ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

ચાર દીકરાના ભર્યાભાદર્યા પરિવારનાં મોભી ખરાં, પણ સમગ્ર દેશ એમનું કુટુંબ બન્યું અને સંપૂર્ણ રાષ્ટ્રનાં એ બા બન્યાં…
કસ્તૂરબા મોહનદાસ ગાંધી. મહાત્મા ગાંધીનાં અર્ધાંગિની. ભણેલાં નહીં, પણ ગણેલાં. ઘરની તમામ જવાબદારીઓ સંભાળવા ઉપરાંત પતિ સાથે ખભેખભો મિલાવીને આઝાદીના આંદોલનમાં ભાગ લીધો. સ્વતંત્રતાસેનાની બન્યાં. જેલવાસ પણ વેઠ્યો. વિશાળ વટવૃક્ષ હેઠળ છોડવા ઝટ પાંગરતા નથી, પરંતુ ગાંધીજી નામના વડલાની છત્રછાયામાં કસ્તૂર નામનો છોડ ખીલ્યો પણ અને મહોર્યો પણ. ફૂલીફાલીને કસ્તૂર ખુદ એક ઘટાદાર વૃક્ષ બની ગઈ. કસ્તૂરમાંથી આખાયે દેશનાં લાડકાં કસ્તૂરબા બની ગયાં.
કસ્તૂરબાનો જન્મ એપ્રિલ, ૧૮૬૯માં. પિતા ગોકુળદાસ. માતા વ્રજકુંવર. એ જમાનામાં સ્ત્રીશિક્ષણનું નામનિશાન ન મળે. ઘરમાં રહી જે ભણે તે. નાની વયે દીકરીનાં લગ્ન નક્કી કરી દેવાતાં. સાત વર્ષનાં કસ્તૂરબાની સગાઈ સાડાછ વર્ષના મોહનદાસ સાથે કરાઈ. તેરમા વર્ષે લગ્ન લેવાયાં. પરણીને કસ્તૂરબા ગાંધીજીને ઘેર આવ્યાં. ગાંધીજી વકીલાતનો અભ્યાસ કરવા વિલાયત ગયા. બેરિસ્ટર બનીને પાછા ફર્યા. પછી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્રણ વર્ષ પછી આવ્યા. કસ્તૂરબા અને દીકરાઓ સાથે ફરી દક્ષિણ આફ્રિકામાં. અહીં કસ્તૂરબાએ પ્રથમ જેલવાસ વેઠ્યો.
૧૪ માર્ચ, ૧૯૧૩… દક્ષિણ આફ્રિકામાં એવો કાયદો પસાર થયો કે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે જે લગ્નની નોંધણી થઈ હોય તે જ માન્ય રહેશે. તે સિવાયનાં લગ્નને કાયદામાં સ્થાન નથી, આથી હિંદુ, મુસલમાન, પારસી ધર્મ પ્રમાણે થયેલાં લગ્ન રદ ગણાયાં. આ સ્થિતિ સ્ત્રી અને પુરુષ બન્ને માટે અસહ્ય થઈ પડી. આ કાળો કાયદો રદ કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. આ લડતમાં સ્ત્રીઓને પણ જોતરવાનો નિશ્ર્ચય કર્યો.
કસ્તૂરબા પણ આ લડતમાં જોડાયાં. લડત લડતાં જેલમાં જવું પડે એમ હતું. ગાંધીજીએ કહ્યું: તારી તબિયત ઠીક નથી. જેલનો ખોરાક માફક ન આવે તો તારે ફળ માગવાં. ન આપે તો ઉપવાસ કરવા. ન કરે નારાયણ ને તું જો જેલમાં મરીશ તો હું તને જગદંબાની જેમ પૂજીશ. બા લડતમાં જોડાયાં. જેલમાં ગયાં. ખોરાક માફક ન આવવાથી ફળ માગ્યાં.
ચાર દિવસના ઉપવાસ પછી સરકાર ઝૂકી. પાંચમે દિવસે ફળ મળ્યાં. કસ્તૂરબા અને અન્ય સ્ત્રીઓના સત્યાગ્રહનો પણ વિજય થયો. સરકારે કાળો કાયદો પાછો ખેંચ્યો. કસ્તૂરબા સહિત સૌ સ્ત્રીઓ જેલમુક્ત થઈ. સૌ સારું જેનું છેવટ સારું.
