અલકનંદા અને સરસ્વતીનું સંગમ સ્થાન એટલે કેશવપ્રયાગ

ધર્મતેજ

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

માનાગામના સ્થાનિક લોકોના ઈષ્ટદેવ ઘંટાકર્ણ

જીવનનું અમૃત -ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
હવે અમે કેશવપ્રયાગની યાત્રા માટે નીકળ્યા છીએ.
અમારે સપ્તબદરીની અને સપ્તપ્રયાગની યાત્રા કરવી છે. તદ્નુસાર પ્રથમ બદરી, અર્થાત્ બદરીનાથ કે બદરીવિશાલની યાત્રા પરિપૂર્ણ થઇ છે. હવે અમે પ્રથમ પ્રયાગ અર્થાત્ કેશવપ્રયાગની યાત્રા માટે નીકળ્યા છીએ.
ક્યાં છે આ કેશવપ્રયાગ?
બદરીનાથથી પણ આગળ ઉપરવાસ ‘માનાગામ’ નામનું એક ગામ છે. આ માનાગામ પાસે અલકનંદા અને સરસ્વતીનો સંગમ થાય છે. આ બન્ને નદીના સંગમને ‘કેશવપ્રયાગ’ કહેવામાં
આવે છે.
બદરીનાથના અમારા ઉતારેથી મોટર આગળ ચાલી. અમારો ઉતારો નર-પર્વત પર છે અને માનાગામ પણ નર-પર્વત પર વસેલું છે અને તદ્નુસાર રસ્તો પણ નર-પર્વત પર જ છે. પાકો રસ્તો-ડામરરોડ છે. બદરીનાથથી માનાગામ બહુ દૂર નથી, માત્ર ૫ કિ. મી. છે, પરંતુ અમે રહ્યા પાકા યાત્રી. તદ્નુસાર ધીમે ધીમે બધું જોતાં-જોતાં જ આગળ ચાલીએ. રસ્તા ઉપર આગળ ચાલતાં સૌથી પહેલાં શેષનેત્રનાં દર્શન થાય છે. એક શિલા ઉપર શેષનેત્ર અંક્તિ થયેલાં જોવા મળે છે.
બદરીનાથથી માનાગામ જતાં રસ્તા પર ચાર જલધારાઓ જોવા મળે છે: ઋગ્વેદધારા, યજુર્વેદધારા, સામવેદધારા અને અપર્વવેદધારા, ‘સ્કંદપુરાણ’માં આ ચાર ધારાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ‘સ્કંદપુરાણ’ પ્રાચીન ભારતનો યાત્રા ગ્રંથ છે. યાત્રાસ્થાનોની ઝીણીઝીણી વિગતો આ મહાગ્રંથમાં જોવા મળે છે. આનો અર્થ એમ કે ‘સ્કંદપુરાણ’ના રચયિતાએ ભારતના તીર્થોનાં મબલખ દર્શન કરીને અને ઘણો અભ્યાસ કરીને તદ્નુસાર આ ‘સ્કંદપુરાણ’ અર્થાત્ મહાપુરાણની રચના કરી છે, માત્ર કલ્પનાના ઘોડા દોડાવ્યા નથી. દૃષ્ટાંત્: ‘સ્કંદપુરાણ’કારે જે ચાર વેદની ચાર ધારાઓનો ઉલ્લેખ કર્યો છે તે ચારેય ધારાઓ આજે પણ જોવા મળે છે. આ ચારેય ધારાઓ નર-પર્વતમાંથી નીકળીને અલકનંદાને મળે છે.
માનાગામનું મૂળ નામ મણિભદ્રપુર છે. તેમાંથી કાળાંતરે અપભ્રંશ થઇને માનાગામ બની ગયું છે.
આ માનાગામ કોઇ તીર્થસ્થાન નથી, પરંતુ માનાગામની આજુબાજુના અનેક તીર્થો છે, તદ્નુસાર માનાગામનો મહિમા ખૂબ વધ્યો છે. માનાગામ આ વિસ્તારનું ભારતીય સરહદનું છેલ્લું ગામ છે. આ માનાગામથી આગળ કોઇ માનવવસાહત નથી. હા, ભારતીય સેના છે તે વાત જુદી. આ માનાગામના મહદ્ અંશે મારચા પ્રજા અને અલ્પ અંશે હૂણિયા લોકો વસે છે. મૂલત: આ પ્રજા અહીંની આદિવાસી જનજાતિ છે. ઇ. સ. ૧૯૬૨ પહેલાં આ પ્રજા તિબેટ સાથે વ્યાપારી સંબંધથી જોડાયેલી રહી છે. તેઓ દર વરસે ભારતથી તિબેટ જતાં અને ભારતનો માલ સાટાપદ્ધતિથી તિબેટમાં વેચતા. તિબેટમાંથી ત્યાંનો માલ લઇને પરત આવીને અહીં ભારતમાં વેચતા. સદીઓથી આ જ તેમનો પ્રધાન વ્યવસાય હતો. ૧૯૬૨ના ચીની આક્રમણ પછી તેમનો આ વેપાર-વ્યવસાય બંધ થયો. હવે અહીં આજુબાજુ તેમનાં થોડાં ખેતરો છે. તદ્નુસાર થોડી ખેતી
અને ગૃહઉદ્યોગો તેમના વ્યવસાય બન્યાં છે. માનાગામમાં સારી શાળા છે અને નવી પેઢી સારી રીતે ભણતર પામી રહી છે
માનાગામમાં એક સ્થાનિક દેવનું મંદિર છે-ઘંટાકર્ણનું મંદિર. સ્થાનિક લોકોના આ ઘંટાકર્ણ જ ઇષ્ટદેવ છે. હિમાલયના આ વિસ્તારમાં ઘંટાકર્ણના બીજાં અનેક મંદિરો પણ છે. બદરીનાથ મંદિરના બાહ્ય પરિસરમાં ઘંટાકર્ણની પ્રતિમા છે જ ને! અહીંના સ્થાનિક લોકો આ ઘંટાકર્ણને ‘ઘંટિયાલદેવ’ કહે છે, તેમને પૂજે છે અને તેમને બલિદાન પણ આપે છે.
આ બધું છતાં અમે અહીં માનાગામ અને માનાગામના આ ઘંટાકર્ણ દેવનાં દર્શને નથી આવ્યા. અમારે યાત્રા અને દર્શન કરવાં છે. કેશવપ્રયાગનાં!
અહીં માનાગામ પાસે અલકનંદા અને સરસ્વતીનો સંગમ છે. આ સંગમસ્થાન તે જ કેશવપ્રયાગ છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિના અનેક તંતુઓ આ મહાન સ્થાન કેશવપ્રયાગ સાથે જોડાયેલા છે.
માનાગામમાંથી પસાર થઇને સૌથી પહેલાં અમે ગણેશગુફાનાં દર્શન માટે ગયા. અહીં ગણપતિમહારાજ કેવી રીતે અને ક્યાંથી આવ્યા? અરે! તમને એટલી પણ ખબર નથી? ગણપતિમહારાજ તો ભગવાન વ્યાસદેવના લહિયા છે. ભગવાન વ્યાસદેવજીએ તો અપરંપાર ગ્રંથોની રચના કરી છે. આ સર્વ રચનાઓનું લહિયાકર્મ ગણપતિ મહારાજે કર્યું છે. ભગવાન વ્યાસ શ્ર્લોકોની રચના કરીને બોલતા જાય અને તદ્નુસાર ગણપતિમહારાજ લખતા જાય-આવો નિર્ધારિત ક્રમ હતો. આમ, ભગવાન વ્યાસજીના લહિયા તરીકે ગણપતિમહારાજ અહીં વસે છે આ ગુફામાં. અમે ગણપતિમહારાજના દર્શન પામ્યા. પૂજારીજીની અનુમતિ મેળવીને અમે અહીં ‘ગણપતિ અથર્વશીર્ષસૂક્ત’નો પાઠ કર્યો. ગણપતિમહારાજને પ્રણામ કરીને અમે આગળ ચાલ્યા.
હવે અમે વ્યાસ ગુફા તરફ જઇએ છીએ. ઊતરતી અને ચડતી નાની પગદંડી છે અને માનાગામની વચ્ચેથી જ પસાર થાય છે. ઘરોમાં મોટા ભાગે બહેનો જ છે. પુરુષો ખેતરોમાં કે અન્યત્ર કામે ગયા હશે તેમ જણાય છે. નર-પર્વતના એક ઢાળ પર આ ગામ વસેલું છે. જગ્યા સાંકડી છે અને ઘરો નાનાં નાનાં છે. નાના સરખા ફળિયામાં પણ શાકભાજીનું વાડોલિયુ રચ્યું છે. અમે કોઇક બહેનોને પૂછીએ છીએ.
‘આ વાડોલિયામાં શુંં વાવ્યું છે?’
ઉત્તરો મોટા ભાગે આ પ્રકારના છે:
“કોબી, મરચાં, ધનિયા (ધાણા).
