Homeઆમચી મુંબઈદોઢ કરોડની ખંડણી માટે ડોમ્બિવલીથી અપહરણ કરાયેલા બાળકનો ત્રણ દિવસે સુરતથી છુટકારો

દોઢ કરોડની ખંડણી માટે ડોમ્બિવલીથી અપહરણ કરાયેલા બાળકનો ત્રણ દિવસે સુરતથી છુટકારો

પોલીસની ૨૦ ટીમ તપાસમાં લાગી: દંપતી સહિત પાંચ આરોપી સુરતથી પકડાયાં

(અમય ખરાડે)
આરોપીની શોધમાં પોલીસે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો અને જંગલમાં ફાંફાં મારવાં પડ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડોમ્બિવલીથી ૧૨ વર્ષના બાળકનું અપહરણ કરી તેના પિતા પાસેથી દોઢ કરોડ રૂપિયાની કથિત ખંડણી માગવાના કેસમાં પોલીસે દંપતી સહિત પાંચ જણની સુરતથી ધરપકડ કરી બાળકને છોડાવ્યો હતો. પોલીસને અવઢવમાં મૂકવા ચાલાક આરોપી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તાર અને જંગલમાંથી પસાર થવાની સાથે વારંવાર વાહન બદલતા હતા. આખરે અપહરણના ત્રણ દિવસ પછી પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ડોમ્બિવલીની માનપાડા પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ માસ્ટરમાઈન્ડ ફરહદશાહ ફિરોઝશાહ રફાઈ (૨૬), તેની પત્ની નાઝિયા રફાઈ (૨૫), પ્રેમિકા શાહીન મેહતર (૨૭), બહેન ફરહીન પ્રિન્સકુમાર સિંહ (૨૦) અને બનેવી પ્રિન્સકુમાર રામણમીના સિંહ (૨૪) તરીકે થઈ હતી. મુખ્ય આરોપી રફાઈ, પત્ની નાઝિયા અને તેની પ્રેમિકા શાહીન ગુજરાતના રાજકોટના વતની છે, જ્યારે બહેન-બનેવી ભાવનગરમાં રહેતાં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. હાલમાં બધા આરોપી પાલઘરમાં ભાડેના ઘરમાં રહેતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી રણજિત ઝા (૪૨)નો પુુત્ર રુદ્રા બુધવારની સવારે આઠ વાગ્યાની આસપાસ ટ્યૂશને જવા ઘરેથી નીકળ્યો હતો. સવારે ૧૦ વાગ્યા છતાં તે ઘરે પાછો ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. એ જ વખતે અજાણ્યા નંબર પરથી ફરિયાદીને ફોન આવ્યો હતો. ફોન કરનારા શખસે બાળકને છોડવા એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. રૂપિયા ન આપે તો બાળકને જાનથી મારવાની ધમકી આપી હતી. આ પ્રકરણે ફરિયાદીએ માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેસની તપાસ માટે ઝોનનાં દરેક પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓની ૨૦ ટીમ બનાવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં બાળકનું સફેદ કારમાં અપહરણ કરાયું હોવાનું જણાયું હતું. સંબંધિત કારને ટ્રેસ કરવા અધિકારીઓની બીજી છ ટીમ તૈયાર કરાઈ હતી.
બાળકના અપહરણ બાદ આરોપીઓની કાર મુખ્ય રસ્તા પરથી પસાર થવાને બદલે અંતરિયાળ માર્ગો પરથી ગામડાઓમાંથી પસાર થઈ હોવાનું જણાયું હતું. વળી, વાહનની વારંવાર નંબર પ્લૅટ બદલવામાં આવતી હતી તો બેથી ત્રણ વાર આરોપીઓએ વાહન પણ બદલ્યાં હતાં. ફરિયાદી પાસેથી ખંડણીની રકમ ન મળતાં આરોપીએ બીજે દિવસે ફરી ફોન કર્યો હતો અને દોઢ કરોડ રૂપિયાની માગણી કરી હતી. આ રકમ ત્રણ કલાકમાં તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું હતું. ખંડણીના બન્ને કૉલ ચોરીના મોબાઈલ ફોન પરથી અને નાશિક ખાતેથી કરવામાં આવ્યા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસની ટીમે નાશિકમાં તપાસ કરતાં પોલીસને માત્ર ગેરમાર્ગે દોરવા આરોપીએ ચાલાકી વાપરી હોવાનું જણાયું હતું. દરમિયાન વાહનને ટ્રેસ કરનારી પોલીસની ટીમ મોખાડા પહોંચી હતી. એ જ સમયે આરોપીઓની કાર મોખાડાના એક ગામમાંથી પવન વેગે જંગલ તરફ ગઈ હતી. પોલીસે પીછો કરતાં જંગલ પરિસરમાં વાહનને છોડી આરોપીઓ કોતરોમાંથી ભાગતા પસાર થઈ ગયા હતા. આસપાસના ગામડામાં પોલીસે આરોપીઓની વિગતો ફરતી કરી હતી અને માહિતી આપનારાને ૫૦ હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત સુધ્ધાં કરી હતી.
દરમિયાન તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી વિરુદ્ધ ગુજરાતમાં ડબલ મર્ડર, ચોરી અને ગેરકાયદે દારૂની હેરફેરના ગુના નોંધાયેલા છે. પરિણામે આરોપીઓ ગુજરાતમાં ફરાર થવાની શક્યતાને જોતાં ગુજરાત પોલીસને પણ એલર્ટ કરાઈ હતી. બીજી બાજુ, આરોપીઓના પાલઘર ઘર નજીક તપાસ કરતાં શુક્રવારની રાતે એક ટેમ્પોમાં સામાન લઈને પરિવાર પસાર થઈ ગયો હોવાનું શનિવારની સવારે જાણવા મળ્યું હતું. માહિતીને આધારે ગુજરાતના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે મહારાષ્ટ્ર પોલીસ સાથે ઠેકઠેકાણે નાકાબંધી અને દરોડા પાડ્યા હતા. સુરતના એક ઘરમાંથી આરોપીઓને તાબામાં લઈ બાળકનો હેરખેમ છુટકારો કરાવાયો હતો.ઉ

RELATED ARTICLES

Most Popular