આજે રંગોનો ઉત્સવ હોળી ઉજવાઈ રહ્યો છે, પરંતુ ભારતના અન્ય રાજ્ય કે શહેરોમાં તો હોળીની પહેલાંથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. વારાણસીમાં શુક્રવારથી જ રંગભરી અગિયારસના હોળીની ઉજવણીની શરૂઆત કરવામાં આવે છે. વારાણસી એક એવું શહેર છે કે જ્યાં હોળીના તમામ રંગ જોવા મળે છે, પરંતુ અહીં એક હોળીની પરંપરા એવી છે કે, જે દુનિયામાં અન્ય કોઈ જગ્યાએ જોવા નથી મળતી અને આ હોળી એટલે મસાણ હોળી. એટલે કે સ્મશાનમાં રમવામાં આવતી હોળી.
કાશીમાં એવી માન્યતા છે કે, રંગભરી અગિયારસના આગળના દિવસે બાબા વિશ્વનાથ મહાસ્મશાન મણિકર્ણિકા ઘાટ પર તેમના ગણો સાથે હોળી રમ્યા હતા. બસ ત્યારથી સળગતી ચિતાઓ વચ્ચે ડમરું અને શંખના અવાજ વચ્ચે અઘોરી, તાંત્રિક અને સાધુ-સંત એકબીજાને રાખ લગાવીને આ મસાણ હોળી રમે છે.
અહીં લોકોમાં એવી માન્યતા પણ છે કે આ અદ્ભુત હોળી રમવા અને તેની છટા જોવા માટે ખુદ બાબા વિશ્વનાથ અદૃશ્ય રૂપમાં આવે છે અને તેમાં સામેલ પણ થાય છે. બનારસના વિશ્વવિખ્યાત મણિકર્ણિકા ઘાટ પર આવી હોળી રમવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે.
કાશીના મહાસ્મશાનની આ હોળી એક અનોખી હોળી છે અને આજે પણ આ હોળીની એક ઝલક જોવા માટે દુનિયામાંથી હજારોની સંખ્યામાં લોકો વારાણસી આવે છે.
હોળી રમવાની શરૂઆત કરતાં પહેલાં મસાણનાથનો શ્રૃંગાર, પૂજા અને આરતી કરવામાં આવે છે અને ત્યાર બાદ ભસ્મ અને ગુલાલથી હોળી રમવામાં આવે છે.
એક હિંદુ પૌરાણિક કથા અનુસાર, ભગવાન શંકરે મહાશિવરાત્રિના દિવસે દેવી પાર્વતી સાથે વિવાહ કર્યા હતા અને લગ્ન બાદ થોડાક દિવસ માટે માતા પાર્વતી પિયર ગયા હતા. એવી માન્યતા છે કે, બે અઠવાડિયા પછી, રંગભરી અગિયારસે ભગવાન શિવ તેમને લગ્ન પછી પહેલી વાર કાશી લઈ આવ્યા હતાં. એવું પણ માનવામાં આવે છે કે, કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન શિવના ભક્તોએ દેવી પાર્વતી આવ્યા હોવાનો જશ્ન મનાવ્યો હતો. પરંતુ શિવના ભક્તોને રંગથી હોળી રમવાની તક મળી નહોતી, તેથી ભગવાન સ્વયં ભસ્મથી તેમની સાથે હોળી રમવા માટે સ્મશાન ઘાટ આવ્યા હતા… આવો તસવીરોમાં જોઈએ આ અનોખી હોળીની એક ઝલક…