આ ઘટનાનાં બે વર્ષ બાદ ગાંધીજી કસ્તૂરબા અને બાળકો સાથે ભારત પાછા ફર્યા. દેશની પરિસ્થિતિથી ગાંધીજી અકળાયા. એમણે રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. કસ્તૂરબાએ એમાં આગળ પડતો ભાગ લીધો. બાપુ બાને સાથે રાખીને અહિંસક લડતો લડ્યા. બન્ને પરસ્પરને સારી પેઠે સમજતાં. બા અને બાપુ એક ઘરમાં હોય, પાસે પાસેના ઓરડામાં હોય, કશું ખાસ એકમેક સાથે બોલે નહીં, પણ જોનારને આખો વખત લાગ્યા કરે કે બન્ને એકમેકને ઊંડે ઊંડે ખૂબ સમજે છે. કસ્તૂરબાએ કોઠાસૂઝથી બાપુના જીવનનું વલણ એક વાર સમજી લીધું. તે પછી નાની નાની બાબતમાં કેમ વર્તવું, એ એમને અંદરથી જ સમજાઈ જતું. આંતરસૂઝથી એમણે બાપુને પગલે પગલે સાથસહકાર આપ્યો. ઘરમાં પણ અને સ્વતંત્રતા સંગ્રામના સત્યાગ્રહોમાં પણ!
ગાંધીજીએ હિન્દમાં પ્રથમ સત્યાગ્રહની લડત બિહારના ચંપારણમાં ઉપાડી. બા પણ જોડાયાં. ગાંધીજીએ ભીતિહરવા ગામમાં શાળા શરૂ કરી. બીજાં ભાઈબહેનો સાથે બાને ત્યાં મૂક્યાં. બાનું કામ આખા ગામમાં ફરવાનું અને લોકોને દવા આપવાનું હતું. બાના વાત્સલ્ય અને સૌજન્યથી તેઓ ગામમાં લોકપ્રિય થઈ પડ્યાં. બાને ગુજરાતી કે હિંદીમાં ભાષણ કરવા માટે અક્ષરજ્ઞાનનો અભાવ ક્યારેય ન નડ્યો. પોતાની સાદીસીધી વાત સામા માણસને ગળે શીરાની જેમ ઉતારી શકતાં. લોકો એમને દયાની દેવી કહેતાં.
ચંપારણનું કામ પૂરું થાય, ત્યાં તો ખેડા જિલ્લામાં સત્યાગ્રહનાં મંડાણ થયાં. બા બાપુની સાથે ત્યાંનાં ગામડાંમાં પહોંચ્યાં. ખેડા જિલ્લાના તોરણા ગામે ત્યાંના મહેસૂલ અધિકારીએ ગામનાં મોટા ભાગનાં ઘેર ઓચિંતી જપ્તીઓ કરી. બા તોરણા પહોંચ્યાં. લોકોને આશ્ર્વાસન આપ્યું. સત્યના પાયા પર મંડાયેલી લડતની ફિલસૂફી સમજાવતાં કહ્યું: આપણા પુરુષોએ સત્યને ખાતર સરકાર સામે જે લડત ઉપાડી છે તેમાં તેમને પ્રોત્સાહન આપવું. સરકાર જે દુ:ખ દે છે તે સહન કરવું, પણ સરકારને એકેય પૈસો આપવો નહીં, કારણ રૈયત સરકારને કહે છે કે પાક નથી થયો, ત્યારે સરકારે તે માનવું જોઈએ. નથી માનતી તો દુ:ખ સહન કરવું, પણ આપણી પ્રતિજ્ઞા પરથી હટવું નહીં. બાના પ્રેરક પ્રવચનથી તોરણા ગામની બહેનોમાં અદમ્ય ઉત્સાહ આવ્યો. એમણે પાછીપાની ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
એ પછી બારડોલી સત્યાગ્રહમાં બીમારોની સુશ્રૂષા કરવા કસ્તૂરબા ગામેગામ ફર્યાં. બાપુ તો મોટા માણસ લાગે, પણ બા સૌને પોતીકાં લાગે. બા કહેતાં: હંમેશાં સફાઈ રાખવી, ખૂબ શ્રમ કરવો અને પ્રામાણિક રહેવું, રેંટિયો ફેરવવો.
ખાદી અને રેંટિયો આઝાદીના આંદોલનનાં પ્રતીક હતાં. કસ્તૂરબા ખાદીને રંગે રંગાયાં. ખાદીનાં પ્રચારક બન્યાં. બાને ખાદી પ્રત્યે એટલો પ્રેમ થઈ ગયો કે હાથે-પગે કાંઈ વાગે તો પાટો પણ ખાદીનો જ બાંધે, ભલે એ ખરબચડો હોય અને વાગેલામાં ખૂંચે. પાણી-શરબત કે ઉકાળો ગાળવાનો હોય, તો એમાં પણ ખાદી જ ખપે. સ્વદેશી અને ખાદી વિશે બાએ અનેક વખત ભાષણો કરેલાં. બાના સંદેશનો લોકો પર પ્રભાવ પડ્યો. ઠેર ઠેર પરદેશી કાપડની હોળી થવા લાગી. રેંટિયા ગુંજવા લાગ્યા. લોકોએ શુદ્ધ ખાદી પહેરવી શરૂ કરી.
દાંડીકૂચ અને ધરાસણાની લડત વખતે બાપુએ બહેનોને વિદેશી કાપડનો બહિષ્કાર અને મદ્યપાન નિષેધના કાર્યક્રમો આપ્યા. સ્વરાજ્ય સંઘ નામની સંસ્થા રચાઈ. કસ્તૂરબાએ કામ સંભાળી લીધું. બોરસદ સત્યાગ્રહ અને રાજકોટ સત્યાગ્રહમાં પણ કસ્તૂરબા જોડાયેલાં.
સત્યાગ્રહમાં ભાગ લેવાની સાથે કસ્તૂરબાએ જેલવાસ પણ વેઠ્યો. ૧૯૩૨, ૧૯૩૩, ૧૯૩૯ અને ૧૯૪૨માં પણ જેલમાં ગયાં. જેલમાં રહીને દશરીબહેન ચૌધરી પાસે લખતાં-વાંચતાં શીખ્યાં. સાથે જ જેલમાં બહેનોને હૂંફ ને હિંમત આપતાં. એમનું અવસાન પણ જેલમાં જ તો થયેલું!
૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪… આગાખાન મહેલમાં કસ્તૂરબાનો દેહવિલય થયો. એમની અંતિમ ઈચ્છા હતી મૃત્યુવેળાએ ખુદ બાપુએ કાંતેલી સૂતરની લાલ કિનારીવાળી સફેદ સાડી ઓઢવાની. બાપુએ એમની ઈચ્છા પૂરી કરી. છેલ્લી માંદગી વેળાએ બાને હાંફને કારણે સૂવામાં તકલીફ પડતી, એથી બા મેજ પર માથું મૂકીને સૂઈ જતાં. આ મેજ ગાંધીજીએ પોતાની પાસે રાખ્યું. એ કહેતા: મારા માટે આ મેજ અમૂલ્ય છે. એના પર માથું મૂકીને બેઠેલી બાનું ચિત્ર મારી નજર આગળ હંમેશાં રહે છે… મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવી હોય તો હું બાને જ પસંદ કરું.
સ્વાતંત્ર્યસંગ્રામની વીરાંગનાઓમાં કસ્તૂરબા અમર થઈ ગયાં છે. એક જાણીતી કહેવત છે કે પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પણ એમાં થોડો ફેરફાર કરીને કહેવું પડે કે ગાંધીજીની સફળતા પાછળ કસ્તૂરબાનો માત્ર હાથ નહોતો, પણ પૂરેપૂરો સાથ હતો!
આ બેલડીને જોઈને જ પેલી પંક્તિઓ રચાઈ હશે કે –
નૌકા છે આ જિંદગી સાગર છે સંસાર
સ્નેહ સુકાની જો મળે તો છે બેડો પાર…

Google search engine