આજે કેરીની રાણી તરીકે ઓળખાતી કેસર કેરીનો જન્મદિવસ છે અને આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેસર કેરીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેરીની અલગ-અલગ જાતોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કેરીની 50થી વધુ જાતોનું પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. કેરીનો જન્મ સોરઠમાં 25મી મે 1934ના રોજ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. કેસર કેરીના જન્મ દિવસે આવો જાણીએ શું છે એનો ઇતિહાસ અને કેવી રીતે પડ્યું તેનું નામ…
વંથલીનાં ઓજત નજીક ચામસી અને રવાયું નામની સીમમાં આંબાના બગીચા આવેલા હતા અને એ સમયે જુનાગઢના વજીર હતા સાલેભાઇ. સાલેભાઈ પોતાના ફાર્મ પર મુલાકાતે ગયા ત્યારે તેમણે તેની બાજુની વાડીમાં થયેલો કેરીનો પાક જોયો. આ કેરીનો પાક કરંડિયામાં પેક કરીને પોતાના માંગરોળના મિત્ર જહાંગીર મિયા શેખ ચખાડવા લઈ ગયા હતા.
આ પાકેલી કેરી ચાખી અને જહાંગીર મિયાએ પોતાના દરબારીઓને પૂછતા તેમણે કહ્યું કે, આજ સુધી આવી કોઈ કેરી અમે ખાધી નથી. ત્યારે બધાના મનમાં સવાલ ઉઠ્યો કે, આ કેરીનું નામ શું રાખવું ?? ત્યારે સર્વાનુમતે નિર્ણય થયો કે, આ કેરીની શોધ સાલેભાઇએ કરી તેથી આ કેરીનું નામ સાલેભાઇની આંબળી રાખવું જોઈએ. ત્યારથી આ કેરી સાલેભાઈની આંબળી કહેવાય છે. આ અનોખી કેરીની શોધ માટે સાલેભાઈને સાલેહિંદનો ઈલ્કાબ પણ આપવામાં આવ્યો હતો.
માંગરોળમાં થયેલી આ ઘટનાની જાણ જૂનાગઢના નવાબને થઈ તેમણે આ વાતના નિષ્કર્ષ સુધી પહોંચવા માટે બાગાયત શાસ્ત્રના નિષ્ણાત આયંગર સાહેબની મદદ લીધી અને આયંગર સાહેબે સાલેભાઇને મળીને આ કેરીના ઝાડની મુલાકાત લીધી હતી. આયંગર સાહેબ દ્વારા આ 97 કલમના વર્ધન માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ કલમ તૈયાર થતા ઝાડ પરથી ઉતારી અને જૂનાગઢમાં લાવવામાં આવી હતી.
જૂનાગઢમાં નવાબના અનેક બગીચાઓ હતા. જેમાં જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, સરદારબાગ, સક્કરબાગ, લાલઢોરી, લાલબાગ આ વિસ્તારોમાં કલમો લગાવાઇ હતી. આ બાદ તેમાં લુંબેઝુંબે કેરીઓ આવી હતી. 25મી મે, 1934માં આ આંબામાં ફળ આવ્યાં હતાં. આંબામાં હાર્વેસ્ટિંગ કરી તેને ઉતારીને પકવવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી દરબારની અંદર માંગરોળની ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું અને દરેક દરબારી પાસે આ કેરી વિશે માહિતી પૂછવામાં આવી હતી. ત્યારે દરેક દરબારી દ્વારા કહેવામાં આવ્યું કે, આ પ્રકારની સુગંધ અને રેસા વાળું ફળ હજુ સુધી ખાધું નથી અને આ ફળની મીઠાસ કેસર જેવી છે એટલે આ કેરીને કેસર એવું નામ આવામાં આવે.
આમ કેસર કેરીનું નામકરણ થયું હતું. આવી રીતે ફળનું નામકરણ થયું હોય તેવી ઘટના જવલ્લે જ જોવા મળતી હોય છે. ત્યારે નવાબી કાળમાં થયેલી આ કેરીનું આ નામકરણ આજે લોકોને વાંચવામાં પણ ખૂબ રસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયાની સૌથી મોંઘી કેરી જે માત્ર જાપાનમાં જ ઉગાડવામાં આવે છે અને આ કેરીના એક ફળની કિંમત 5000 છે. આ કેરી મધ્યમ મીઠા સ્વાદ સાથે રેસારહિત હોય છે. આ જાપાનની પ્રખ્યાત વેરાયટી છે. જે પાકવા પર લાલ રંગની થવા લાગે છે.