Homeઉત્સવતેલંગણામાં વિપક્ષી પદયાત્રાઓ છતાં કેસીઆરનો મહિમા

તેલંગણામાં વિપક્ષી પદયાત્રાઓ છતાં કેસીઆરનો મહિમા

ભાજપના મળતિયા હવે સામે પાટલે -રાહુલની પદયાત્રાના પ્રભાવની પરીક્ષા -સીબીઆઇ – કેન્દ્રીય એજન્સીઓ સક્રિય

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

વર્ષ ૨૦૧૪માં નવરચિત રાજ્ય તેલંગણામાં જામી પડેલા ભારત રાષ્ટ્ર સમિતિ (અગાઉની તેલંગણા રાષ્ટ્ર સમિતિ)ના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવને હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉથલાવીને ભાજપ દક્ષિણમાં પોતાની વિજયપતાકા લહેરાવવા થનગને છે. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ક્ધયાકુમારીથી કાશ્મીરની ‘ભારત જોડો’ પદયાત્રાના પ્રભાવને જોતાં રાજ્ય ભાજપના અધ્યક્ષ અને સાંસદ બંડી સંજય કુમાર અને રાજ્ય કૉંગ્રેસના અધ્યક્ષ એ. રેવંથ રેડ્ડી પણ પદયાત્રાએ નીકળ્યા છતાં ડિસેમ્બર, ૨૦૨૩ની ચૂંટણીમાં કેસીઆરનો હાથ ઊંચો રહે એવા સંજોગો અત્યારે તો આકાર લઇ રહ્યા છે. કેસીઆર આંધ્રપ્રદેશમાંથી અલગ તેલંગણા રાજ્ય બન્યું ત્યારથી જીતતા આવ્યા છે. વધુ બહુમતી સાથે બીજી વાર મુખ્યપ્રધાન બન્યા પછી ત્રીજીવાર પોતાના પ્રધાન પુત્ર કે. ટી. રામારાવને રાજ્ય ભળાવીને કેન્દ્રના રાજકારણમાં જવા કેસીઆર ઉત્સુક છે. કેસીઆર મૂળે કૉંગ્રેસના રહ્યા, કૉંગ્રેસમાંથી તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર એન. ટી. રામારાવની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં ગયા હતા અને છેવટે એ છોડીને અલગ તેલંગણા રાજ્યની માગણી સાથે ‘તેલંગણા રાષ્ટ્ર સમિતિ’ (ટીઆરએસ) પક્ષ સ્થાપ્યો અને એના સર્વેસર્વાં બન્યા. રાષ્ટ્રીય રાજકારણમાં જવાની અને વડાપ્રધાન થવાની એમની મહેચ્છાએ એમને પક્ષનું નામ બદલીને ‘ભારત રાષ્ટ્ર સમિતિ’ કરવા પ્રેર્યા હતા.
કેસીઆરના ઈરાદા શંકાસ્પદ
ક્યારેક સપ્તાહમાં બબ્બેવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં મળનારા કે રાજ્યમાં આવકારનાર કેસીઆર પામી ગયા કે ભાજપ હવે એમના પક્ષને તોડીને રાજ્યને કબજે કરવા માગે છે. એમના ધારાસભ્યોને ભાજપ થકી કથિત ખરીદવાની કોશિશો થયા પછી એમણે ભાજપ વિરોધી મોરચો રચીને મોદી ફરી વડા પ્રધાન ન બને એવા સંકલ્પ સાથે આગળ વધવાનું રાખ્યું છે. જોકે એમની આ ચાલમાં પણ મોદીને મદદરૂપ થવા માટે વિપક્ષોના મતવિભાજન માટે એ પ્રયત્નશીલ હોવાની આશંકા કૉંગ્રેસ સહિતના પક્ષોને છે. ચૂંટણી આડે હજી દસ મહિના હોવા છતાં રાજધાની હૈદરાબાદને ભાગ્યનગર કરવાના સંકલ્પ સાથે ભાજપે મહાપાલિકા ચૂંટણીમાં કેન્દ્રીય નેતૃત્વને સક્રિય કર્યું ત્યારથી તેલંગણા વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવાઈ હોવાનું વર્તાય છે. હૈદરાબાદ મહાનગરપાલિકા પર કેસીઆરનો કબજો છે. રાજ્ય સરકાર પણ એમની છે. વિધાનસભામાં એમના પક્ષને ભવ્ય બહુમતી પ્રાપ્ત છે. એટલી ભવ્ય કે ૬ જૂન, ૨૦૧૯થી વિપક્ષના નેતા પણ નથી. ભાજપની હાજરી માત્ર બે સભ્યો પૂરતી સીમિત છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની એમઆઈએમના ૭ સભ્યો છે અને કૉંગ્રેસના પણ માત્ર ૫ સભ્યો છે. ૧૧૯ સભ્યોની વિધાનસભામાં ૧૦૪ સભ્યો બીઆરએસના છે. આગામી વિધાનસભામાં સત્તામાં આવવાના બન્ને દાવેદારો ભાજપ અને કૉંગ્રેસ એકમેક પર અત્યારથી આક્રમક બનીને હુમલા કરી રહ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ પણ કામે વળી છે. કેસીઆરની દીકરી કવિતાના ચાર્ટર્ડ અકાઉન્ટની ધરપકડ કરવામાં આવી. કવિતાની દિલ્હી શરાબ નીતિ કાંડમાં સંડોવણી હોવાના આક્ષેપ થવા માંડ્યા છે. સંયોગ તો જુઓ કે કેસીઆર ખમ્મ્મ ખાતે વિપક્ષી એકતા માટે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને એમના જ પક્ષના પંજાબના મુખ્ય પ્રધાન ભગવત માનને તેડાવે છે એના થોડા દિવસોમાં જ આ કાર્યવાહી થાય છે. તેલંગણા વિધાનપરિષદની સભ્ય અને પૂર્વ સાંસદ કે. કવિતાને સીબીઆઇએ દિલ્હીનું તેડું પાઠવ્યું છે.
