કાશ્મીરના યુવાનોને નવી રાહ ચીંધતું કાશ્મીરી યુવાનનું ઇકો-વિલેજ

પુરુષ

સાંપ્રત-અનંત મામતોરા

કાશ્મીરનું સૌંદર્ય કેવું છે એ આખું વિશ્ર્વ જાણે છે. કાશ્મીરને પૃથ્વીનું સ્વર્ગ અમસ્તું નથી કહેવાતું. બદલાતા સમય સાથે કાશ્મીરને પણ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનથી બચાવવા પહેલાંથી પગલાં લેવાં જોઈએ, જેથી પૃથ્વી પરનું સ્વર્ગ હંમેશાં સ્વર્ગ જ રહે. કાશ્મીરીઓ પણ આ સૌંદર્ય સચવાઈ રહે તેને માટે પોતાની રીતે પ્રયત્નો કરતા રહે છે. કાશ્મીરના ગાંદરબલના રહેવાસી ફૈયાઝ અહમદ ડારે કાશ્મીર ખીણમાં પહેલું અને એકમાત્ર ઇકો-વિલેજ બનાવ્યું છે. તેઓ ઈચ્છે છે કે તેને કારણે ખીણમાં પર્યટનનો વિકાસ થાય અને કાશ્મીરી યુવાનોને જીવનનો એક નવો રાહ મળે.
પહેલાં શિક્ષણ માટે અને પછી નોકરીને કારણે ફૈયાઝ દેશનાં અલગ અલગ રાજ્યોમાં અને વિદેશમાં રહ્યા, પણ પોતાના વતનથી તેઓ લાંબો સમય દૂર રહી ન શક્યા અને ૨૦૧૦માં કાશ્મીર પાછા આવીને તેમની પાસે એક લક્ષ્ય હતું. તેઓ પોતાના વતન અને તેના લોકો માટે કામ કરવા માગતા હતા. કાશ્મીરની ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને આગળ વધારવા અને પ્રોત્સાહન આપવા માગતા હતા. રાજ્યની બહાર રહેવા છતાં તેમનું હૃદય હંમેશાં વતનને ઝંખતું રહ્યું. પોતાના વતનપ્રેમને કારણે તેઓ વધુ સમય વતનની બહાર રહી શક્યા નહીં અને કાશ્મીર પરત ફર્યા. પાછા આવ્યા પછી તેમણે ગાંદરબલમાં ઇકો-વિલેજ શરૂ કર્યું છે. વર્ષ ૨૦૧૬માં શરૂ થયેલું આ કાશ્મીરનું પહેલું અને એકમાત્ર ઇકો-વિલેજ છે.
જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ આપવાનું લક્ષ્ય
સિંધુ નદીને કાંઠે વસાવેલું આ ઇકો-વિલેજ કાશ્મીરના સાંસ્કૃતિક અને પરંપરાગત વારસાના જતન અને સંવર્ધન માટેની એક અનોખી પહેલ છે. સાથે સાથે તે ટકાઉ જીવનનું મહત્ત્વ પણ સમજાવે છે.
દોઢ એકરમાં ફેલાયેલા આ ઇકો-વિલેજમાં માટીનાં ઘર છે, ઓર્ગેનિક ખેતર છે અને ખેતરમાં ઊગતાં શાકભાજી ત્યાંની રસોઈમાં ઉપયોગમાં લેવાય છે. તે ઉપરાંત ઝીરો વેસ્ટ કોન્સેપ્ટ અપનાવ્યો છે. અહીં કોઈ ચીજ કચરામાં નથી જતી. આ રીતે ટકાઉ પર્યટનને પ્રોત્સાહન અપાય છે.
અહીં આવનારા મહેમાનોના મનોરંજનનો પણ ભરપૂર ખ્યાલ રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે રહેણાક અને શૈક્ષણિક કેમ્પ, વર્કશોપ અને તાલીમની સુવિધાઓ ઉપલબ્ધ છે. જો કોઈ પોતે ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી જગ્યા તૈયાર કરવા માગતું હોય તો તેમને ક્ધસલ્ટેશન સર્વિસ પણ આપવામાં આવે છે.
ફૈયાઝ ડાર જણાવે છે, ‘આ ઇકો-વિલેજ માત્ર એક સસ્ટેનેબલ મનોરંજનની જગ્યા ન બની રહે, પણ યુવા પેઢી, ખાસ કરીને કાશ્મીરની યુવા પેઢીને પોતાની વાસ્તવિક ક્ષમતાઓ જાણીને, બહેતર જીવન જીવવાની દિશામાં માર્ગદર્શન મળે તેવો પ્રયાસ છે.’
નોકરીને અલવિદા કહીને શરૂ કર્યું ઇકો-વિલેજ
ફૈયાઝ જણાવે છે કે ‘મેં કામના સંદર્ભે ખૂબ પ્રવાસ કર્યો છે. તેને કારણે વિભિન્ન સંસ્કૃતિઓ અને લોકો વિષે સારી જાણકારી પ્રાપ્ત થઈ છે. તે અનુભવોએ મને મારી જન્મભૂમિ માટે કશુંક કરવાની અવશ્યકતાનો અહેસાસ કરાવ્યો.’
