અક્ષય કુમારે કબૂલ્યું કે આજકાલ ફિલ્મો નથી ચાલતી તેમાં બીજા કોઈનો નહીં, અમારો જ વાંક છે!

દિલ ચાહતા હૈ -પાર્થ દવે

અક્ષય કુમારની (વળી એક) ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મનું નામ છે: કઠપુતલી. આ ફિલ્મ (વળી એક) તમિળ ફિલ્મની સત્તાવાર રિમેક છે. ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘રત્સાસન’ રામ કુમાર નામની વ્યક્તિએ બનાવેલી અને તેમાં મુખ્ય પાત્ર વિષ્ણુ વિશાલ નામનો અભિનેતા ભજવતો હતો.
બંનેમાંથી કોઈ પણ જાણીતા નહોતા. ફિલ્મનો ‘હીરો’ એકદમ ઑર્ડિનરી લાગે છે. બાળકોનાં એક પછી એક થતાં મર્ડરનું તે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો છે. ‘રત્સાસન’નો અર્થ થાય ડેમોન. રાક્ષસ. આ ફિલ્મની યુએસપી તેનો હીરો નહોતો, વિલન હતો. જે રહસ્ય ખૂલે છે અને જે રીતે ખૂલે છે તે દર્શકોને ગમ્યું હતું. નોર્થ ઑડિયન્સે ‘રત્સાસન’ જોઈ છે. તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કાબિલેદાદ છે. ‘બેલ બોટમ’ બનાવનાર ડિરેક્ટર રણજિત તિવારીએ ‘કઠપુતલી’ બનાવી છે. ફિલ્મમાં અક્ષયની સાથે રકુલ પ્રીત સિંહ છે, તો છેલ્લે ‘આર્યા’માં દેખાયેલા ‘માચિસ’ ફેમ ચંદ્રચૂડ સિંહ પણ દેખાવાના છે. આશ્ર્ચર્યની વાત એ છે કે ‘કઠપુતલી’ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે!
લોકો વિચારી રહ્યા છે કે આજકાલ બોલીવુડની ફિલ્મો ચાલતી નથી એટલે રિસ્ક ન લેતાં ડાયરેક્ટ ઓટીટી પર રિલીઝ કરી રહ્યા છે! જોકે અક્ષય કુમારે કહ્યું કે ના ભાઈ ના. ઓટીટી પણ સેફ પ્લેસ નથી! તેમાં પણ લોકો, મીડિયા, ક્રિટિક્સ ફિલ્મ જુએ અને વખાણે તો જ ચાલે છે. ઓટીટી પર પણ લોકો ફટ દઈને કહી જ દે છે કે ફિલ્મ સારી છે કે ખરાબ! ટૂંકમાં, આનો એક જ ઈલાજ છે મહેનત કરવાની! અક્ષય કુમારે કબૂલ્ય પણ ખરું કે ફિલ્મો નથી ચાલતી તેમાં અમારો વાંક છે. અમારે બદલાવાની જરૂર છે. અમારે સમજવું પડશે કે ઑડિયન્સને શું જોઈએ છે. મારે મારી વિચારવાની રીત બદલવી પડશે. આમાં હું મારા સિવાય કોઈને બ્લેમ નથી કરતો!
——–
વિક્રમ વેધા: માધવન-સેતુપથી બાદ હવે સૈફ-રિતિક
આજકાલ બોલીવુડની વાત રિમેક વગર કરવી શક્ય નથી લાગતી! ૨૦૧૭માં આવેલી નિઓ-નુઆર ઝોનરની થ્રિલર ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દીમાં બનેલી સત્તાવાર રિમેક ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. તમિળમાં આર. માધવન અને વિજય સેતુપથી હતા. આ બેઉના કરિયરમાં ‘વિક્રમ વેધા’ થકી સારું એવું બૂસ્ટ મળ્યું હતું. ફિલ્મનું મેકિંગ અને મ્યુઝિક આલાતરિન હતું. પુષ્કરભાઈ અને ગાયત્રીબહેન આ બેઉએ ભેગાં મળીને ‘વિક્રમ વેધા’ સહિતની તમિળ ફિલ્મો તથા ‘સુડલ: ધ વોર્ટેક્સ’ નામક સિરીઝ બનાવી છે.
હવે આ બંને જ, હિન્દીમાં ‘વિક્રમ વેધા’ લાવ્યા છે, જેમાં રિતિક રોશન અને સૈફ અલી ખાન છે. ફિલ્મનું ટીઝર વધુ પોલિશ્ડ, વધુ સ્ટાઇલિશ લાગી રહ્યું છે. ‘રત્સાસન’ની જેમ જ આ મૂળ ફિલ્મ પણ અઢળક લોકોએ જોઈ છે. ‘વિક્રમ વેધા’ તો હિન્દી ડબ્ડ પણ ખૂબ જોવાઈ છે. સારા અને ખરાબ અથવા ખરાબ અને વધુ ખરાબની વાત કરતી આ ફિલ્મનું નામ અને તેનો બેઝિક પ્લોટ સંસ્કૃત વાર્તાસંગ્રહ ‘વેતાલ પચ્ચીસી’ પર આધારિત છે. રાજા વિક્રમાદિત્યને વેતાળ (પિશાચ) પ્રશ્ર્ન કરે છે અને ખોટો જવાબ મળતાં જ તે પાછો વૃક્ષ પર જઈને બેસી જાય છે. અહીં પોલીસની પકડમાંથી વારંવાર છૂટી જતો ગુનેગાર છે! લેટ્સ સી, સૈફ અને રિતિક કેવાક જામે છે આ ગેન્ગ્સ્ટર-પુલિસ ડ્રામામાં..
———-
નહીંતર ઇન્ડસ્ટ્રીને બીજી ‘અનુષ્કા શર્મા’ મળત!

