Homeલાડકીમારા પ્રેમી અને પતિ બેઉની હત્યા થઈ, હું ફરી એકલી થઈ ગઈ...

મારા પ્રેમી અને પતિ બેઉની હત્યા થઈ, હું ફરી એકલી થઈ ગઈ…

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૪)
નામ: મેરી સ્ટુઅર્ટ
સ્થળ: ટુટબેરી કેસલ (કિલ્લો)
સમય: ૧૫૬૯
ઉંમર: ૨૭ વર્ષ
મોટાભાગના લોકો માને છે કે એક ‘રાજકુમારી’નું જીવન પરિકથા જેવું હોય છે. એ જે માગે એ બધું જ એને મળતું હોય છે અને અન્ય છોકરીઓ કરતાં એના જીવનમાં આનંદ, સુખ અને સ્વપ્નો માટે ખૂબ વધુ અવકાશ હોય છે… પરંતુ આ વાત સત્ય નથી અથવા મારા જીવન માટે આ વાત સત્ય નથી એમ કહું તો ચાલે… છ દિવસની બાળકીના પિતા છિનવાઈ જાય, એ પછી એના જીવનની સુરક્ષાના પ્રશ્ર્નો સતત એને સતાવતા રહે… નવ મહિનાની ઉંમરે એને રાણી બનાવી દેવામાં આવે, પરંતુ એનું બાળપણ સતત મૃત્યુના ભય નીચે દુશ્મનો સામે ઝઝૂમવામાં વીતી જાય… એક સામાન્ય છોકરીને પણ એનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર મળે, પરંતુ એક રાજકુમારી તરીકે એ અધિકાર મને કદી મળ્યો નહિ ! પહેલા ગ્રીનવિચની સંધિ કરવામાં આવી, જેમાં ઈંગ્લેન્ડના રાજા હેનરી (એઈટ્થ)ના દીકરા એડવર્ડ (સિકસ્થ) સાથે મારા લગ્ન નક્કી કરવામાં આવ્યા. જ્યારે એ લગ્નને નામંજૂર કરીને મારી માએ ઇંગ્લેન્ડ સાથેની સંધિ રદ કરી ત્યારે હેનરી(એઇટ્થ)એ મારી શોધમાં આખું સ્કોટલેન્ડ અને યુરોપ ખૂંદી નાખ્યું. મારી માએ મારી સુરક્ષા અને સલામતી માટે એક કિલ્લાથી બીજા કિલ્લામાં ફેરવવી પડી… એ પછી ફ્રાન્સના રાજકુમાર સાથે લગ્ન નક્કી કરીને મને ફ્રાન્સ જ મોકલી આપી. લગ્ન થાય એ પહેલાં જ હું સાસરે પહોંચી ગઈ અને પાંચ વર્ષની એક છોકરીનો ઉછેર એના સાસરામાં જ કરવામાં આવ્યો! ૧૭ વર્ષની ઉંમરે મારા લગ્ન થયા અને હું ફ્રાન્સની રાણી બની, પરંતુ એ સુખ ઝાઝું ટક્યું નહીં, હું તરત જ વિધવા થઇ અને સ્કોટલેન્ડ પાછી ફરી.
