Homeટોપ ન્યૂઝકાશી અને તમિળનાડુ ‘શિવમય’ અને ‘શક્તિમય’: મોદી

કાશી અને તમિળનાડુ ‘શિવમય’ અને ‘શક્તિમય’: મોદી

વારાણસીમાં ‘કાશી તમિળ સંગમમ્’ના ઉદ્ઘાટન વેળા ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જોડે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (તસવીર: પીટીઆઈ)

વારાણસી: વારાણસીમાં એક મહિનાના ‘કાશી તમિળ સંગમમ્’ ઉત્સવનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાને કાશી અને તમિળનાડુને ‘શિવમય’ અને ‘શક્તિમય’ ગણાવ્યા હતા. વડા પ્રધાને કાશી અને તમિળનાડુને સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાના કાલજયી કેન્દ્રો ગણાવ્યા હતા. દેશના બે મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન જ્ઞાન કેન્દ્રો તમિળનાડુ અને કાશીના હજારો વર્ષના સંબંધોને ફરી ઉજાગર કરીને તેની ઉજવણીના ઉદ્દેશથી ૧૭ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર સુધી યોજાયેલા ‘કાશી તમિળ સંગમમ્’માં મોટી સંખ્યામાં તમિળ શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
વડા પ્રધાને જણાવ્યું હતું કે બન્ને ક્ષેત્રો વિશ્ર્વની બે સૌથી જૂની ભાષાઓ સંસ્કૃત અને તમિળનાં કેન્દ્રો છે. કાશીમાં બાબા વિશ્ર્વનાથ અને તમિળનાડુમાં ભગવાન રામેશ્ર્વરમ્ છે. કાશી અને તમિળનાડુ ‘શિવમય’ અને ‘શક્તિમય’ છે. તમિળનાડુમાં પણ દક્ષિણ કાશી છે.
એક મહિનાના ઉત્સવમાં બે પ્રાંતોના હસ્તકળા, હૅન્ડલૂમનાં વસ્ત્રો, પુસ્તકો, દસ્તાવેજી ચિત્રપટો, વાનગીઓ એ ખાદ્યપદાર્થો, કલાપ્રકારો તથા ઐતિહાસિક અને પર્યટનનાં સ્થળોને પ્રદર્શિત કરવામાં આવશે. ઉત્સવના ભાગરૂપે પરિસંવાદો, વક્તવ્યો, ચર્ચાસભાઓ, વેપાર-ઉદ્યોગ સંબંધી સંવાદ વગેરે કાર્યક્રમોમાં સામેલ થવા માટે તમિળનાડુના ૨૫૦૦ ડેલિગેટ્સ વારાણસીમાં પહોંચ્યા છે. વડા પ્રધાનના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ઉપક્રમના ભાગરૂપે ‘કાશી તમિળ સંગમમ્’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપક્રમનો ઉદ્દેશ ભારતની વિવિધતામાં એકતાને પ્રદર્શિત કરવાનો છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular