કૃષ્ણને આપણા જીવનના કેન્દ્રમાં રાખી અને બેસીશું તો સંસારના ભોગો પણ પ્રસાદ બની જશે

ધર્મતેજ

માનસ મંથન -મોરારિબાપુ

હનુમાનજીની બાળલીલાઓને જોઉં ત્યારે મને ભગવાન કૃષ્ણની છાશલીલાનું સ્મરણ થાય છે. પરમાનંદદાસજીનું પદ છે-‘આજ દધિ મીઠો મદનગોપાલ…’ ભગવાન શ્રીમન મહાપ્રભુજી અને એમનાં એક શિષ્ય નંદદાસજીના જીવનનો આ એક પ્રસંગ છે. નંદદાસજીના પૂર્વજીવનની આ ઘટના છે. તેઓ એ સમયે એક ગામમાં રહેતા હતા. એ ગામમાં એક નવી નવી સ્ત્રી આવી હતી. હજુ હમણાં જ તેના લગ્ન થયા હતા અને કોઈ નજીકના ગામમાંથી આ ગામમાં પરણીને આવી હતી. ભગવાનની ઈચ્છા હતી એટલે ભગવાને તેને અપાર સૌંદર્ય આપ્યું હતું. આ સ્ત્રી ખૂબ સ્વરૂપવાન હતી. એ જમાનો તો પનઘટ પર જઈ પાણી ભરવાનો હતો. રોજ સવારે એ સ્ત્રી પનઘટ પર પાણી ભરવા જાય અને નંદદાસજી પનઘટ પર બેસીને એ સ્ત્રીને તાકતા રહે. ધીમે ધીમે નંદદાસજી તો તે સ્ત્રી પર લુબ્ધ થઇ ગયા, મુગ્ધ થઇ ગયા. એમનાં પૂર્વજીવનનો આ પ્રસંગ છે. તે સ્ત્રી પર, તેના સૌંદર્ય પર અને તેના રૂપ પર આસક્ત થઇ ગયા. નાનું એવું ગામ, લોકોને ખબર પડ્યા વિના તો ન જ રહે. અને આ તરફ નંદદાસજી પેલી સ્ત્રી તરફ ખૂબ આસક્ત. ગામમાં વાત ફેલાઈ ગઈ કે નંદદાસ કોઈની પરણેતર પર લુબ્ધ થયા છે ! એ સ્ત્રીનું પણ તેમના તરફ ધ્યાન ગયું હતું. ધીમે ધીમે તો વાત વધતી ચાલી. આખા ગામમાં ચર્ચા શરૂ થઇ ગઈ. તે નવવધૂના સાસુ, સસરા બધા હેરાન થઇ ગયા. આ સ્ત્રી પણ બહુ ખાનદાન પરિવારની પુત્રવધૂ હતી. સસરાનું મન વિચારે ચઢ્યું હતું કે આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધવો પડશે.
આ તરફ નંદદાસને પણ સૌ સમજાવવા લાગ્યા કે આ શું કરો છો તમે ભાઈ ? કોઈની પારકી પરણેતરને આમ તાકી તાકીને જોવાય ? કોઈની વહુને આમ સતત તાકીને જુઓ છો ? આવું લાંબો સમય ચાલ્યું. એક દિવસ એ સ્ત્રીના સસરાએ કહ્યું,: ‘ચાલો બેટા, આપણે બહાર જવું છે.’ સાસુ, સસરા અને તેમની પુત્રવધૂ ગાડામાં બેસી યમુનાજી તરફ ચાલી નીકળ્યા. યમુનાજીના કિનારે પહોંચ્યા. નંદદાસજી પણ તેમની પાછળ પાછળ જાય છે. સ્ત્રીના સસરાએ નાવ મંગાવી અને ત્રણે જણા નાવમાં બેસી ગયા. યમુનાજીનો પટ તો ખૂબ વિશાલ એટલે નાવ વિના તો ઓળંગાય નહીં. નંદદાસજી પાસે પૈસા નથી. તેથી નાવવાળાએ તેમને ન બેસવા દીધા. એ તો જ્યાં સુધી નાવ દેખાઈ ત્યાં સુધી બસ તાકતા રહ્યા.
પેલી સ્ત્રીના સાસુ, સસરા તેને સાથે લઈ સામા કિનારે પહોંચ્યા. એ કિનારે શ્રીમન્ન મહાપ્રભુજી રહેતા હતા. તેથી એ સ્ત્રીના સસરાએ એમનું શરણ લીધું. તેમના દર્શન કરવા પહોંચ્યાં. સૌએ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના દર્શન કર્યા, પ્રણામ કર્યાં. બને છે એવું કે મહાપ્રભુજીએ એમણે ત્રણેને પ્રસાદ આપ્યો પણ એક પ્રસાદનો ચોથો પડીયો પણ આપ્યો. બધા આશ્ર્ચર્યમાં પડી ગયા કે આમ કેમ ? અમે તો ત્રણ વ્યક્તિઓ આપના દર્શન માટે આવ્યા છીએ અને પ્રસાદ ચાર વ્યક્તિનો કેમ ? બાબા, આ ચોથો પ્રસાદ કોને માટે ? શ્રીમન્ન મહાપ્રભુજીએ કહ્યું,: ચોથો પ્રસાદ પેલો નદીને સામે કિનારે બેઠો છે ને એના માટે ! નંદદાસને આપજો.’
