એક એક કદમ આગળ વધતા રહો ને ધ્યેય પ્રાપ્તિ સુધી આગળ વધતા રહો

ઉત્સવ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો?
ગત સપ્તાહ આપણે પ્રભુના સંદેશ વિશે વાત કરી તે આગળ ધપાવીએ.
ટ્રેનમાં મારી સાથે પ્રવાસ કરી રહેલ અંકલ – આન્ટીની વાત…
કહેવાય છેને કે પ્રભુતામાં વિશ્ર્વાસ રાખો તો પ્રભુ તમને જ્યાં ત્યાંથી જવાબ આપવાનો પ્રયાસ કરે છે. પ્રભુના પ્રેમ અને જીવનની સફરને સમજવાની વાત…
અમે બધા વાતો કરતાં કરતાં એકદમ કમ્ફર્ટેબલ થઈ ગયા અને આંટીના પગની બાજુમાં હું બેસી ગઈ. આંટી જાગ્યા,
મેં પૂછ્યું: તમારી તબિયત બરાબર છે? હું જાઉં?
તેમણે કહ્યું: ખૂણામાં બેસ મને સારું લાગી રહ્યું છે.
આટલી વારમાં દરેક વ્યક્તિને ઊંઘ આવતી હોવા છતાં આંટી સિવાય અમારા ત્રણેનો સત્સંગ સંબંધ થઈ ગયો હતો. નિસ્વાર્થ અને સમાજને દરેક પરિસ્થિતિમાં ઉપયોગી થાય તેવા તેમણે પાંચ કે છ સુંદર મુદ્દા કીધા. ધર્મ વિશે, આહાર વિશે, પૈસા કેવી રીતે કમાવા, કયો પૈસો ટકે એ વિશે.
દરેક વિષય પર એમની જે સચોટતા હતી સાહેબ. એ દેખાઈ આવ્યું કે કોઈ પણ કામ કરવું હોય. જીવનને સમજવું હોય, બિઝનેસમાં આગળ વધવું હોય, વ્યવસાયમાં પ્રતિભાવાન થવું હોય તો વિકલ્પ કોઈ જ નથી એક્સેપ્ટ ધીરજ, સતત અભ્યાસ, પોઝિટિવ વિચારવાનું કે પ્રભુ આપણને હજુ ઊંડાણમાં ઉતરવાનો મોકો આપે છે.
ભગવાન કહે બેટા હજુ સમજી વિચારીને એક વાર પ્રયત્ન કર. જો તારી પાસે પૈસાની ખોટ હોય કે તું સખત હેરાન થતી હોય કે થતો હોય તો જે કરવું હોય તે કર, પણ જો તું સચવાઈ રહી હોય અને તને પ્રભુ પર વિશ્ર્વાસ હોય તો જરાક ખમ, જરા થોભો, પ્રભુને કહો કે પ્રભુ ધન-સંપત્તિ આપો સાથે હું સાચી રહી શકું, સંસ્કાર જાળવી શકું એ શક્તિ આપો. સફળતાની પાછળ ભાગવું એ જ શીખવું હોય, તો આ નાના-નાના વ્યવસાયો કરે છે એ લોકો પાસે પણ શીખો.
આપણે ઘણીવાર બોલીએ છીએ કે આ પાણીપૂરી વાળો, હાટડી લઈને બેઠો હતો, અત્યારે એની પાંચ દુકાનો થઇ ગઈ.
આ ચાહની કીટલી, આમ સાવ નાની દુકાન હતી. અત્યારે એનો બિઝનેસ થઈ ગયો. આ પાઉંભાજીની લારી, અમારી નજર સામે આમ થઈ હતી એને આટલા કરોડની કમાણી કરાવી નાખી.
એના બચ્ચા અમેરિકા ભણે છે ને આપણે?
અહીંયા શું કરીએ છીએ? ચાલો કામ કરીએ. ઝડપથી પગલાં લઈને મોટો હાથ મારીએ..