મારી એકલતા અને યુવાનવયે વિધવા થયાની પીડા કોઈને સમજાઈ નહીં, પરંતુ મારી સાસુ કૈથેરિન ડિ મેડિસિ, જેણે મને પાંચ વર્ષની ઉંમરથી માની જેમ ઉછેરી હતી, એને અચાનક ભય લાગ્યો કે, હું ફ્રાન્સની રાણી તરીકે ધાર્યું કરીશ, એની સત્તા છિનવી લઇશ અથવા એના દીકરો ચાર્લ્સ(નવમો) મોટો થશે એ પહેલાં જ એને મારી નાખવાના કાવા-દાવા કરીશ… એટલે એણે મને મારા પતિના મૃત્યુના નવ મહિના પછી શોક ઉતારવાના બહાને સ્કોટલેન્ડ પાછી મોકલી આપી. હું મારી જાતને સ્કોટલેન્ડમાં એડજસ્ટ કરી શકું એવી સ્થિતિ જ નહોતી. ફ્રાન્સમાં ઉછરી હોવાને કારણે મારી માનસિકતા અને જીવનશૈલી બંને ‘ફ્રેન્ચ’ હતાં. સ્કોટલેન્ડ આવ્યા પછી મને સમજાયું કે સ્કોટલેન્ડમાં રાજનીતિ અને ધર્મ એકમેકની સામે ઊભાં હતાં. કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ તો સામસામે હતા જ, પરંતુ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ પર એકમેકના દુશ્મન હતા. સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રમાણમાં ફ્રાન્સ ઘણું આધુનિક અને વિકસિત હતું. સ્કોટલેન્ડમાં મારાં વો જીવનશૈલી મહેફિલમાં નૃત્ય કરવા અને શરાબ પીવા સામે ખૂબ વિરોધ થયો. પ્રોટેસ્ટન્ટ જ્હોન નોક્સ જાહેરમાં મારી વિરુદ્ધ ભાષણ કરવા લાગ્યા. સ્કોટલેન્ડની પ્રજા ભીતરથી અજાણતાં જ મને ‘બહારની વ્યક્તિ’ સમજવા લાગી. બીજી તરફ એલિઝાબેથ(પ્રથમ)એ સ્કોટલેન્ડમાં જે લોકો મારી વિરુદ્ધ હતા તેમને ઉશ્કેરવાનું કામ કર્યું. એલિઝાબેથ(પ્રથમ) એના પિતા કરતા જુદી હતી, એણે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ સાથે સંબંધો સુધારવાનો પ્રયત્ન કર્યો અને ડિસેમ્બર ૧૫૬૩માં પોતાની સલાહકાર સમિતિમાં કેથલિક અને પ્રોટેસ્ટન્ટ બંને પ્રકારના લોકોનો સમાવેશ કર્યો, જેથી ઇંગ્લેન્ડમાં
એની સામેનો વિરોધ બેસી જાય અને એલિઝાબેથ(પ્રથમ) એના પિતાનું અનૌરસ સંતાન હતી, એ વાત લોકો ધીરે ધીરે
ભૂલી જાય.
એ દરમિયાન મેં એવું સમજી લીધું કે સ્કોટલેન્ડ, ફ્રાન્સ નથી. અહીં એકલી ી, સુખેથી અને આનંદથી નહીં જ જીવી શકે. એટલે મેં એવો પ્રયત્ન કર્યો કે હું મારે લાયક કોઈ પુરુષ શોધી કાઢું, જે મને એક સારું જીવન તો આપે, કમ સે કમ! જો કે હું મારો પ્રયત્ન કરું કે અભિપ્રાય આપું એ પહેલાં એવાં ઘણાં હિતેચ્છુ હતા કે, જે મારે બદલે યુરોપમાં મારે માટે પતિ શોધી રહ્યા હતા. મારા અંકલ લોરેન ચાર્લ્સ મારી પરવાનગી વગર મારા લગ્ન માટે વચન આપવા લાગ્યા ત્યારે મેં વિરોધ કર્યો હતો. એમણે રાજકુમાર ડોન કાર્લોસ સાથે મારા વિવાહનો પ્રસ્તાવ મંજૂર કરી લીધો, તો બીજી તરફ સ્પેઈનના રાજા ફિલિપ(સેક્ધડે) પણ મારા હાથની માગણી કરી. હું આ બધા સમય દરમિયાન