ફૈયાઝે કારકિર્દીની શરૂઆત હોમિયોપેથિક ડિસ્પેન્સરીમાં આસિસ્ટન્ટ તરીકે કરી. ત્યાર બાદ તેમણે ઘણાં સેક્ટર્સમાં કામ કર્યું, પોતાને અપડેટ કર્યા, યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનમાં એક એડ્મિનિસ્ટ્રેટિવ એન્ડ પ્રોજેક્ટ ઓફિસર બન્યા.
વર્ષ ૨૦૦૯માં આ નોકરી છોડી યુએસના એક કોર્સમાં એડમિશન લીધું. પછી ત્યાંથી કાશ્મીર પાછા ફર્યા. તેઓ કહે છે, ‘મારી જીવનયાત્રાએ મને એ સમજવામાં મદદ કરી કે કાશ્મીરમાં પાલન-પોષણ કઈ રીતે થાય છે અને અમારી સુરક્ષાની ચિંતાને કારણે મોટા ભાગના લોકો પોતાની સર્જનાત્મક ચીજો છોડી દે છે.’
ઇકો-વિલેજની શરૂઆત કેવી રીતે થઈ?
ફૈયાઝે પાછા ફરીને યુવાનો સાથે કામ કરવાનું નક્કી કર્યું જેથી તેમને પોતાના અનુભવોમાંથી શીખવી શકે. તે માટે તેમણે એક બિન-નફાકારક સંસ્થા શરૂ કરી. તેમાં અન્ય બિન-સરકારી સંગઠનો સાથે સહયોગમાં યુવાનોની જરૂરિયાત સમજવા પાર્ટિસિપેટરી પ્રોજેક્ટ્સ પર કામ કર્યું.
સૌથી પહેલા રિસર્ચ પ્રોજેક્ટનું નામ ‘નીડ્સ એસેસમેન્ટ ઓફ યુથ’ હતું. તેમાં લદાખ અને જમ્મુની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની સમસ્યાઓ સમજવાનો અને તેનાં સમાધાનો શોધવાનો પ્રયત્ન થયો.
બદહાલ જમીનની તસવીર બદલાવી
ફૈયાઝ કહે છે કે ઇકો-વિલેજ બનાવવા ૨૦૧૩માં તેમણે સાવ વેરાન એવી જમીન ખરીદી. પાણી, વીજળી જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નહોતી અને પથ્થરો અને કાંટાઓથી ભરેલી હતી. જોકે ફૈયાઝને વિશ્ર્વાસ હતો કે તે પરિવર્તન લાવી શકશે. તેઓ કહે છે, ‘ધીરે ધીરે અને અવિરત, સ્વયંસેવકો અને કર્મચારીઓની મદદથી, જમીનને આજની સ્થિતિમાં બદલવા સક્ષમ થયા છીએ. ત્યારથી લઈને તેમના સ્વપ્નનું ઇકો-ફ્રેન્ડલી વિલેજ જે કાશ્મીરની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ હોય, તેને આકાર લેતાં ત્રણ વર્ષ લાગ્યાં. તેને બનાવવા પોતાની બધી જ બચત ખર્ચી નાખ્યા ઉપરાંત મિત્રો અને પરિવાર પાસેથી ઉધાર નાણાં પણ લીધાં. તેમણે કુલ ૬૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમના ઇકો-વિલેજમાં હવે એક ઇકો-કલ્ચરલ, મનોરંજક અને શૈક્ષણિક ફાર્મ અને કેમ્પિંગની સુવિધા છે. જૂના સમયની જેમ અહીં માટીનાં ઘર અને કોટેજ બનાવાયાં છે અને આ ઘરોમાં લાકડાં અને વાંસનો ઉપયોગ કરીને સજાવટ કરાઈ છે. તે ઉપરાંત અહીં જમવાનું પીરસવા માટેનાં વાસણો પણ માટીનાં બનાવેલાં છે.
કઈ કઈ સુવિધાઓ છે?
ફૈયાઝ જણાવે છે કે ‘નિર્માણમાં આવશ્યક બધી સામગ્રીઓ સ્થાનિક છે. ત્યાં સુધી કે ફર્નિચર પણ સ્થાનિક લાકડાનું બનાવેલું છે.’
રજાઓ માણવા સિવાય આ ઇકો-વિલેજમાં અનેક રીતની ઇવેન્ટ, રિટ્રીટ, સોશિયલ ગેધરિંગ, ટ્રેક, વર્કશોપ, ઇકો-થેરપી, આર્ટ-થેરપી સેશન્સ પણ થાય છે. કાશ્મીરની બહારથી આવેલા લોકો માટે ઓર્ગેનાઇઝેશન ટ્રાન્સફોર્મેશન એજ્યુકેશન, વર્ક, ડેવલપમેન્ટ એન્ડ લીડરશિપ કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ક્ધસલ્ટિંગ પ્રોગ્રામ માટે સુવિધાઓ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.