આ સ્થાનિક વસાહતીઓનું અભિવાદન કરતાં અને તેમનાં અભિવાદનને ઝીલતાં-ઝીલતાં અમે વ્યાસગુફા પાસે પહોંચ્યા.
બહારથી જોઇએ તો એક વિશાળ શિલા જણાય છે. આ શિલામાં રેખાઓની રચના એવી બની ગઇ છે કે જાણે એક વિશાળ કદની પોથી બની ગઇ હોય તેમ લાગે છે. અહીં લોકો આ શિલાને વ્યાસ ભગવાનની પોથી કહે છે. આ મહાશિલાની અંદર ગુફા છે. અમે અંદર પ્રવેશ કર્યો. પૂજારીજીએ સ્મિતપૂર્વક સ્વાગત કર્યું.
આ વ્યાસગુફાનો મહિમા કેટલો? અપરંપરા મહિમા! અહીં આ ગુફામાં બેસીને ભગવાન વ્યાસજીએ ચાર વેદનાં સંપાદન-વિભાગીકરણ-વર્ગીકરણનું મહાન કાર્ય સિદ્ધ કર્યું હતું. તેથી જ તેઓ વેદવ્યાસ કહેવાય છે. અહીં આ ગુફામાં બેસીને ભગવાન વ્યાસજીએ તેમના મહાન ગ્રંથ ‘મહાભારત’ અને તદંતર્ગત ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ની રચના કરી હતી. અહીં આ ગુફામાં બેસીને ભગવાન વ્યાસજીએ ‘વેદાંત દર્શન’ અર્થાત્ ‘બ્રહ્મસૂત્ર’ની રચના કરી હતી. અહીં આ ગુફામાં બેસીને ભગવાન વ્યાસજીએ અનેક પુરાણો અને અંતે નારદજીની પ્રેરણાથી ‘શ્રીમદ્ ભાગવત’ની રચના કરી હતી.
આ ગ્રંથોના લહિયા તરીકે ગણપતિજીની વરણી થઇ ત્યારે ભગવાન વ્યાસજી અને ગણપતિજી વચ્ચે કરાર થયો હતો. ગણપતિજીએ લહિયાનું કાર્ય સ્વીકારતી વખતે શરત મૂકી:
“મારી લેખિની સતત ચાલતી રહેશે, વચ્ચે વિરામ આવવો ન જોઇએ. તે માટે, ભગવાન વ્યાસજી, આપે સતત શ્ર્લોકો રચીને બોલતા જ રહેવું પડશે. વચ્ચે વિરામ આવશે તો હું આ લહિયા તરીકેનું કાર્ય છોડી દઇશ.
ભગવાન વ્યાસજીએ આ શરત સ્વીકારી અને સામી પોતાની શરત મૂકી:
“ગણપતિજીએ પ્રત્યેક શ્ર્લોક સમજી-સમજીને જ લખવાનો રહેશે. સમજયા વિના તેમણે કશું જ લખવું નહીં.
ગણપતિજીએ પણ ભગવાન વ્યાસજીની આ શરત મંજૂર રાખી.
ભગવાન વ્યાસજી ધારાની જેમ શ્ર્લોકો રચીને બોલતા રહે છે અને ગણપતિજી સમજી-સમજીને લખતા રહે છે. વચ્ચે વચ્ચે ભગવાન વ્યાસજી કૂટપ્રશ્ર્ન જેવો રહસ્યપૂર્ણ શ્ર્લોક રચીને લખાવે છે. શરત પ્રમાણે આ શ્ર્લોકનો અર્થ સમજીને લખવાનું છે. ગણપતિજી આ કઠિન શ્ર્લોકનું અર્થ સમજવા માટે વિચાર કરે છે. તેમાં થોડો સમય લાગે છે અને તેટલા સમયમાં વ્યાસજી બીજા અનેક શ્ર્લોકો રચી દે છે અને આમ ગ્રંથરચનાનો અખંડ ક્રમ ચાલે છે.
ભગવાન વ્યાસની એક પ્રાચીન મૂર્તિ તો આ ગુફામાં છે જ, હવે નવી મૂર્તિ પણ મુકાઇ છે. શુક્રદેવજીની મૂર્તિ પણ મૂકવામાં આવી છે. પૂજારીજીનું નિવાસસ્થાન બાજુમાં જ છે. પૂજારીજી સાથે નિરાંતે સારો સત્સંગ થયો અને અમે જ્ઞાનવારિધિ ભગવાન વ્યાસજીને પ્રણામ કરીને આગળ ચાલ્યા.
