Homeએકસ્ટ્રા અફેરખડગેનો લવારો, આઝાદી માટે કૉંગ્રેસીઓ જ નથી લડ્યા

ખડગેનો લવારો, આઝાદી માટે કૉંગ્રેસીઓ જ નથી લડ્યા

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

આપણે ત્યાં રાજકારણીઓ તદ્દન બેજવાબદાર અને ફાલતુ નિવેદનો કરવા માટે જાણીતા છે. એ લોકો બોલવા બેસે ત્યારે પોતે શું બોલે છે તેનું તેમને ભાન રહેતું નથી. સાવ મોં-માથા વિનાની અને હાસ્યાસ્પદ લાગે એવી વાતો કરીને એ લોકોને શું મળતું હશે એ રામ જાણે પણ આપણે ત્યાં છાસવારે આવા લવારા સાંભળવા મળે છે, તાજો દાખલો કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આઝાદીની લડતમાં ભાજપના નેતાઓના યોગદાન વિશે કરેલી વાતો છે.
મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે, દેશની આઝાદીની લડાઈમાં કૉંગ્રેસના અનેક નેતાઓએ પોતાનો જીવ આપ્યો હતો પણ ભાજપના લોકોનાં ઘરમાંથી આઝાદીની લડાઈમાં એક કૂતરું પણ મર્યું નથી. રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં યોજાયેલી એક રેલીને મલ્લિકાર્જુન ખડગે સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એલાન કરી દીધું કે, અમારી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. તેમણે ભાજપને સવાલ કર્યો કે, તમે પણ કૉંગ્રેસના નેતાઓની જેમ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું છે. તમારો કૂતરો પણ દેશ માટે મરી ગયો? તમારા પરિવારના કોઈ સભ્યે દેશ માટે પોતાનો જીવ આપ્યો છે?
મલ્લિકાર્જુન ખડગેએ એવું પણ કહેલું કે, અમે કંઈ પણ બોલીએ તો સવાલ ઊભા કરાય કે અમે દેશદ્રોહી છીએ પણ ભાજપ કંઈ પણ કહે કે પોતે તે દેશભક્ત છે. અત્યારે લોકશાહીની હાલત દયનિય છે ને તેને બચાવવા લડવાની જરૂર છે.
ખડગેના લવારા સામે ભાજપે જોરદાર વાંધો લીધો છે. સંસદમાં આ મુદ્દો ગાજ્યો અને ભાજપે હોહા કરી મૂકી. રાજ્યસભામાં ભાજપ નેતા પીયૂષ ગોયલે કહ્યું કે, ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પાયાવિહોણી વાતો કહી છે અને દેશ સામે જુઠ્ઠાણાં રજૂ કરવા પ્રયાસ કર્યો છે. આ હરકત માટે ખડગેએ ભાજપ, સંસદ અને દેશની જનતાની માફી માગવી જોઈએ. ખડગે કૉંગ્રેસના એવા રાષ્ટ્રીય પ્રમુખ છે જેમને બોલતાં પણ આવડતું નથી. ખડગે માફી નહિ માગે ત્યાં સુધી તેમને અહીં રહેવાનો હક નથી.
બીજી તરફ ખડગેનું કહેવું છે કે, પોતે જે કંઈ એ ગૃહની બહાર કહ્યું છે તેથી આ બાબતે ગૃહમાં કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. હું હજુ પણ એ જ વાત દોહરાવું છું કે આઝાદીની લડાઈમાં ભાજપની કોઈ ભૂમિકા નહોતી તેથી માફી માંગવાનો સવાલ જ પેદા થતો નથી.
ભાજપ અને ખડગે બંને આ મુદ્દે મમતે ચડ્યાં છે એ જોતાં આ વિવાદનો શું ઉકેલ આવશે એ ખબર નથી પણ આ મુદ્દે ભાજપ સો ટકા સાચો છે. મલ્લિકાર્જુન ખડગેએ જે ભાષા વાપરી એ તો વાંધાજનક છે જ પણ વાસ્તવિકતાથી પણ વેગળી છે. ખડગેએ એક રાષ્ટ્રીય પક્ષના પ્રમુખને શોભે નહીં એવી વાત કરીને કૉંગ્રેસનું તો ગૌરવ ઘટાડ્યું જ છે પણ આ દેશની આઝાદી માટે લડનારા કરોડો દેશભક્તોનું પણ અપમાન કરી નાંખ્યું છે.