એલિઝાબેથ(પ્રથમ)ને મારી બહેન અને હિતેચ્છુ સમજતી હતી. સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે બહુ અંતર નથી એટલે નિયમિત હું એને મળવા જતી અને જ્યારે મળતી ત્યારે આ બધી રાજ ખટપટોનો ઉલ્લેખ કરીને એની સલાહ માનતી. એણે મને રોબર્ટ ડૂડલે સાથે લગ્ન કરવાનું સૂચન કર્યું. એલિઝાબેથ(પ્રથમ) રોબર્ટ ડૂડલે પર બહુ ભરોસો કરતી. એ પ્રોટેસ્ટન્ટ હતા, તેથી એમણે એલિઝાબેથ(પ્રથમ)ને પ્રોટેસ્ટન્ટ સાથે સમાધાન કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ ઉપરાંત કેથલિક અને પ્રોટેસ્ટન્ટ વિવાદની સમજૂતીમાં પણ મદદ કરીને એમણે એલિઝાબેથ(પ્રથમ)ની સત્તા મજબૂત કરી હતી. એલિઝાબેથે મને એવું સૂચન કર્યું કે જો હું રોબર્ટ ડૂડલે સાથે લગ્ન કરી લઉં તો ઇંગ્લેન્ડના દરબારમાં એની હાજરીથી જ મારું પ્રતિનિધિત્વ વધશે અને એની ઉત્તરાધિકારી તરીકે એ મારું નામ મૂકવાનું વિચાર કરી શકે છે.. પરંતુ રોબર્ટ ડૂડલે એકદમ જિદ્દી, રૂઢિચુસ્ત અને અણગમો ઊપજાવે એવો માણસ હતો. એની સામે સ્કોટલેન્ડમાં એક ફ્રેન્ચ કવિ પિયરે ડી બોસ્કોસેલ તરફ હું આકર્ષાઈ હતી. સ્કોટલેન્ડ આવ્યા પછી આ પહેલો માણસ હતો, જે મને મારા ફ્રેન્ચ વિચારો અને કલા પરત્વેની અભિરૂચિ સાથે સમજતો હતો.
એલિઝાબેથ અને રોબર્ટ ડૂડલેના જાસૂસો દ્વારા મારા અને પિયરેના સંબંધનો વિશે જાણ થઇ. એણે સુરક્ષાના બહાને મારા શયનખંડમાં અચાનક સૈનિકોને મોકલીને પિયરેને મારા બેડ નીચેથી પકડી પાડ્યો. આખા યુરોપમાં એ વાત ફેલાઈ ગઈ. પિયરેને ચારિત્રહનનના આક્ષેપોમાં સ્કોટલેન્ડમાંથી હાંકી કાઢવામાં આવ્યો. પિયરે પર દેશદ્રોહનો મુકદમો ચાલ્યો અને એને ‘એક્ઝિક્યુટ’(માથું કાપીને) મારી નાખવામાં આવ્યો.
એ સમયે મારો એક અંગ્રેજ કઝિન લોર્ડ ડાર્ન્લે મને મળવા માટે થોડા દિવસ સ્કોટલેન્ડ આવ્યો. ડાર્ન્લેના માતા-પિતા સ્કોટિશ કુલીન સમાજમાંથી હતા. એમની પાસે ઇંગ્લેન્ડમાં ખૂબ જમીનો અને બે મહેલો હતા. ડાર્ન્લે પોતે કલાપ્રેમી હતી અને ફ્રાન્સમાં ભણ્યો હતો, એથી એને ફ્રેન્ચ કલ્ચર માટે ખાસ લાગણી હતી. એ થોડો વખત માટે સ્કોટલેન્ડ રોકાયો. અમે અવારનવાર ઘોડેસવારી અને ડિનર માટે મળ્યા. મને લાગ્યું કે ડાર્ન્લે મારા માટે સાચો ઉમેદવાર છે. ૨૯ જુલાઈ ૧૫૬૫ના દિવસે અમે લગ્ન કરી લીધા. અમે બંને કેથલિક હતા અને કઝિન ભાઈ-બહેનોને એકબીજા સાથે લગ્નની અનુમતિ કેથલિક ધર્મ આપતો નથી, તેથી આ લગ્નનો જબરજસ્ત વિરોધ થયો. સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ, સ્પેઇન અને આયર્લેન્ડમાંથી અનેક લોકોએ અમને લગ્ન તોડી નાખવાનો આગ્રહ કર્યો, પરંતુ હું ડાર્ન્લેને પ્રેમ કરતી હતી અને એને કોઈ રીતે છોડવા તૈયાર નહોતી. અમારા આ લગ્નથી એલિઝાબેથ વધુ ચિંતિત થઈ, કારણ કે હેનરી સ્ટુઅર્ટ લોર્ડ ડાર્ન્લે અને હું બંને ઇંગ્લેન્ડની ગાદીની સૌથી પહેલી દાવેદાર હેનરી(એઈટ્થ) માર્ગારેટના વંશજ હતાં, જેને કારણે હવે ઇંગ્લેન્ડની ગાદી પર હવે મારો દાવો વધુ મજબૂત થઇ ગયો.
ડાર્ન્લે અને મારું લગ્ન શરૂઆતમાં તો બહુ સરસ ચાલ્યું, પરંતુ સ્કોટલેન્ડની રાણીનો પતિ હોવાને કારણે ડાર્ન્લે વધુ ને વધુ ઘમંડી થતો ગયો. એણે ક્રાઉન મેટ્રિમોનિયલ(વિવાહને કારણે મળતું રાજ)ની માગણી કરી અને સ્કોટલેન્ડ પર પોતાના સહઅધિકારી હોવાની જાહેરાત કરવાનો મને આગ્રહ કરવા લાગ્યો. એ પ્રોટેસ્ટન્ટ સાથે મળીને ષડયંત્રો કરવા લાગ્યો, એટલું જ નહિ જે લોકો મારા વિશ્ર્વાસુ હતા, તેમને મારી વિરુદ્ધ કરવા માટે સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરવા લાગ્યો. એ હદ સુધી કે મારા સૌથી નિકટના સલાહકાર ડેવિડ રિજિજઓને મારી નજર સામે કતલ કરી નાખવામાં આવ્યો, ત્યારે હું ગર્ભવતી હતી. મારા પુત્ર જેમ્સનો જન્મ થયો ત્યારે અમે જુદા જુદા ઓરડામાં સૂવાનું શરૂ કરી દીધું હતું.
આ પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ડાર્ન્લેની સમસ્યા ઉપર ચર્ચા કરવા માટે ક્રેગમિલરના કિલ્લામાં હું અને મારા વિશ્ર્વાસુ દરબારીઓ ભેગા થયા. ડાર્ન્લેને કઈ રીતે હટાવવો એ વિશે અમે ઘણો વિચાર કર્યો. અમારી આ મીટિંગ વિશે ડાર્ન્લેને જાણ થઇ ગઈ હોવી જોઈએ. કારણ કે, એણે અચાનક ગ્લાસગોમાં એના પિતાની એસ્ટેટ પર રહેવા જવાનો નિર્ણય કરી લીધો… થોડા વખત પછી મેં એને સમજાવીને એડેનબર્ગ રહેવા બોલાવ્યો, પણ એ મહેલમાં રહેવા ન આવ્યો. હું રોજ એને મળવા જતી. અમારી વચ્ચે સંબંધ સુધરે એવા પ્રયાસ પણ મેં કર્યા પરંતુ નવ ફેબ્રુઆરી ૧૫૬૭ની રાત્રે અમે સાથે જમ્યા અને પછી હું મારા મહેલ પર પાછી ફરી. એ દિવસે રાત્રે ડાર્ન્લેના એ ઘરમાં ભયાનક વિસ્ફોટ થયો, ડાર્ન્લે પોતાના બગીચામાં મૃત હાલતમાં મળ્યો, પણ એના શરીર ઉપર કોઈ હિંસાનું નિશાન કે ઘાવ નહોતો. મારા વિશ્ર્વાસુ બોથવેલના અર્લ, જેમ્સ સ્ટુઅર્ટ, મારા મંત્રી મેટલેન્ટ અને મોર્ટનના અર્લ ઉપર એમની હત્યાનો મુકદમો ચાલ્યો, પરંતુ કોઈ સાબિતિ ન મળી, એટલે અંતે ૧૨ એપ્રિલે એમનો કેસ રફે-દફે કરી નાખવામાં આવ્યો…
મને હાશ થઇ! પરંતુ, એ નિરાંત બહુ ટકી નહીં.(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular