Homeઈન્ટરવલરાજાનું સત્ય, પ્રજાનું સત્ય

રાજાનું સત્ય, પ્રજાનું સત્ય

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ‘સત્ય’ની એક રસપ્રદ વાર્તા કહેવી છે

આનન-ફાનન -પાર્થ દવે

સત્ય પણ ક્યારેક રડવું જોઈએ
જાતની સાથે ઝઘડવું જોઈએ!
ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’
એય તક છે, કૈંક જડવું જોઈએ!
આ શેર રતિલાલ અનિલનો છે. આપણે દરેક ક્યારેક ને ક્યારેક સત્ય બોલવા ક્યારેક જાત સાથે ઝઘડ્યા હોઈએ છીએ. પણ સવાલ એ છે આપણું સત્ય ‘સો ટકા’ હોય છે? નથી હોતું. દર વખતે શક્ય પણ નથી. પરંતુ ગરબડ ત્યારે થાય છે જ્યારે આપણું સત્ય બીજા પર આધારિત થઈ જાય છે. બીજી વ્યક્તિ સાચું બોલશે તો જ હું સાચું બોલીશ અથવા તો મારે સાચું બોલવાથી બીજા શું વિચારશે? બીજાને કેવું લાગશે?- આના પર આધારિત થઇ જાય છે. તમે ખુલ્લા ન પડી જાઓ એ ડરે તમે સત્ય નથી બોલતા ત્યારે તમારા સહિત આખા સમૂહનું, સમાજનું નુક્શાન થતું હોય છે. પાછો એ ડર પણ ખોટો અથવા કલ્પેલો હોય છે!
એક સરસ મજાના ઉદાહરણથી આ વાત સમજીએ!
એક સમ્રાટ હતો. સમ્રાટને હોય તેવું તેને અભિમાન હતું. પાછી તેણે આખી પૃથ્વી જીતી લીધી છે. એટલે થોડું વધુ અભિમાન હતું!
એક વખત દરબારમાં એક માણસ આવ્યો અને તે અભિમાનમાં કાણું પાડતા બોલ્યો કે, તમે આખી પૃથ્વી તો જીતી લીધી છે. પણ એક વાતની કમી છે! સમ્રાટના ભવા સંકોચાયા અને જોરથી પૂછ્યું કે, કમી? શું કમી છે મારી જીતમાં? જલ્દી બોલ એટલે એ પણ પૂરી કરી નાખું!
પેલો બોલ્યો, તમારી પાસે દેવતાઓના વસ્ત્રો નથી! રાજા આ સાંભળી, વિચારીને કંઈ આગળ બોલે એ પહેલા જ પેલો માણસ બોલ્યો, આ વસ્ત્ર મળી જાય તો તમારી જીત પણ પૂર્ણ થઈ જાય અને વાહ વાહ થઈ જાય તે અલગ. તમે કહેતા હો તો તમારા માટે એ વસ્ત્ર હું ખાસ સ્વર્ગમાં જઈને લઈ આવું!
રાજા હજુય આશ્ર્ચર્યમાં જ હતો. તેણે કહ્યું કે મેં દેવતાઓના વસ્ત્ર જેવું કંઈ સાભળ્યું નથી. પણ પહેલા મને તું એ કહે, તું સ્વર્ગમાં જઈશ કઈ રીતે? વસ્ત્રો લાવીશ કઈ રીતે? પેલો માણસ સરખી તૈયારી કરીને આવ્યો હતો.
તેણે તરત કહ્યું કે, રાજકારણીઓ જ્યારથી મરીને સ્વર્ગસ્થ થવા લાગ્યા છે ત્યારથી ત્યાં પણ લાંચ-રુશ્વત અને બેઈમાની વધી ગઈ છે! આથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ તો એ વસ્ત્ર મળે.
કરોડો રૂપિયા? રાજાએ આશ્ર્ચર્યથી પૂછ્યું. પેલો કહે, સાહેબ, દિલ્હીના દરબારમાં જઈને કોઈ કામ કરાવવું હોય તોય લાખોનો ખર્ચ થઈ જાય છે. આ તો સ્વર્ગ છે સ્વર્ગ! અહીં પટાવાળાને પણ કરોડોની લાંચ આપવી પડે!