ખડગેએ જે વાત કરી એ ટીપીકલ કૉંગ્રેસી માનસિકતા છે. કૉંગ્રેસ વરસોથી લોકોના મનમાં એવું ઠસાવવા મથે છે કે, દેશની આઝાદી માટે કૉંગ્રેસ જ લડી હતી ને કૉંગ્રેસીઓએ જ બલિદાન આપ્યાં પણ આ હળહળતું જૂઠાણું છે. અંગ્રેજો સામેની આઝાદીની લડત આખો દેશ એક થઈને લડ્યો હતો. કૉંગ્રેસ એ વખતે સૌથી મોટો પક્ષ હતો તેથી મોટાભાગના લોકો કૉંગ્રેસમાં જોડાતા પણ તેના કારણે ખાલી કૉંગ્રેસ જ લડી હતી એવું ના કહેવાય.
ખડગે દેશ માટે જીવનું બલિદાન આપવાની વાત કરે છે તો ખડગેએ એ પણ યાદ રાખવાની જરૂર છે કે દેશ માટે હસતાં હસતાં જીવ આપી દેનારા મોટાભાગના કૉંગ્રેસી નહોતા. શહીદ ભગતસિંહ, સુખરામ, ચંદ્રશેખર આઝાદ વગેરે દેશની આઝાદી માટે પોતાની રીતે લડ્યા ને જીવ આપી દીધો. ખડગેને સરખામણી કરવાનો શોખ હોય તો તેમની સરખામણીમાં કૉંગ્રેસીઓએ શું બલિદાન આપ્યું તેની વાત પણ કરવી જોઈએ.
ભાજપનો સવાલ છે તો ભાજપ એ વખતે અસ્તિત્વમાં નહોતો તેથી ભાજપના યોગદાનની વાત ના કરી શકાય. ભાજપનો પૂર્વાવતાર જનસંઘ ૧૯૫૧માં અસ્તિત્વમાં આવ્યો ને તેના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો. આઝાદીની લડત વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અસ્તિત્વમાં હતો. એક સંગઠન તરીકે સંગે આઝાદીની લડતમાં ભાગ ના લીધો પણ તેના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. ડૉ. હેડગેવારે સંઘના સ્વયંસેવકોને પણ વ્યક્તિગતરીતે આઝાદીની લડતમાં ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું હતું. કૉંગ્રેસે ખડગેના નિવેદનને ઝાટકવું જોઈએ ને ખડગે માફી ના માગે તો તેમને ફરજ પાડવી જોઈએ. કમનસીબી એ છે કે, કૉંગ્રેસના નેતા ખડગેનો બચાવ કરી રહ્યા છે. રાહુલ ગાંધી દેશનાં લોકોને એક કરવાના નામે ભારત જોડો યાત્રા પર નિકળ્યા છે ને તેમની જ પાર્ટીના નેતા આઝાદીની લડાઈ એક થઈને લડનારા લોકોમાં ભાગલા પાડવા નિકળ્યા છે એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત કહેવાય.
ખડગેએ વાસ્તવમાં કૉંગ્રેસની મૂળભૂત માનસિકતા છતી કરી દીધી છે. કૉંગ્રેસનું રાજકારણ અંગ્રેજોની નીતિ પર ચાલ્યું છે. અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ પર આ દેશમં દોઢસો વરસ રાજ કરી ગયા. કૉંગ્રેસે પણ એ જ નીતિ અપનાવીને સમાજને સત્તા માટે વિભાજીત કરી દીધો. નહેરૂના સમયમાં કૉંગ્રેસને જરૂર નહોતી છતાં કૉંગ્રેસે અનામત અને મુસ્લિમ તુષ્ટિકરણુનું ગંદુ રાજકારણ રમીને સમાજમાં ભાગલા પાડી દીધા.
કમનસીબે તેનાં મૂળિયાં એટલાં ઊંડાં જતાં રહ્યાં છે કે આજે આપણે ત્યાં કોઈપણ વાતને જ્ઞાતિવાદ કે કોમવાદથી ઉપર જોવામાં જ નથી આવતી. દેશના રાષ્ટ્રપતિપદે કોણ બેસશે કે ચૂંટણીમાં કોને ટિકિટ મળશે તેનો નિર્ણય પણ જ્ઞાતિવાદી સમીકરણોને આધારે થતો હોય તેનાથી વધારે શરમજનક બાબત કઈ કહેવાય? આ કૉંગ્રેસના પાપનું પરિણામ છે. કૉંગ્રેસે તેના માટે લાજવાનું હોય તેના બદલે એ આઝાદી માટે કોણ લડેલું ને કોણ નહોતું લડ્યું તેની વાતો કરીને દેશનાં લોકોમાં ભાગલા પાડવાની એ જ ગંદી રમત રમી રહી છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular