કસબા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અને કસબામાં કોંગ્રેસે ઐતિહાસિક જિત હાંસિલ કરી છે. ભાજપના ગઢ ગણાતા કસબામાં કોંગ્રેસના રવિન્દ્ર ધંગેકરે વિજય મેળવીને ભાજપને પરાજનો સ્વાદ ચખાડ્યો છે. કસબામાં આ વખતે ભાજપ અને મવિઆમાં કાંટેની ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસના રવિન્દ્ર ધંગેકર પહેલાં રાઉન્ડથી જ લીડ હાંસિલ કરી લીધી હતી.
જનતાનો મારો વિશ્વાસ છે આ વિશ્વાસ તેમણે મારા પર મત આપીને વ્યક્ત કર્યો છે, એવી પ્રતિક્રિયા રવીન્દ્ર ધંગેકરે વ્યક્ત કરી હતી. જે દિવસે ભાજપે મારી સામે પ્રચાર કરવા માટે 40 સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારવી પડી, આ સિવાય મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રચાર માટે ઉતરવું પડ્યું એ જ સમયે હું જિતી ગયો હતો, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
રવીન્દ્ર ધંગેકર ભાજપના હેમંત રાસણેની સામે કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શિવસેનાની મહાવિકાસ આઘાડીના ઉમેદવાર હતા. લાંબા સમયથી ભાજપના ગઢ એવા કસબા મતદાર સંઘમાંથી ઊભા રહેલાં રવિન્દ્ર ધંગેકરને લોકો એક શક્તિશાળી ઉમેદવાર તરીકે જોઈ રહ્યા હતા. 2009ની વિધાનસભાની ચૂંટણીમાં કસબાથી ચૂંટાઈ આવેલા ભાજપના તત્કાલિન ઉમેદવાર ગિરીશ બાપટની સામે સાવ નજીવા માર્જિનથી તેમનો પરાજય થયો હતો.
રવિન્દ્ર ધંગેકર 25 વર્ષથી કસબામાં નગરસેવક રહી ચૂક્યા છે. તેથી જનતાનું હંમેશા તેમનું સમર્થન રહ્યું છે. એટલું જ નહીં તેઓ સર્વસામાન્ય જનતાના નેતા છે અને રાત દિવસ જોયા વગર તેઓ જનતાની સમસ્યાઓ ઉકેલવા માટે પહોંચી જાય છે, એવી તેમની ખ્યાતિ છે.