રાજાએ વિચારવાનું શરૂ કર્યું. ‘સમજુ’ દરબારીઓએ કહ્યું કે, આ છેતરવાના ધંધા છે. દેવતાઓને વસ્ત્ર જેવું કંઈ હોય જ નહીં! રાજાએ કહ્યું, પણ એ ક્યાં બહાર જવાનો છે? કરોડો રૂપિયા લઈને પણ ક્યાં જશે? એ તો આ મહેલમાંથી જ કંઈક ગુપ્ત રસ્તો કાઢવાનો છે સ્વર્ગે જવાનો!
સમજુ માણસોનું આમેય એકેય રાજા માનતો નથી, અહીં પણ એવું જ થયું. પેલા માણસને રાજાએ કરોડો રૂપિયા આપ્યા. છ મહિનાની મુદ્દત આપી. રાજાને ધરપત હતી કે આ માણસ ક્યાંય ભાગી તો શકવાનો નથી. કેમ કે બહાર તેણે ખુલ્લી તલવારો સાથે સૈનિકા ઊભા રાખી દીધા હતા.
બરાબર છ મહિના થયા ને એ માણસ એક સુંદર પેટી લઈને હાજર થયો. અંદર હતા સ્વર્ગથી આવેલા રાજા માટેના વસ્ત્રો! આ વાત આખી રાજધાનીમાં ફેલાઈ ગઈ.
સ્વર્ગના વસ્ત્રો કેવા હોય ને એ વસ્ત્રોમાં રાજા કેવા લાગશે એ જોવા બધા ભેગા થવા માંડ્યા! દૂર સુદૂરથી રાજા મહારાજાઓ તથા ધનપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું.
ઠસોઠસ ભરેલા દરબારમાં રાજા અને પેલો માણસ સામસામા બેઠા. માણસે રાજાને આજ્ઞા કરી કે એક પછી એક તમારા વસ્ત્રો ઉતારો, અને હું તમને દેવતાઓના વસ્ત્ર આપતો જાઉં! રાજાએ સૌથી પહેલા પોતાની પાઘડી ઉતારી અને નીચે મૂકી દીધી.
પેલાએ પેટીમાં હાથ નાખ્યો અને ખાલી હાથ બહાર કાઢીને બોલ્યો, આ સ્વર્ગમાંથી લીધેલી દેવતાઓની પાઘડી! રાજા કંઈ બોલે એ પહેલા જ ફરી એ માણસ બોલ્યો, તમને દેખાય છે ને? કેમ કે સ્વર્ગમાંથી નીકળ્યો ત્યારે દેવતાઓએ મને કહ્યું હતું કે આ વસ્ત્રો માત્ર એમને જ દેખાશે જે પોતાના પિતાથી ઉત્પન્ન થયા હોય!’
પાઘડી તો હતી નહીં એ બધાએ જોયું. પણ રાજા ચુપ. દરબારીઓ ચુપ. રાજાએ તમામ વસ્ત્રો કાઢી નાખ્યા અને એક પછી એક એવા વસ્ત્રો પહેરવા લાગ્યા જે હતા જ નહીં.
આખા દરબારમાં આવેલા તમામ લોકો મનમાં સમજતા હતા કે, વસ્ત્રો તો છે નહીં. દેવતાઓના વસ્ત્રો જેવું કંઈ હોય નહીં. ઘણા તો એમ પણ માનતા હતા કે સ્વર્ગ જેવું પણ કંઈ હોય નહીં! પણ (સાચું) બોલે કોણ?
રાજાને એમ હતું કે ભલે મને નથી દેખાતા વસ્ત્રો, બીજાને તો દેખાય છે! બીજાને એમ હતું કે મારા સિવાય બધાને વસ્ત્રો દેખાય છે એટલે કોઈ બોલતું નથી!