‘ક્રેસ કોર્સ’ ફેમ ઍક્ટ્રેસ અનુષ્કા કૌશિકની સરનેમ ‘શર્મા’ છે. તેણે અનુષ્કા શર્માની જગ્યાએ ‘કૌશિક’ રાખવાનું નક્કી કર્યું, કારણ કે…

તાજેતરમાં એક ચેનલ પર રિલીઝ થયેલી સિરીઝ ‘ક્રેશ કોર્સ’માં વિધિ ગુપ્તાનું પાત્ર ભજવનાર ઍક્ટ્રેસ અનુષ્કા કૌશિક અગાઉ ‘ઑલરાઇટ’, ‘ફિલ્ટર કોપી’, ‘હસલી ઇન્ડિયા’ સહિતનાં યુટ્યુબ પર ક્ધટેન્ટ ક્રિયેટ કરતાં પ્લેટફોર્મ્સ પર દેખાઈ ચૂકી છે. શોર્ટ વીડિયોઝ કે જેને સ્કેચીસ કહે છે, તેમાં તે જાણીતી થયા બાદ અનુષ્કા હવે ફિલ્મો તથા સિરીઝ કરી રહી છે. એક ચેનલ પર આજે રિલીઝ થઈ રહેલી ‘મહારાણી’ની બીજી સીઝનમાં પણ અનુષ્કા દેખાવાની છે.
રસપ્રદ વાત એ છે કે અનુષ્કાની સરનેમ શર્મા છે. એટલે કે અગાઉ તે પોતાનું નામ અનુષ્કા શર્મા તરીકે જ બધી જગ્યાએ – સ્ક્રીન પર લખાવતી હતી, પરંતુ બાદમાં તેણે પોતાના ગોત્રનું નામ, ‘કૌશિક’ લખવાનું શરૂ કર્યું. ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં અનુષ્કા કહે છે, ‘દરેક નામની એક ઓળખ બને છે. મારું અનુષ્કા શર્મા નામ ઑલરાઇટ જ હતું, પરંતુ તે નામની આઇડેન્ટિટી આ ઇન્ડસ્ટ્રીમાં પહેલાથી જ હતી! એટલે મારો ભાઈ સાર્થક પણ પહેલાથી શર્માની જગ્યાએ કૌશિક નામ યુઝ કરતો હતો. મેં પણ તેમ જ કરવાનું નક્કી કર્યું!’
અત્યારે ક્યુટ અને પ્રેમાળ પાત્રો ભજવતી અનુષ્કાએ હસતાં હસતાં કહ્યું કે ‘પહેલાં તે એકદમ ટોમ બોય પ્રકારની હતી!’

Google search engine