ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં 21 વર્ષની પરિણીત હિંદુ યુવતીએ વિધર્મી યુવક પર અપહરણ, છેતરપિંડી અને રેપનો આરોપ લગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર યુવકે નામ બદલીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને એક દિવસ તેને મળવાના બહાને બોલાવીને કિડનેપ કરી હતી અને ત્રણ દિવસ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતી ઘરે ન આવતા પરિવારે પોલીસ સ્ટેશનમાં જઈને ગુમ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી હતી કે યુવતીનું અપહરણ થયું છે. તેને શોધીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પીડિતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેના મોબાઈલમાં સોનુ સિંહ નામના એક યુવકનો ફોન આવ્યો હતો અને તે ક્ષત્રિય પરિવારથી હોવાનું જણાવ્યું હતું. જે બાદ તે ફોન પર તેની સાથે વાત કરવા લાગી હતી અને તેના પ્રેમમાં પડી ગઈ હતી. યુવકે યુવતીને વિશ્વાસમાં લઈને મળવા બોલાવી હતી. ત્યાંથી તે યુવતીને એક ઘરમાં લઈ ગયો. ત્યારે યુવતીને જાણ થઈ કે તેના પ્રેમીનું નામ સોનુ સિંહ નથી, પરંતુ સલીમ છે. આ વાતનો તેણે વિરોધ કર્યો તો સલીમે ધર્માંતરણનું દબાણ કરીને લગ્ન કરવા કહ્યું. યુવતીએ મનાઈ કરી તો તેણે ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો.
આ મામલે હિંદૂવાદી સંગઠનને જાણ થઈ તો તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે પીડિતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સાસરાવાળાઓ તેનું શોષણ કરતાં હોવાથી તે તેના માતા-પિતા પાસે રહેતી હતી. પોલીસ આરોપીની ધરપકડ કરીને તેની પુછપરછ કરી રહી છે.