એ ભલે અત્યારે લુબ્ધ છે, આસક્ત છે. એના માટે આ પ્રસાદ છે. તમે તો એને ઓળખતા નથી પણ હું તેના આત્માને ઓળખું છું, એને લઈ આવો મારી પાસે. પેલી સ્ત્રીના સસરા ગયા અને નંદદાસને લઈને મહાપ્રભુજી પાસે આવ્યા. નંદદાસ, ‘તમે અત્યાર સુધી આ સ્ત્રીને જોતાં હતા, હવે મને જુઓ છો ’મહાપ્રભુજીએ કહ્યું. અને હવે તમારૂં મન જ્યારે મારી પાસે આવ્યું છે તો હું તમને સંકેત કરું છું કે મારા શ્રીનાથજીને જુઓ, તેમની ઝાંખી કરો. મહાપ્રભુજીએ પડદો હટાવ્યો, નંદદાસજીએ સ્વરૂપનું દર્શન કર્યું, અને ગયા તે ગયા ! માધવના દર્શન કરી તેની યાદમાં ખોવાઈ ગયા છે, કૃષ્ણના રૂપમાં ડૂબી ગયા છે. કોઈ કહે નંદદાસ, પેલી સ્ત્રી તમને જુએ છે…પરંતુ અહીં તો ઘટના ઘટ ગઈ. मम प्रभु गिरिराजधारी। ગિરિરાજમાં લુબ્ધ થઇ ગયા ! નંદદાસજી કહે છે કે ખાક સૌંદર્ય છે આ દુનિયામાં ? સૌંદર્ય છે મારા પ્રભુ ગિરિરાજજીમાં.
મારાં શ્રાવક ભાઈ-બહેનો, આપણી બધાની લગભગ આવી દશા છે. આપણા કેન્દ્રમાં કૃષ્ણ હોય. આપણે આપણું કેન્દ્ર બહારની તરફ રાખીને બેઠાં છીએ. વર્તુળની બહાર મોં રાખ્યું છે. આપણે કોઈ વર્તુળ બનાવીએ અને એ વર્તુળની બહારની બાજુએ મોં રાખીએ તો ન કૃષ્ણ સાથે સંબંધ રહે, ન એકબીજા સાથે સંબંધ રહે. આપણે તો નથી કૃષ્ણને જોઈ શકતા કે નથી એકબીજાને જોઈ શકતા. જો કૃષ્ણને કેન્દ્રમાં રાખીને બેસશું તો સંસારના ભોગો પણ પ્રસાદ બની જશે. પૂજાની સામગ્રી સેવા બની જશે. હું કહું છું કે ગુરુને લૂંટો, એમની અનુભૂતિઓને લૂંટો. દુનિયાને શા માટે લૂંટો છો ? ભાઈને, બહેનને કે કુટુંબને શા માટે લૂંટો છો ? સમાજને શું કામ લૂંટો છો ? લુંટવી જ હોય તો કોઈ બુદ્ધપુરુષની અનુભૂતિઓને લૂંટો. ગુરુને જે ખાઈ જાય એનું નામ શિષ્ય. ગુરુના જ્ઞાનને,ગુરુની સમસ્ત અનુભૂતિને જે નિગલ જાય તે શિષ્ય.
‘રામચરિતમાનસ’માં ગોસ્વામીજી કહે છે-
बिनु सतसंग बिबेक न होई। राम कृपा बिनु सुलभ न सोई॥ સાધુની વાણીથી, એની દ્રષ્ટિથી, એના મૌનથી, એના આચરણથી વિવેક જાગે. બાપ, આ કયારે થાય ? કામના છૂટી, લોભ છૂટ્યો. મારી ને તમારી કામનાઓ જેટલી ઓછી થાય તેટલી અંત:કરણની વિશુદ્ધિ થાય. અંત:કરણની શુદ્ધિ એ જ્ઞાનમાર્ગની શુદ્ધિ છે. રામકથાનો સત્સંગ પણ સિદ્ધિ આપે. સિદ્ધિ એટલે શુદ્ધિ. કથામાં તમે આવો એટલે થોડી શુદ્ધિ તો આવે જ પણ પાછા આપણે હતાં તેવાં થઈ જઈએ છીએ તે વાત જુદી છે. બાકી કથાઓ બંધ થઇ ગઈ હોત, સીધી વાત છે. જે ફિલ્મ ન ચાલે તે બંધ થઇ જાય. જે થિયેટર ન ચાલે તે મગફળીનું ગોડાઉન થઈ જાય. કંઈક થાય છે બાપ. ન થતું હોત તો તમને સત્સંગ ગમત જ નહીં. કેટલો સમય ફેર પડે છે તે આપણી ગંભીરતા પર આધાર રાખે છે. ઔષધિને ખરલમાં જેટલી વધુ ઘૂંટો એટલી એ વધારે ગુણકારી બને છે. એટલે રામકથાના સૂત્રોને ઘેર જઈ જેટલાં વધુ ઘૂંટશો એટલાં ગુણવર્ધક બનશે. કૃષ્ણ એમ નથી કહેતો કે તું એક પ્રહાર મારી પૂજા કર. પૂજા કર, પણ તારી ક્ષમતા પ્રમાણે; તારી ઓકત પ્રમાણે. પૂજા ક્ષમતા પ્રમાણે કરવી. -સંકલન:જયદેવ માંકડ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.