બીકેસી-નવી મુંબઈ વચ્ચે દોડશે પ્રિમિયમ બસ સેવા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘બેસ્ટ’ની ૧૦ હજાર અપડેટેડ ઈલેક્ટ્રિક બસ વર્ષ ૨૦૨૬ સુધીમાં મુંબઈકરોની સેવામાં દાખલ કરવાની યોજના છે. આ દરમિયાન બેસ્ટ ઉપક્રમે બાંદરા-કુર્લા કૉમ્પલેક્સ (બીકેસી)થી નવી મુંબઈના ખારઘર વચ્ચે પ્રિમિયમ બસ સેવા ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. ડિસેમ્બરમાં જ બેસ્ટ ઉપક્રમે થાણેથી બીકેસી વચ્ચે આવી લકઝરી બસ ચાલુ કરી હતી.
થાણેથી બીકેસી અને ખારઘરથી બીકેસી સિવાય ચેંબુરથી કફ પરેડ, થાણેથી પવઈ આ બે માર્ગ પર પણ બેસ્ટની પ્રિમિયમ બસ ચાલુ કરવામાં આવવાની છે.
આ દરમિયાન ખોટ ખાતી બેસ્ટને નફો કરતી બનાવવાની બેસ્ટ ઉપક્રમની યોજના હોવાનું તાજેતરમાં બેસ્ટના જી.એમ. લોકેશ ચંદ્રાએ કહ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર કોરોના સમયગાળા પછી મુંબઈ અને તેની આસપાસના ૫૯૦ રૂટ ઘટાડીને ૪૯૦ રૂટ કરવા છતાં મુસાફરોની સંખ્યા ૩૫ લાખ પર પહોંચી ગઈ છે. બસોની ચોક્કસ સ્થિતિ જાણવા માટે લાઈવ ટ્રેકિંગ એપ બનાવવામાં આવી હતી.
મુંબઈના લગભગ ૩૭ લાખ લોકોએ બેસ્ટ એપ ડાઉનલોડ કરી છે. ડેઇલી પાસ સિસ્ટમમાં નાના ફેરફારો કરવામાં આવ્યા છે. પાસ ૭, ૧૪, ૨૧ દિવસ માટે તૈયાર કરવામાં આવ્યા છે.