હવે અમારે ભીમપુલ જવું છે. ફરીથી માનાગામના વાંકાંચૂકાં મકાનો વચ્ચેથી પસાર થતી વાંકીચૂકી પગદંડી પરથી પસાર થતા અમે આગળ ચાલ્યા. આ ભીમપુલ શું છે? સરસ્વતી નદી પર બે વિશાળ શિલાઓ દ્વારા કુદરતીરીતે જ બની ગયેલો આ પુલ છે. લોકમાન્યતા એવી છે કે આ શિલાઓની ગોઠવણ ભીમસેને કરી હતી, તેથી આ ‘ભીમપુલ’ કહેવાય છે. પહેલાં તો માત્ર શિલાઓ જ હતી અને શિલાઓ જ પુલ તરીકે કામ આપતી અને આ શિલાઓ પર ચાલીને યાત્રીઓ સરસ્વતી નદી પાર કરી શકતા. હવે આ કુદરતી પુલને થોડો મઠારવામાં આવ્યો છે.
અમે ભીલપુલ પહોંચ્યા. આ ભીમપુલની નીચેથી પ્રચંડ અવાજ કરતી સરસ્વતી નદી વહી રહી છે. અહીં શિલાઓનું જાણે એક અરણ્ય છે અને આ શિલાઓ વચ્ચેથી સરસ્વતી પ્રચંડ અવાજ કરતી વહે છે. ભીમપુલ પર ઊભા રહીને આ સરસ્વતીના ઉછાળા જોયા જ કરો-કલાકો સુધી જોયા જ કરો. કંટાળો આવે જ નહીં. સરસ્વતીનો આ વેગ, આ નાદ અને આ જળરાશિ-આ બધું પ્રથમ દૃષ્ટિએ લૌકિક હોવા છતાં આમાં કોઇક સ્વરૂપે અલૌકિકતાનું તત્ત્વ હોય તેમ લાગ્યા જ કરે છે.
આ સરસ્વતી નદીનો ઉદ્ગમ કયાંથી થાય છે?
ભીમપુલ પર ઊભા રહીને જમણી બાજુએ જોઇએ તો જોઇ શકાય છે કે પથ્થરોની મોટી શિલાઓને તોડીને બે પ્રચંડ ધારાઓ બહાર નીકળે છે. આ જ સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન ગણાય છે. આ જળ તો છેક તિબેટ તરફથી આવે છે, પરંતુ પ્રગટ અહીં થાય છે. સામાન્યત: હિમાલયમાં કાળમીંઢ પથ્થરની શિલાઓ કે શિખરો ઓછાં જોવા મળે છે. અહીં સરસ્વતીના પ્રાગટય સ્થાને આખો વિસ્તાર જાણે કાળમીંઢ પથ્થરોનો બનેલો છે. આ સરસ્વતીનું પ્રાગટયસ્થાન ઘણું ભયંકર લાગે છે અને સાથેસાથે સુંદર પણ લાગે છે. ભયંકર અને સુંદર બંને એકસાથે ? હા, બંને એકસાથે! ભયંકર પણ સુંદર હોઇ શકે અને સુંદર પણ ભયંકર હોઇ શકે. ન સમજાય તો અહીં આવીને આ ભીમપુલ પર ઊભા રહીને સરસ્વતીના આ પ્રાગટયસ્થાનનાં મનભર દર્શન કરો, સમજાઇ જશે.
સરસ્વતીના આ પ્રાગટયસ્થાનને તીર્થ ગણવામાં આવે છે અને તેને ‘માનસોદ્ભેદતીર્થ’ કહેવામાં આવે છે.
હમણાં-હમણાં આ ભીમપુલ પાસે સરસ્વતીનું નાનું મંદિર પણ બન્યું છે અને સરસ્વતી દેવીની નાની મૂર્તિની પ્રતિષ્ઠા પણ થઇ છે.
આ પ્રચંડ વેગ અને પ્રચંડ નાદ સાથે વહેતી આ સરસ્વતી નદી ભીમપુલ નીચેથી પસાર થઇને આગળ દોડે છે. પશ્ર્ચિમ દિશા તરફથી સતોપથ અને અલકાપુરીનું જળ લઇને અલકનંદા દોડતી-દોડતી આવે છે. આ બંને બહેનો અહીં માનાગામની નીચેના વિસ્તારમાં અન્યોન્ય ભેટે છે, બન્નેનો સંગમ થાય છે. સરસ્વતી અને અલકનંદાના આ સંગમને જ ‘કેશવપ્રયાગ’ કહેવામાં આવે છે. આ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.