પણ ખબરછે કે આ પાણીપૂરી વાળો, પાઉભાજી વાળો, ચાહ વાળો, ભેળપૂરીનો ખુમચો ખભા પર ઉપાડીને ચાલનારો માણસ કે મોટો વ્યવસાય. પહેલા પોતાનું રોજીરોટી શરૂ કરવાનું જ એક સપનું લઈને એ કામ શરૂ કરતો હોય છે. ક્યારેય નથી વિચાર્યું હોતું કે હું દુકાનો નાખી દઈશ. નફો થશે.
જ્યારે ધંધો શરૂ કર્યો હોય છેે ત્યારે એક જ વસ્તુ વિચારી હોય છે કે ‘મારે સરસ રીતે કામ કરવું છે. મારે આમાંથી રોજીરોટી ઉપજાવવી છે, મારા ઘર સુધી સંપત્તિને આરામ પહોંચાડવો છે. અને એ કામ કરવામાં એટલો બધો રચ્યોપચ્યો થઈ જાય છે, કેટલું ઇમ્પ્રૂવમેન્ટ કરે છે. પોતાનો અભ્યાસ કરે છે. વર્ષોનાં વર્ષો વિતાવે છે. ત્યારે એકમાંથી બે, ત્રણ, ચાર એમ એના વ્યવસાયની વૃદ્ધિ થાય છે. એટલે સમૃદ્ધિ થાય છે.
જ્યારે અત્યારની પેઢી, બીજાની ધનસમૃદ્ધિ જોઈ એનો વ્યવસાય કેવો હતો ને કેવો થઈ ગયો એની કમ્પેરીઝન કરીને પોતે કયો મોટો હાથકે શિકાર મારે એની ખોજમાં નીકળી પડે છે. એટલે એ લોકો નિરાશ થઇ જાય છે.
આવી જ કંઈક વાત અંકલ કરી રહ્યા હતા અને મને મારા દરેક પ્રશ્નોના જવાબ મળી રહ્યા હતા. લાગ્યું જાણે મારા પિતા એ બધું બોલી રહ્યા છે જાણે હું ટ્રેનમાં નહીં પાટણના નાગરવાડામાં બેઠી છું.
પેલા બીજા ભાઇ બાજુવાળા, અમેરિકાથી ભણીને આવ્યા હતા. એમનું કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. એટલે મજાની વાત એ છે કે જો તમે તમારી વિચારધારા સારી અને નિર્દોષ રાખો તો તમને કુદરત ગમે ત્યાંથી જવાબ આપતી હોય છે. જે તે રૂપમાં કુદરત જોવે છે.
આ માણસનો ઉદ્દેશ જીવનમાં શું છે?
એ જીવ અને જીવન પ્રત્યે કેવું વલણ રાખે છે. એ બધું જોવે છે. હા કુદરતને આંખો છે. માટે આપણે આપણા ઉદ્દેશને સમજવા જોઈએ. આપણે મજબૂરીને એક મોકો સમજવો જોઈએ અને પેલી અંગ્રેજીની કહેવત છે કે ટ્રાય ટ્રાય અનટીલ યુ સકસીડ. ગુજરાતીમાં કહી શકાય કે એક એક કદમ આગળ વધતા રહો ને ધ્યેય પ્રાપ્તિ સુધી આગળ વધતા રહો.
ટ્રેનમાં નેટવર્ક ઓછું આવતું હોય પણ આજે વરસાદના કારણે તો લગભગ નહીવત્ હતું. લગભગ બધાના ફોનના પ્રયત્નો નિરર્થક જ હતા. મારો પણ.
હું જનરલી ફોન હાથમાં રાખતી જ નથી કારણ કે મને ફોન માત્ર જ્યારે આપણું કામ હોય ત્યારે જ વાપરવો ગમે છે.
મારા કામના કારણે ફોન મારી પાસે બહુ રહેતો પણ નથી હોતો. પણ આજે એક વસ્તુની જે મજા આવી કે ફોન સમય ને ઇચ્છા બધું હોવા છતાં બધાના ફોન બંધ હતા. હાહાહા. અને બધા પોતાનો સમય અને ધ્યાન એક બીજા સાથે પર આપી રહ્યા હતા એ પરથી એમ ખબર પડી કે કોઈ પણ છોછ રાખ્યા વગર જ્યારે વ્યક્તિ એક બીજા સાથે વાત કરે છે ત્યારે એ પારિવારિક સંબંધ હોય છે.
