હિન્દી ફિલ્મોથી મોઢું ફેરવી લેનારા દર્શકો થિયેટર તરફ પાછા વળે એ માટે કથામાં નવીનતા – તાજગીની જરૂરિયાત પર ભાર આપવામાં આવે છે એ જ રીતે યંગ સ્ટારની હાજરી પણ આવશ્યક છે અને ‘ભૂલભૂલૈયા ૨’નો એક્ટર એ વ્યાખ્યામાં ફિટ બેસે છે
કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી
આર્થિક વળતરના માપદંડથી આ વર્ષ હિન્દી ફિલ્મો માટે અત્યંત નબળું રહ્યું છે. બે આંગળીના વેઢામાંગણતરી પૂરી થઈ જાય એટલી જ ફિલ્મો સફળ સાબિત થઈ છે. દેશમાં ૧૦૦ કરોડથી વધુ કલેક્શન મેળવનાર માત્ર પાંચ જ ફિલ્મ છે અને એમાંથી ૨૦૦ કરોડના કલેક્શનને પાર કરનારી એક ફિલ્મ છે ‘ભૂલભૂલૈયા ૨’. આ ફિલ્મનો હીરો છે કાર્તિક આર્યન અને એના પરફોર્મન્સ બદલ ખાન ત્રિપુટી (આમિર – સલમાન – શાહરુખ)એ એનો ખભો થાબડ્યો છે. ૫૫ વર્ષથી વધુ ઉંમરની ખાન ત્રિપુટી અને અક્ષયકુમારથી હવે દર્શકો ધરાઈ ગયા છે ત્યારે થર્ટી પ્લસની આજની ધમાકેદાર નવી ત્રિપુટી વરુણ ધવન – કાર્તિક આર્યન – વિકી કૌશલમાં કાર્તિકનુંપલડું ભારે હોવાની ચર્ચા ફિલ્મ વર્તુળમાં થઈ રહી છે. હિન્દી ફિલ્મોથી રિસાઈ ગયેલા પ્રેક્ષકો થિયેટર તરફ પાછા વળે એ માટે કથામાં નવીનતા – તાજગીની જરૂરિયાત પર ભાર મુકવામાં આવે છે અને એની સાથેસાથે ૫૫ પ્લસ એક્ટર્સની બદલે યંગ સ્ટાર્સની હાજરી પણ આવશ્યક હોવાની દલીલ કરવામાં આવે છે ત્યારે ક્યૂટ, કિલર અને કિંગના લેબલ મળ્યા હોવાથી એ વ્યાખ્યામાં કાર્તિક ફિટ બેસે છે. વરુણ અને વિકીની સરખામણીમાં કાર્તિક યંગ ગર્લ્સને વધુ ક્યૂટ – કિલર લાગે છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા યંગસ્ટર્સે તો કાર્તિકને ‘આવતી કાલનો શાહરુખ’ ગણાવી દીધો છે. આ સંદર્ભમાં બીજી રસપ્રદ વાત એ છે કારકિર્દીના પ્રારંભમાં – ચોક્કસપણે કહેવું હોય તો ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ પહેલા – શાહરુખે ઈમેજની ચિંતા કર્યા વિના ‘બાઝિગર’, ‘ડર’ અને ‘અંજામ’માં નેગેટિવ શેડ ધરાવતા રોલ કર્યા હતા. પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ અને ત્યારબાદ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ની સફળતા પછી કાર્તિકે સ્વીટ અને લવર બોયની ઈમેજને વળગી ન રહેતા વરાયટીને પ્રાધાન્ય આપ્યું. ઓટીટી પ્લેટફોર્મ પર ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ધમાકા’ની અલગ અને તાજેતરમાં રિલીઝ થનારી ‘ફ્રેડી’માં કાર્તિકે નેગેટિવ શેડની પડકારરૂપ ભૂમિકા સ્વીકારી અનાયાસે કિંગ ખાનની બરાબરી કરી લીધી છે. બેનર કે પૈસા નહીં પણ રોલ દમદાર લાગે તો જ સ્વીકારવો એ આજના નવા એક્ટર્સનો મંત્ર છે અને એટલે જ હિટ ગયેલી ‘ભૂલભૂલૈયા ૨’ના દિગ્દર્શક અનીસ બઝમીની આગામી એક્શન ફિલ્મ માટે કાર્તિકને જ લેવાનો આગ્રહ હોવા છતાં એ રોલ પસંદ ન પડવાથી કામ કરવાની અભિનેતાએ ના પાડી દીધી છે.
આજના યંગ સ્ટાર ગ્લેમરની દુનિયા માટે સોશિયલ મીડિયાનું મહત્ત્વ સમજે છે. કાર્તિક સોશિયલ મીડિયા પર ખાસ્સો વ્યસ્ત રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર એના અઢી કરોડ ફોલોઅર્સ છે. હાર્ટ અને ફાયરના ઈમોજીનો તો એના પર વર્ષાવ જ થતો હોય છે. કાર્તિક યંગસ્ટર્સમાં કેટલો લોકપ્રિય છે એ સંદર્ભમાં કથા – પટકથા – સંવાદ લેખક રોબિન ભટ્ટે કહેલીવાત જાણવા જેવી છે. પંદરેક વર્ષની એક છોકરીએ એક ફિલ્મ પાર્ટીમાં સાથે આવવાની વાત કરી ત્યારે રોબિન ભાઈ તેમને લઈ ગયા. પાર્ટીનાસ્થળે પહોંચ્યા પછી મિસ્ટર ભટ્ટે તારે શાહરુખને મળવું છે એવું પૂછ્યું ત્યારે છોકરીએ ના પાડી. બીજા એક – બે સિનિયર અને લોકપ્રિય અભિનેતાના નામ આપ્યા પણ છોકરીએ નકારમાં જ ડોકું ધૂણાવ્યું. તો તારેકોને મળવું છે એવું પૂછતાં તેણે કાર્તિક આર્યનનુંનામ આપ્યું. આ કિસ્સો છે મહામારી પહેલાનો અને આજે તો કાર્તિકની લોકપ્રિયતાનો ગુણાકાર થઈ ગયો છે. ‘ભૂલભૂલૈયા ૨’ની સફળતા પછી કાર્તિકે એની ફી બમણી કરી નાખી છે.
