હવે, આવતીકાલે ફાઈનાન્સ બિલ પસાર થવાની અપેક્ષા
નવી દિલ્હીઃ પાર્લામેન્ટ સેશનનું બજેટ સત્ર પણ પાણીમાં જવાનું લાગી રહ્યું છે, જેમાં એક બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનમાં કરેલા નિવેદનને લઈ સત્તાધારી પક્ષના નેતાઓ રાહુલ માફી માગે વાત પર અડગ રહ્યા છે, જ્યારે વિપક્ષો પણ અદાણી ગ્રૂપના મુદ્દે જેપીસી ગઠનની માગણી કરવા પર પણ અડગ છે. છેલ્લા સાત દિવસથી પાર્લામેન્ટનું સેશન ચાલ્યું નથી, જેમાં આજે સતત સાતમા દિવસે હંગામાને કારણે ચાલ્યું નહોતું, જે 24મી માર્ચ (શુક્રવાર)ના સવાર સુધી સ્થગિત રાખવામાં આવ્યું હતું. સદન સ્થગિત રહ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમુક વરિષ્ઠ પ્રધાન લોકસભાના સ્પીકરના રુમમાં જઈને તેમને મળ્યા હતા. દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને આ હંગામાને દૂર કરવા માટે તમામ પક્ષના ફ્લોર લીડર્સની સાથે બેઠક પણ કરી હતી, જેમાં દસ મહત્ત્વના મુદ્દામાં લોકસભામાં તમામ મંત્રાલયની ગ્રાન્ટ માગણી મુદ્દે વોટિંગ કરવામાં આવ્યું હતું અને એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં હાજર રહ્યા હતા અને વિપક્ષના સાંસદ જેપીસીની માગણીને લઈ હંગામો કરતા રહ્યા હતા અને મોદી-અદાણી ભાઈ ભાઈના સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રાન્ટની માગણી કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા પછી લોકસભાની કાર્યવાહી આવતીકાલે સવારે અગિયાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. જો સેશન ચાલશે તો આવતીકાલે ફાઈનાન્સ બિલને પસાર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષના નેતાઓએ ગુરુવારે અદાણી ગ્રૂપ સંબંધિત કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની નિમણૂક કરવાની માગણીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યસભામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના મલ્લિકાર્જુન ખરગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ, ડીએમકેના ટીઆર બાલુ, સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવ સહિત અન્ય પક્ષના નેતા સામેલ રહ્યા હતા. સામે પક્ષે સત્તાધારી પક્ષના નેતાઓએ લોકસભામાં રાહુલ ગાંધી માફી માંગે અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે જવાબમાં વિપક્ષના સભ્યોએ કહ્યું હતું કે બોલને દો, બોલને દો…રાહુલજી કો બોલને દોના નારા લગાવ્યા હતા.