વડા પ્રધાનપદના વિપક્ષી આકાંક્ષી
ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ના સર્વમાન્ય વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ છે. અત્યારે કેન્દ્રમાં એ સત્તામાં છે. કેન્દ્રની એજન્સીઓ અને સત્તામાં ભાગીદારી આપવા માટેના તમામ વિકલ્પો એમની પાસે ખુલ્લા છે. એમની સામે વિપક્ષનો સંયુક્ત મોરચો ચૂંટણી લડે તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ચિત્ર બદલાઈ શકે, પરંતુ વિપક્ષી એકતા અત્યારે તો દેડકાંની પાંચ શેરી જેવી અવસ્થામાં છે. એવું નથી કે એ નહીં જ સધાય. વર્ષ ૧૯૭૭માં વિપક્ષો એક થયા અને જનતા પક્ષ રચાયો ત્યારે સ્વયં વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને એમનો પક્ષ કૉંગ્રેસ પણ હાર્યો હતો. દ્વિતીય વિશ્ર્વયુદ્ધ જીતાડનાર બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ એ જ વર્ષે એટલે કે ૧૯૪૫માં યોજાયેલી સંસદની ચૂંટણીમાં પોતાના પક્ષને જીતાડી શક્યા નહોતા. હવે પ્રશ્ર્ન એ કરાય છે કે વિપક્ષનો વડા પ્રધાનપદનો ઉમેદવાર કોણ છે? ૧૯૭૭માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે વિપક્ષના એટલે કે જનતા પક્ષના કોઈ વડા પ્રધાનપદના ઉમેદવાર નહોતા. અનેક ઉમેદવારો હતા. અંતે મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા અને ચૌધરી ચરણસિંહ અને બાબુ જગજીવન રામ નાયબ વડા પ્રધાનો બન્યા હતા. એટલે વિપક્ષો કોઈ ઉમેદવાર નક્કી કર્યા વિના પણ સંગઠિત બનીને ચૂંટણી લડે તો ભાજપના મોરચાને પરાસ્ત ન જ કરી શકે એવું નથી, પરંતુ વિપક્ષમાં એકથી વધુ મોરચા બને અને કેટલાક ભાજપની રમત રમતા હોય જે રીતે ગુજરાતમાં વિધાસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રમી રહી હતી તો ભાજપનો જ ડંકો વાગ્યા વિના ના રહે. અત્યારે દેશમાં વડાપ્રધાન બનવા માટેના આકાંક્ષી ઘણા છે: મમતા બેનરજી, નીતીશ કુમાર, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કેસીઆર, અખિલેશ યાદવ અને અન્ય કોઈ ડાર્ક હોર્સ પણ. અત્યારે પોતાના રાજ્યના પોતાના પક્ષના કે સરકારના આ સૂબાઓ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી આવતાં સુધી જે દસ વિધાનસભાઓની ચૂંટણી યોજાય એમાં કોણ કેટલું ગજું કરશે અને આયારામ ગયારામના રાજકારણમાં કોણ ક્યાં હશે એ સ્પષ્ટ થઇ જાય પછી ભાજપ મોરચા વિરુદ્ધના મોરચાનું નેતૃત્વ કોણ કરે એ નક્કી થાય એ સ્વાભાવિક છે. હજુ જે રાજ્યોના સૂબાઓ ભાજપ સાથે રાજ્યસભામાં મતદાન કરે છે એમના પક્ષોને આગામી દિવસોમાં ભાજપ અજગર સ્વરૂપ ધારણ કરીને પોતાનામાં સમાવી લેવાના કેવા પ્રયાસો કરે છે અને એમાં કોણ બચીને વિપક્ષ ભણી આગળ વધે છે એ પછી જ નક્કર ચિત્ર ઉપસશે. સ્થિતિ પ્રવાહીમય ગણાય. અત્યારે તો જે પ્રાયોજિત સર્વેક્ષણો આવ્યા કરે એનાં તારણો જોયા કરવાનાં. સૌથી વધુ આશ્ર્ચર્ય તો મોદીનિષ્ઠ ગણાતી અને હિંદુરાષ્ટ્રનો એજન્ડા લઈને ચાલતી ટીવી ચેનલ (સુદર્શન)ના વડા (સુરેશ ચવ્હાણ કે)એ પોતાના બ્લ્યૂટિક વાળા ટ્વિટર એકાઉન્ટ પર કરાવેલા સર્વેમાં ૨,૧૫,૫૪૯ લોકોએ ભાગ લીધો અને એમાંના ૫૨ % લોકોએ વર્ષ ૨૦૨૪માં વડા પ્રધાન તરીકે રાહુલ ગાંધીને અને માત્ર ૪૫ % લોકોએ નરેન્દ્ર મોદીને પસંદ કર્યા હોવાની ચર્ચા ખૂબ છે. એમાં નીતીશ કુમાર માત્ર બે ટકાની અને મમતા બેનરજી માત્ર એક ટકાની પસંદ હોવાનું જોવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular