વિદેશી નોકરીને લાત મારી ગોબરને ગળે લગાડ્યું

પુરુષ

કવર સ્ટોરી – નિધિ ભટ્ટ

આજકાલના યુવાનોને તો શું, માતા-પિતાને પણ પોતાનાં સંતાનો વિદેશમાં જઈ ભણે અને ત્યાં જ વસે તેનું ઘેલું લાગ્યું છે. ભારતમાં ઓછી તકો અને હજુ પણ સામાજિક રૂઢિઓને લીધે યુવાનો વિદેશ ભણી દોટ મૂકે છે. ઘણા કેસમાં કડવા અનુભવો પણ થાય છે, તેમ છતાં વિદેશમાં વસવાનો મોહ લોકોમાં ઓછો થતો નથી. રૂપિયાનું સતત અવમૂલ્યન થતાં અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મળતાં પગાર અને સવલતો યુવાનોને આંજે છે ત્યારે એક એવો યુવાન પણ છે જેણે વિદેશની નોકરીને તો લાત મારી જ છે, પરંતુ શહેરોમાં પણ રહેવાનું પસંદ ન કરતાં પોતાના ગામમાં રહી ગોબરને ખુંદી રહ્યો છે અને ગ્રામજનોના જીવનમાં સુવાસ ફેલાવી રહ્યો છે.
આ સાથે સંયોગ એવો પણ છે કે એક તરફ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જગજાહેર છે ત્યારે બીજી બાજુ આ દેશી જુવાન પણ ગુજરાતનો જ છે. ગુજરાતના ગોધરાથી ૪૦ કિલોમીટર દૂર આવેલા ગામમાં રહેતો રાહુલ ધારિયા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તે ગૌસેવામાં વિશેષ રુચિ ધરાવે છે.
તે છેલ્લાં પાંચ વર્ષથી દેશી ગાયના ગોબર પર સંશોધન કરે છે અને પોતે ગાયના ગોબરની ઘડિયાળ, મોબાઈલ સ્ટેન્ડ, મૂર્તિ સહિતની ચીજો બનાવે છે. ગોધરાની પાસે દેવગઢ બારિયા ગામમાં રાહુલ વેટરિનરી ડોક્ટર છે. હાલમાં તે બે ગૌશાળાને સંભાળવાનું કામ કરે છે. આ સાથે તે પંચગવ્ય ચિકિત્સા અને દેશી ગાયના ગોબરથી ઘણી વસ્તુઓ પણ બનાવે છે. ૩૨ વર્ષીય ડો. રાહુલે વર્ષો પહેલાં ગામમાં જ રહી પ્રકૃતિના ખોળે રમવાનો નિર્ણય કર્યો.
તે પાંચ વર્ષથી દેશી ગાયના ગોબર પર સંશોધન કરી રહ્યો છે. આ ગોબરનો લાભ અને તેના વૈજ્ઞાનિક ફાયદાઓ જાણ્યા બાદ જ તેણે પંચગવ્ય ચિકિત્સાની સાથે ગોબરને દરેક ઘરમાં પહોંચાડવાનો અને તેમાંથી પ્રોડક્ટ્સ બનાવવાનો નિર્ણય લીધો હતો.
તે દેશી ગાયના ગોબરમાં પ્રાકૃતિક ગુંદર મેળવીને ઘણાં સારાં પ્રોડક્ટ બનાવે છે. સાથે સાથે તેણે ગામની અમુક મહિલાઓને પણ તાલીમ આપવાનું શરૂ કર્યું. તે કહે છે કે હું જ્યાં રહું છું તે આદિવાસી વિસ્તાર છે. અહીં ખેતી અને પુશપાલન જ રોજગારીનાં મુખ્ય સાધનો છે. ગાયના ગોબરનાં પ્રોડક્ટ્સ બનાવી આ મહિલાઓ પણ નવા રોજગાર મેળવી રહી છે.
