લંડન/નવી દિલ્હીઃ ત્રણ દિવસ પૂર્વે ખાલિસ્તાની સમર્થકોએ લંડનમાં ઈન્ડિયન હાઈ કમિશનની કચેરી પર હુમલો કર્યો હતો ત્યારબાદ ફરી બુધવારે ખાલિસ્તાની સમર્થકોએ કચેરીની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા કચેરીની આસપાસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને બેરિકેડસ લગાવવામાં આવ્યા છે. ખાલિસ્તાની સમર્થકોએ બુધવારે બેરિકેડસ સામે ઊભા રહીને ખાલિસ્તાની ઝંડા લઈને પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનને લઈ પોલીસે બેરિકેડસ લગાવવામાં આવ્યા હતા તથા પોલીસની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. મધ્ય લંડનમાં ઈન્ડિયા પ્લેસથી જાણીતી બિલ્ડિંગની બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારી સાથે સાથે પોલીસ ફોર્સ જોવા મળી હતી. દરમિયાન બીજી બાજુ પાટનગર દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશન બહાર રાખવામાં આવેલા બેરિકેડસ હટાવવામાં આવ્યા હતા. જોકે, સુરક્ષા વ્યવસ્થા તો જૈસે થૈ છે. પાટનગર દિલ્હીની પોલીસે કહ્યું હતું કે બ્રિટિશ હાઈ કમિશનની ઓફિસની બહારની સુરક્ષા વ્યવસ્થા જૈસા થૈ, જેમાં કોઈ ફેરફાર કર્યા નથી. અહીંની કચેરીની આસપાસના બેરિકેડસ હટાવી દેવામાં આવ્યા છે, જેથી લોકોને અવરજવર કરવામાં કોઈ હાલાકી પડે નહીં. રવિવારની ઘટના પછી બ્રિટિશ અધિકારીઓએ કહ્યું હતું કે બ્રિટનની સરકાર ભારતીય હાઈ કમિશનની સુરક્ષાની બાબતને ગંભીરતાથી લઈ રહી છે. વિરોધ પ્રદર્શન કરનારા એક જૂથના લોકોએ અલગાવવાદી ખાલિસ્તાની ઝંડા લહેરાવવાની સાથે ભારતીય હાઈ કમિશનની કચેરીમાં તોડફોડ કરવાની ઘટનાને અપમાનજનક અને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણાવીને તેની ટીકા કરી હતી. ત્યારબાદ ગુસ્સે થયેલા ભારતીય સમુદાયના જૂથે પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો જોડાયા હતા અને ભારતીય તિરંગો ફરકાવીને ભારતીય એકતાનો પરિચય કરાવ્યો હતો. હાઈ કમિશનની બહાર મોટી સંખ્યામાં હાજર રહેલા ભારતીયોએ પણ ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’નો સૂત્રોચ્ચાર કર્યા હતા.