હજુ કંઈક બાકી હોય તેમ પેલા માણસે બીજી જાહેરાત કરી કે આ વસ્ત્રો સ્વર્ગમાંથી પહેલી જ વખત આ પૃથ્વી પર આવ્યા છે એટલે આખા નગરમાં રાજાની શોભાયાત્રા કાઢવામાં આવશે. રાજાની જરાય ઈચ્છા નહોતી કેમ કે તે ઓલરેડી નગ્ન થઈ ચૂક્યા હતા! પણ પોતાના પિતા વિશે શંકા ન જાય કોઈને એટલે સાચું બોલાય એમ નહોતું!
રાજા ગામમાં નીકળ્યો, સૌ તેનો ખોટેખોટો જય જયકાર કરવા લાગ્યા. કેમ કે યાત્રા નીકળી એ પહેલા સૌને દાંડી પટીને કહી દેવામાં આવ્યું હતું કે, સ્વર્ગના આ સુંદર વસ્ત્રો એમને જ દેખાશે જે પોતાના પિતાથી ઉત્પન્ન થયા હોય! સૌ વાહ વાહ કરી રહ્યા છે ત્યાં એક માણસના ખભે બેઠેલો છોકરો બોલી ઉઠ્યો, અરે! આ રાજા તો નાગો છે!
આ વાર્તા તમે ક્યાંક વાંચી-સાંભળી હશે. મેં થોડી મારી રીતે રજૂ કરી. આપણને સાચું બોલતા કેટલો ડર લાગે છે? બીજા શું વિચારશે, બીજાને કેવું લાગશે તે આપણા મગજમાં ઘર કરી ગયેલો વિચાર છે. અહીં તો રાજાને પણ એ જ ચિંતા સતાવે છે કે સાચું બોલીશ તો લોકોને કેવું લાગશે?
આમા મોટો પ્રશ્ર્ન ત્યાં આવે કે સમય જતા આપણે જ પોતાની જાતને અન્ડરએસ્ટિમેટ કરવા લાગીએ. જેમ પેલા હોંશિયાર અને લુચ્ચા માણસે જાહેરાત કરી કે જે પોતાના પિતા દ્વારા જન્મ્યા હોય એમને જ કપડાં દેખાશે.
ધીમે ધીમે આ વાત લોકો પોતે જ માનવા મંડ્યા કે આપણે અનૌરસ છીએ! આ માત્ર વાર્તા છે પણ તે અલગ અલગ રૂપમાં આપણી આજુબાજુ પણ થઈ રહ્યું છે.
હજાર વખત જુઠ બોલીને તેને સત્ય કહેવામાં આવી રહ્યું છે. પછી તમે તે જ સત્ય બોલો છે અને જે ખરેખર સાચું છે તે રાજાના કપડા જેવું છે, જે દેખાતું નથી, હોતું નથી છતાંય તેની જય જયકાર થાય છે. આપણી આસપાસ રાજા પણ છે અને દરબારીઓ પણ છે.
વર્ષો પહેલા ધ ગ્રેટ ઓશો આ વાર્તા કહેતા. પછી છેલ્લે ઉમેરતા કે રાજનૈતિક પાર્ટીમાં રહેલા લોકોને જે સત્ય દેખાય છે તે ખરેખર કોઈ દિવસ કહી શકે છે ખરા? તમામની બોલતી બંધ રહે છે કેમ કે કોઈ ખૂલ્લું પડવા તૈયાર નથી!
આ વાસ્તવિકતા છે આપણી ઈર્દગિર્દની. પ્રમાણિક, સત્ય ઉચ્ચારણો માણસ આકરો ને અકડુ લાગતો
હોય છે.
સમય જતા તે પણ સુગર કોટેડ વાતો કરવા મંડી પડે છે! જેમ પેલું સાચું બોલેલા બાળકને તેના પિતાએ ચીંટિયો ભરીને કહ્યું કે, હજું તું નાનો છે. મોટો થઈશ ત્યારે તને પણ રાજાના વસ્ત્રો દેખાશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular