બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ તેની અભિનય પ્રતિભાના જોરે લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. કાર્તિકની ફિલ્મ ભૂલભુલૈયા-2ને પણ દર્શકો તરફથી સારો આવકાર મળ્યો હતો અને તે 2022ની અત્યાર સુધીની સૌથી વધુ નફો રળનારી હિન્દી ફિલ્મ બની હતી. કાર્તિક આર્યને હવે એક એવું કામ કર્યું છે જેના વખાણ બધા કરી રહ્યા છે. કાર્તિકે લગભગ 9 કરોડ રૂપિયાની જાહેરાતની ડીલ ઠુકરાવી દીધી છે.

આ જાહેરાત તમાકુ બ્રાન્ડ પાન મસાલાની હતી. અભિનેતા પોતાના ચાહકોમાં કોઈ ખોટી વાતને પ્રમોટ કરવા નથી માંગતો, તેથી જ તેણે આટલી મોટી ઓફર ઠુકરાવી દીધી છે. એક મોટી ઓફરને ઠુકરાવીને, કાર્તિક આર્યેને તેની પેઢીના તમામ કલાકારો માટે એક દાખલો બેસાડ્યો છે. જ્યાં ઘણા મોટા બોલિવૂડ સુપરસ્ટાર્સ પાન મસાલા અને તમાકુની જાહેરાત કરવાનું ચૂકતા નથી, ત્યાં કાર્તિક આર્યનનું આ પગલું ખૂબ જ પ્રશંસનીય માનવામાં આવે છે.

આ વાતની પુષ્ટિ કરતા એક ઉચ્ચ કક્ષાના એડ ગુરુએ કહ્યું- ‘ હા, કાર્તિકે પાન મસાલા કંપનીની 9 કરોડની ઓફર ઠુકરાવી દીધી છે. કાર્તિકના કેટલાક સિદ્ધાંતો છે, જે આજકાલ ઇન્ડસ્ટ્રીના બહુ ઓછા કલાકારોમાં જોવા મળે છે. કાર્તિક યુથ આઈકોન છે અને તે પોતાની જવાબદારી સમજે છે તે ખૂબ જ સારી વાત છે.

કાર્તિક આર્યનના આ નિર્ણયની સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને નિર્માતા પહલાજ નિહલાનીએ પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું- પાન મસાલા લોકોનું જીવન છીનવી રહ્યું છે. બોલીવૂડના કહેવાતા રોલ મોડલ આ ગુટખા કંપનીઓની જાહેરાતોનો પ્રચાર કરીને દેશના લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે.

નોંધનીય છે કે કાર્તિક પહેલા સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને તમાકુ કંપનીની જાહેરાતની ઓફર ઠુકરાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ અલ્લુને કરોડો રૂપિયાની ઓફર કરી હતી. અલ્લુ પોતાના ચાહકો વચ્ચે કોઈ ખોટી વાતને પ્રમોટ કરવા માગતો ન હતો. અલ્લુ પોતે તમાકુનું સેવન નથી કરતો. આ કારણોસર, તેણે તમાકુ કંપનીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો.

થોડા મહિના પહેલા અક્ષય કુમાર પણ પાન મસાલાની જાહેરાત માટે ટ્રોલનો શિકાર બન્યો હતો.ચાહકો તેના પર એટલા નારાજ હતા કે તેમણે અક્ષયની ફિલ્મોનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી. આ પછી અક્ષયે માફી પત્ર આપવો પડ્યો હતો. અક્ષયે બધાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી હતી.

કાર્તિકના કામની વાત કરીએ તો તે ટૂંક સમયમાં કૃતિ સેનન સાથે શહેઝાદામાં જોવા મળશે અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્માતા સમીર વંશમાન દ્વારા નિર્દેશિત સત્યપ્રેમ કી કથાનું શૂટિંગ પણ શરૂ કરશે.

Google search engine