ડો. રાહુલ ધારિયાએ મથુરામાં વેટરિનરી કોલેજમાંથી ડોક્ટરની ડિગ્રી મેળવી, પણ ત્યારે જ વિચારી લીધું હતું કે પોતે અભ્યાસ બાદ નોકરી કરશે નહીં. જોકે આ વિચારનું બીજ તેનામાં નાનપણથી જ પડ્યું હતું. તેના ઘરે પહેલાં ગાય હતી, પણ ધીમે ધીમે ગાયપાલન ઓછું થઈ ગયું. તેના નાનાના ઘરે ગાય હતી, તેની કાળજી લેતો. તેણે શહેરી જીવન અને ઊંચી નોકરીનાં સપનાં ક્યારેય જોયાં નથી, આથી તેને વિદેશમાં મળેલી એક સારી નોકરી પણ ન સ્વીકારી, જેથી તે ભારતમાં રહીને જ કામ કરી શકે.
ડો. રાહુલ કહે છે કે અભ્યાસ બાદ મેં થોડા સમય માટે સરકારી હોસ્પિટલમાં કામ કર્યું, પણ મારે પ્રકૃતિથી જોડાઈ શકું તેવું કોઈ કામ કરવું હતું અને ગૌસેવા સાથે જોડાવું હતું. એટલે મેં પોતાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું અને સાથે ગૌસેવા પણ કરવા લાગ્યો. રાહુલે પોતાની પારિવારિક જમીન પર પ્રાકૃતિક ખેતી અને પશુપાલનની શરૂઆત કરી. તેણે ગીર ગાયને પોતાના ખેતરે રાખવાનું શરૂ કર્યું. તે જ વર્ષમાં તેણે મથુરામાં પણ ગીર ગાય સાથે એક ગૌશાળા શરૂ કરી.
પણ સમય સાથે તેને લાગ્યું કે માત્ર ગાયના દૂધથી ગૌશાળા નહીં ચાલે, એટલે તેણે પંચગવ્ય ચિકિત્સા અને ગાયના ગોબર વિશે સંશોધન કરવાનું શરૂ કર્યું.
હાલમાં બજારમાં ગાયના ગોબરનાં પ્રોડક્ટ્સનો ખડકલો થઈ ગયો છે, પરંતુ ડો. રાહુલ ઈચ્છતો હતો કે તેની બનાવટો એકદમ પ્રાકૃતિક હોય, આથી તેણે વૃક્ષોમાંથી નીકળતા ગુંદરને ભેળવી વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું અને અંતે મૈંદા લાકડીનો ગમ મિલાવી પોતાનાં પ્રોડક્ટ્સને ફાઈનલ રૂપ આપ્યું. તેણે ફિનિશિંગ માટે એક ગોબર પ્રેસ મશીન પણ ખરીદ્યું. પ્રેસ મશીનના ઉપયોગથી તેની વસ્તુઓ દેખાવમાં પણ સુંદર લાગવા માંડી.
હાલમાં તે ગણેશજી, મોબાઈલ સ્ટેન્ડ, ઘડિયાળ, તોરણ સહિત ઘણી વસ્તુઓ બનાવે છે. અમુક વસ્તુઓ તે બનાવીને ડિઝાઈનિંગ માટે કચ્છ મોકલે છે. રાહુલ કહે છે કે ઘણા લોકોને કચ્છી ડિઝાઈન ઘણી પસંદ હોય છે, આથી અમે તોરણ જેવી વસ્તુઓ બનાવી કચ્છી કલાકારોને મોકલીએ છીએ.
જ્યાં તેઓ આ ફાઈનલ પ્રોડક્ટ્સ પર ડિઝાઈન બનાવે છે. રાહુલ હવે પ્રોડક્શન પર વિશેષ ધ્યાન આપે છે, જેથી ગોબરથી બનેલી વસ્તુઓને સારું
એવું બજાર મળે. જોકે તે ગુજરાતનાં ઘણાં શહેરોમાં પણ પોતાની વસ્તુઓ વેચે છે, જેને લોકો ઘણી પસંદ
કરે છે.
ગાયને આપણે માતા તરીકે પૂજીએ તો છીએ, પરંતુ બીજી બાજુ તે એક વાર દૂધ આપતી બંધ થાય ત્યારે તેને હડસેલી મૂકતાં પણ લોકો વિચાર કરતા નથી. ગાયના દૂધ કરતાં પણ તેનાં ગોબર અને ગૌમૂત્ર વધારે મૂલ્યવાન છે તે વાત ધીમે ધીમે લોકોને સમજાઈ રહી છે ત્યારે ડો. રાહુલ જેવા શિક્ષિત યુવાનો આ ભગીરથ કામ સાથે જોડાય તો આપણી ગાયો અને ગ્રામ્યજીવન બન્ને સચવાઈ રહે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.