માટે જ આપણી સંસ્કૃતિમાં કદાચ કહેતા હશે વસુધૈવ કુટુમ્બકમ. મારા પિતાજી, આ અંકલ, પાયલોટ સાહેબના ડોક્ટર પિતાજીના દરેકે દરેકની અનુભવની વાત એક જ છે કે તમે જે કોઈપણ હો, જ્યાંથી પણ હો, જે પણ પરિસ્થિતિમાં હો, જ્યાં સુધી તમે રોટી-કપડાં-મકાન અને અમુક સગવડને મેળવી શકો છો.
ત્યાં સુધી. સૌથી પહેલાં તમે પોતાના ઉપર કામ કરો. પોતાની કમજોરીઓની સમજણ મેળવો. પોતાની ઉપર કામ કરો. વ્યવસાયમાંથી કેટલો ધમાકેદાર પ્રોફિટ થાય એ નહીં પોતાના વ્યવસાયને તમે કેવું ધબકારાની જેમ, જીવનની જેમ, જાગૃત રાખી શકો કેવી રીતે બીજાને રીયલી યુઝફુલ થઈ શકીએ એ વિચાર કરો તો તમને આટલો બધો અફસોસ અને તરફડતી પીડાઓ નહીં થાય. એવું આ બધી સ્પીરીચ્યુઅલ સંસ્થાઓમાં બધા જઇને વાતો કરતા હોય છે તે જ કરવાનું છે. રીયલમાં.
જેમ આપણાં વડીલો કહે છે એમ કે ગુસ્સો આવવો અને કોઈને ખખડાવી નાખવું એ અલગ, પણ કોઈ વ્યક્તિને હેરાન કરવો કે પૈસાનો પાવર વાપરી કોઇને નીચા પાડવા એ તો સૌથી મોટી કાયરતા છે.
મિત્રો વાત ખૂબ ગહરી છે. વાત સમજવાનો પણ પ્રયત્ન કરીએ.
યુવા પેઢીને વડીલોની વાતોમાં એમનો અનુભવ હોય છે તે સમજીવીએ.
ધરમાં બાળકો ને વડીલો વચ્ચે અંતર ઘટાડીએ, સંવાદ વધારીએ. તેમને ખૂબ મદદરૂપ થશે.
આવી સુંદર મજાની વાતો સાથે ફરી પાછા મળીએ. વર્ષાઋતુની હાજરીમાં આપણી ગંદકી આપણા મનમાંથી દૂર કરી સુંદર મજાની સવાર ઊગે એવી દેશભક્તિની ભાવના સાથે માનવતાની ભાવના સાથે આવો રવિવાર, સુંદર મજાનો આરામ કરી સોમવારે શુભ કાર્યો સારા કાર્યો અને સુઘડ જીવનની શરૂઆત કરવાનો સંકલ્પ લઈએ. સૂર્યનારાયણ દેવને પ્રણામ કરી કુદરતને સમજવાની શરૂઆત કરીએ.
એવી આશા સહ નેહા એસકે મહેતા અને મુંબઈ સમાચારની ટીમ તરફથી આષાઢના છેલ્લા સપ્તાહમાં ભક્તિ ભાવસહ વિનંતી છે કે પ્લીઝ ખાવામાં ધ્યાન રાખજો, સરસ રીતે ઉપવાસો કરજો, તબિયત સાચવજો. માટે સ્ટેપ વન.
પ્લીઇઇઝ,,,,,,ગંદકી ઓછી કરીએ. કારણકે વરસાદમાં ગંદકી વધારે ઉપદ્રવ કરે અને રોગચાળો ઝડપથી ફેલાય જે આપણે નથી થવા દેવું.
બરાબરને મિત્રો.. ?
——————
તમારા સવાલો મોકલાવો મુંબઈ સમાચારના એડ્રેસ પર પત્ર દ્વારા અથવા આ ઈમેઈલ આઈડી પર:
neha.mehta@bombaysamachar.com

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.