સૌરાષ્ટ્રની શાન સમી કેસર કેરી હવે સીધી અમેરિકામાં નિકાસ થશે. આ વર્ષે પહેલીવાર વાયા મહારાષ્ટ્રને બદલે સીધી ગુજરાતથી જ કેસર કેરી અમેરિકા જશે. અમેરિકાના એગ્રીકલ્ચર ખાતાના એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસે ગુજરાત એગ્રો રેડીયેશન પ્રોસેસને મંજૂરી આપી છે. હવે ખેડૂતો અને નિકાસકારો અમેરિકામાં નિકાસ કરી શકશે. અમદાવાદની નજીક બાલવામાં આ સુવિધા ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે. આથી અહીંથી ગુજરાતની કેસર અને મહારાષ્ટ્રની હાફૂસ સીધી અમેરિકા મોકલી શકાશે.
અગાઉ ગુજરાતના ખેડૂતોએ કેસર કેરી મહારાષ્ટ્ર મોકલવી પડતી હતી અને તે બાદ તેની નિકાસ થતી હોવાથી લોજિસ્ટિક ખર્ચ ઘણો વધારે થતો હતો. જોકે બાલવા ખાતે આ સેન્ટર 2014થી તૈયાર હતું, પરતું અમેરિકા તરફથી મંજૂરી આવવવામાં મોડું થતા આ વર્ષે પહેલીવાર કેસર કેરી સીધી ગુજરાતથી અમેરિકા જશે. જો વાતાવરણ સાથ આપશે તો એપ્રિલ-મે દરમિયાન લગભગ 400 ટન જેટલી કેસર કેરી અહીંથી અમેરિકા નિકાસ થાય તેવી સંભાવના અહીંના વ્યવસ્થાપકોએ વ્યક્ત કરી હતી. ગયા વર્ષે કુલ 813 જેટલી કેસર કેરીની નિકાસ કરવામાં આવી હતી, જેની કિંમત લગભગ રૂ. 33.68 કરોડ આંકવામા આવે છે. અમેરિકા સાથે ઓસ્ટ્રેલિયામાં પણ આ નિયમ હોવાથી અહીં પણ નિકાસ કરી શકાશે.
અમેરિકામાં કેરી કે અન્ય કોઈ ખાવાની વસ્તુ નિકાસ કરવા માટે રેડિએશન પ્રોસેસ અનિવાર્ય છે. આ પ્રોસેસની ફળની ઉપરના જીવજંતુઓ નાશ પામે છે. આ સાથે કેરી વધારે 25 દિવસ સુધી સાચવી શકાય છે.
અમેરિકામા જે મેક્સિકન કેરી મળે છે તેના કરતા કેસર કેરી ઘણે દરજ્જે સારી છે. રેડિએશન ફેસિલિટીને લીધે અમેરિકામાં માગ પણ વધશે અને ખેડૂતોને સારા ભાવ પણ મળશે, તેમ અહીંના નિષ્ણાતોએ જણાવ્યું હતું.