તસવીરની આરપાર -ભાટી એન.
“કાઠિયાવાડી અશ્ર્વો (ઘોડા) આપણી મહામૂલી મૂડી છે. સૌરાષ્ટ્રને ગૌરાંન્વિત કર્યું છે…!? આ અશ્ર્વો દુર્લભાતિદુર્લભ પ્રજાતિ છે…! રણસંગ્રામમાં તેજસ્વિતાથી યોદ્ધાને ખમીરતાથી લડવામાં સાથ-સહકાર સાંપડતો. માનવી દિનપ્રતિદિન પ્રગતિ કરતો ગયો તેમ તેમ સુવિધા વધારવા લાગ્યો. આજે યુદ્ધના મોરચે મશીનગનથી માંડી લડાયક વિમાન અને છેલ્લે અણુબોમ્બ આવી ગયા…! વર્ષો અગાઉ લડાઈ લડતા ત્યારે ઘોડાઓનો પુષ્કળ ઉપયોગ થતો. ઘોડા ઉપર સવાર પોતાના ઘોડાને પોતાનો વફાદાર સાથીદાર ગણી તેની માવજત કરતો.
કાળક્રમે યુદ્ધમાંથી પણ અશ્ર્વ બહાર નીકળી ગયા અને મુસાફરીમાં પણ મોટર, સ્કૂટર, રેલગાડી અને વિમાનો આવી જતા અશ્ર્વની તેમાંથી પણ બાદબાકી થઈ ગઈ છે…! આજે તો અશ્ર્વ લગ્નપ્રસંગે કે કોઈ ખાસ કાર્યક્રમમાં તેની ઉપસ્થિતિ દેખાય છે…! આજે તો અશ્ર્વને પાળવા તે ખૂબ જ કઠિન કાર્ય થઈ ગયું છે.
અશ્ર્વ દિન પ્રતિદિન લૃપ્ત થતા જાય છે…! ત્યારે અશ્ર્વને સાચવવા તેની સારી જાતનો વિકાસ કરવો તે વિશે અશ્ર્વપાલકોને પૂરતી માહિતી સાંપડે, પોતાના અશ્ર્વમાં રહેલ તાકાતનો પરચો આપવા માટે હરીફાઈ યોજવી જાતવાન અશ્ર્વને ઈનામ પુરસ્કાર આપવા વિગેરે પ્રવૃત્તિ માટે શ્રી કાઠિયાવાડી અને મારવાડી અશ્ર્વપાલક મંડળી લિ.ની સ્થાપના કરવામાં આવીને સૌરાષ્ટ્રના અનેકાનેક ગામોમાં અશ્ર્વો શોના આયોજન થાય છે. હવે તો ગુજરાત સરકાર ગ્રામીણ ઓલમ્પિકના આયોજનમાં સમાવિષ્ટ કરી તરણેતરના મેળવામાં ભવ્યતાતિભવ્ય આયોજન કરી તેમાં ખાસ અશ્ર્વ શો, અશ્ર્વ હરીફાઈનું પ્રતિ વર્ષ અલૌકિક આયોજન કરે છે. વિસ્મરણ પામી રહેલ આપણી દુર્લભ વિરાસત અશ્ર્વ વિશે દૃષ્ટિગૌચર કરી લાભાન્વિત થઈએ.
“સૌરાષ્ટ્રે પંચરત્નાનિ નદી, નારી, તુરંગમ્:
ચતુર્થ સોમનાથશ્ય પંચમ હરિદર્શનમ્ ॥
ઉપરોક્ત શ્ર્લોકમાં દર્શાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં એક સ્થાન (તુરંગમ્:) અશ્ર્વે મેળવેલ છે…!
કાઠિયાવાડી અશ્ર્વોની અનુપમ ઓળખ તેમના ૧૨ બાબ તથા ૩૨ લક્ષણો વડે કરાય છે. ભારતના અશ્ર્વોની પાંચ નસલો (જાત) મારવાડી, મેવાડી, મણીપુરી, કાઠિયાવાડી, સ્પીટી અને ભુટાનીમાં કાઠિયાવાડી નસલના અશ્ર્વો આગવું સ્થાન ધરાવે છે. જેવી રીતે અરબસ્તાનના અરબ લોકોએ અરબી ઘોડાઓના ઉછેર અને ઉત્કર્ષમાં ફાળો આપેલ છે તેવી રીતે જ પ્રદેશનું નામ કાઠી દરબારોની જ્ઞાતિ ઉપરથી ‘કાઠિયાવાડી’ નામ અપાયેલ છે. તે કાઠી જ્ઞાતિએ પોતાની જરૂરિયાત પ્રમાણે ‘કાઠિયાવાડી’ અશ્ર્વો ઉત્પન કરવામાં અને તેના ઉછેર વિકાસમાં વિરાટ ફાળો આપેલ છે. આવી જ રીતે કાઠિયાવાડી અશ્ર્વોના વિકાસમાં કાઠિયાવાડી ક્ષત્રિયો, ચારણ અને અન્ય જ્ઞાતિએ પણ સારો એવો ફાળો છે.
તમામ પ્રાણીઓની માનસિક વિકાસની દોડમાં માનવે હરણફાળ ભરી અગ્રેસર છે. સ્ફુર્તિવાન તરીકે ચિતો આગળ રહ્યો, જ્યારે બુદ્ધિ તથા શક્તિની દોડમાં અશ્ર્વો-ઘોડા આગળ પડતા રહ્યા. માનવ-વિકાસમાં તથા સમાજ-વિકાસમાં સંસ્કૃતિમાં વેદકાળથી અશ્ર્વો તેમજ અન્ય પ્રાણીઓને કેળવણી આપી ચાલતું પ્રાણી બનાવવાની શક્તિ માનવ ધરાવે છે. કાઠિયાવાડી અશ્ર્વોને લાગે-વળગે છે ત્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણના સમયથી કાઠિયાવાડી ઘોડાઓનો વિકાસ થતો આવ્યો હોવાનું જણાય છે. સંસ્કૃત ભાષામાં ‘અર્બ’ શબ્દનો અર્થ ‘ગતિશીલ! ચોટ કરવી’ એ પ્રમાણે થાય છે. વળી ‘અરબી’ કાઠિયાવાડી અશ્ર્વોમાં પણ ઘણું સામ્ય દેખાય છે.