એન્જિન એટલે બાતમીદાર અને બીજું એન્જિન એટલે વહીવટદાર. ગૃહ વિભાગનું જેટલું બજેટ નથી એટલી રકમનો દારૂ અને ડ્રગ્સ પકડાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની જાસૂસી કરવામાં આવે છે. તેઓ રેડ પાડવા જવાના હોય એ પહેલાં બૂટલેગરને રેડની ખબર પડી જાય છે. વહીવટદારો હપતા ઉઘરાવાનું કામ કરે છે અને એ જ વહીવટદારોને લીધે બૂટલેગરો સામે કાર્યવાહી થતી નથી.
રાજકોટ દક્ષીણના ભાજપના વિધાનસભ્ય ઉદય કાનગડે વળતો પ્રહાર કરતા કહ્યું કે ‘કોંગ્રેસના સાશનમાં ચૂંટણી થતી ત્યારે મંત્રી સ્તરના નેતાઓની રાજકીય હત્યા થતી હતી.’ કોંગ્રેસના વિધાનસભ્યોએ હરેન પંડ્યાની હત્યા અંગે જવાબ આપવા પણ માંગણી કરી હતી.