૨૦૦૭ની ‘ભૂલભૂલૈયા’માં અક્ષય કુમાર હતો અને ‘ભૂલભૂલૈયા ૨’માં કાર્તિક છે અને ‘હેરા ફેરી’ (૨૦૦૦) અને ‘ફિર હેરા ફેરી’ (૨૦૦૬)માં અક્ષયકુમાર હતો અને તાજી માહિતી અનુસાર ‘હેરા ફેરી ૩’ માટે કાર્તિક આર્યનનું નામ લગભગ નક્કી થઈ ગયું છે. કેટલાક લોકો મજાકમાં કાર્તિકને બદલી કલાકાર તરીકે સંબોધે છે. કોઈકે તો એવી મજાક પણ કરી કે ‘મિશન ઈમ્પોસિબલ’ સિરીઝની નવી ફિલ્મમાં ટોમ ક્રુઝને બદલે કાર્તિકને લેવામાં આવશે. એક ઈન્ટરવ્યૂમાં બદલી કલાકારની વાત નીકળી ત્યારે કાર્તિકે હસતા હસતા કહ્યું કે ‘મેં મિશન ઈમ્પોસિબલ’ના મેમ્સ જોયા. જોઈને એન્જોય કરવાનું. મને ખુશી થઈ છે. સતત લોકોની નજરમાં રહેવાનો આનંદ પણ ક્યારેક માણી લેવાનો. અવગણનાની પીડા હું ખાસ્સો સમય ભોગવી ચુક્યો છું. દિવસો બદલાયછે અને અંધારા પછી અજવાળું હોય જ છે. આ બધું એની જગ્યાએ પણ સૌથી મહત્ત્વની વાત છે સારા રોલની પસંદગી અને નિષ્ઠાથી એ ભજવવાની. મહેનત અને લગન આગળ વધતા ન રોકી શકે.’
અલબત્ત કાર્તિકે અહીં સુધી પહોંચવા તીવ્ર સંઘર્ષ કરવો પડ્યો છે. ગ્વાલિયરથી એન્જિનિયર બનવા મુંબઈ આવેલા કાર્તિક તિવારી (પછી આર્યન)ને ઈન્ડસ્ટ્રીમાં ચકલુંય નહોતું ઓળખતું. નવી મુંબઈની કોલેજમાં એડમિશન લીધા પછી કાર્તિકનુંધ્યાન કલાસના લેક્ચર્સ કરતા સ્ટુડિયોમાં લેવાતા ઓડિશન પર વધારે હતું. લોકલ ટ્રેનની મુસાફરી, એક રૂમમાં ૧૨ જણ સાથે રહેવાનું અને રિજેક્શનના કડવા ઘૂંટ પીવાના એ સમય પણ કાર્તિકે જોયો છે.
અલબત્ત ક્યારેય એ વાતના રોદણાં એ નથી રડ્યો. દરેક પરિસ્થિતિમાં ગોઠવાઈ લગનથી કામ કરવું એ જ એકમાત્ર ધ્યેય રાખ્યું અને એ અભિગમ જ એને આજે આગળ લઈ આવ્યો છે એવું એ માને છે. અલબત્ત માતા – પિતાના આગ્રહનેમાં આપી કાર્તિકે એન્જિનિયરિંગની ડિગ્રી પણ મેળવી લીધી. જોકે, નાનપણથી જ ફિલ્મોનો શોખ હોવાથી એક્ટર તરીકે જ કારકિર્દી બનાવવી એવો મક્કમ નિર્ધાર કર્યો અને પેરન્ટ્સે પણ સાથ આપ્યો.
૧૧ વર્ષમાં ડઝન ફિલ્મ કરનાર કાર્તિક આર્યન થર્ટી પ્લસના એક્ટરોમાં નંબર વન ગણાય છે. સ્વાભાવિક છે કે એની સરખામણી હમઉમ્ર વરુણ ધવન, વિકી કૌશલ અને ટાઇગર શ્રોફ સાથે થાય. જોકે, કાર્તિકને એને કારણે કોઈ અકળામણ નથી થતી. નથી એને પોતાનું સ્થાન જોખમમાં લાગતું. એ તો આ કલાકારમાંથી પ્રેરણા લઈ આગળ વધવામાં માને છે. એક ઈન્ટરવ્યૂમાં કાર્તિકે મોકળા મને જણાવ્યું હતું કે પોતે સમકાલીન અભિનેતાઓની બધી ફિલ્મો જુએછે. એટલું જ નહીં પણ વરુણ અને અન્ય એક્ટરો સાથે ચર્ચા પણ કરે છે. ટાઈગર શ્રોફ ઉત્કૃષ્ટ એક્શન અભિનેતા છે અને રણબીર અને રણવીર કેવા કુશળ એક્ટર છે એની વાત ઉદાહરણ સાથે કરે છે. પોતાના કામમાં એકાગ્રતા જાળવી રાખવાનો ગુણ અને એની ટેલન્ટ તેને ઘણો આગળ લઈ જશે એવું અત્યારે તો ચોકકસ લાગે છે.