કેદારનાથયાત્રા ભારે વરસાદને લીધે અટકી

દેશ વિદેશ

અમરનાથમાં મોટી જાનહાનિનો ભય

બચાવ કામગીરી: અમરનાથ ગુફાની નજીક લશ્કરના જવાનો દ્વારા ચાલતી બચાવ અને રાહત કામગીરી. ભારે વરસાદને લીધે આવેલા પૂરથી અને ભેખડો ધસી પડવાથી મોટી જાનહાનિ થઇ હતી અને અનેક લોકો લાપતા છે. (પીટીઆઇ)

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથયાત્રાના માર્ગમાં ભારે વરસાદને લીધે સોનપ્રયાગથી જ આ યાત્રા અચોક્કસ મુદત માટે અટકાવી દેવાઇ હતી. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફા અને તેની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને લીધે મોટી જાનહાનિ થઇ છે.
અમરનાથયાત્રાના માર્ગમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને લાપતા લોકોની શોધખોળ થઇ રહી છે. આમ છતાં, ખરાબ હવામાનને લીધે બચાવ કામગીરીમાં વિઘ્ન ઊભું થઇ રહ્યું છે. અમરનાથ ગુફાની આસપાસ ભારે વરસાદ અને ભેખડ ધસી પડવાને કારણે ઓછામાં ઓછા ૨૦ જણ માર્યા ગયા હતા, અંદાજે ૩૦ જણ ઘાયલ થયા હતા અને આશરે પચાસ જણ હજી લાપતા છે.
રુદ્રપ્રયાગ જિલ્લાના પ્રશાસને જણાવ્યું હતું કે ભારે વરસાદને લીધે કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદારનાથયાત્રા અચોક્કસ મુદત માટે અટકાવી દેવાનો નિર્ણય લેવાયો હતો.
અમરનાથ ગુફાની આસપાસના વિસ્તારમાં શુક્રવારે બપોર પછી લગભગ સાડાપાંચ વાગ્યે ભારે વરસાદને લીધે મોટા પાયે ભેખડ ધસી ગઇ હતી.
શરૂઆતમાં શુક્રવારે સાંજે ત્રણ મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી.
અમરનાથ ગુફાના ઉપરના વિસ્તારમાં સાંજે લગભગ સાડાપાંચ વાગે જોરદાર ધડાકા સાથે વાદળ ફાટ્યું હોવાનું કહેવાતું હતું, પરંતુ હવામાન ખાતાએ સ્પષ્ટતા કરી હતી કે અમારી વ્યાખ્યા મુજબ અમરનાથયાત્રાના માર્ગમાં વાદળ નહોતું ફાટ્યું, પરંતુ ભારે વરસાદને લીધે અચાનક જ ત્યાંની નદીમાં પૂર આવી ગયાં હતાં.
પૂરનાં પાણીમાં અમરનાથ ગુફાની પાસે આવેલી અમુક શિબિર અને છાવણી પણ તણાઈ ગઈ હતી. અમુક લંગરોને પણ નુકસાન થયું હતું.
એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ ઘટનાસ્થળે ઉપસ્થિત હતી. પરિસ્થિતિ નિયંત્રણમાં છે તેમ જ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હોવાનું પહેલગામ જોઈન્ટ કંટ્રોલરૂમે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.