Homeઉત્સવકરસન કાકાએ કંચન કાકીને કહ્યું કે કાલે કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી...

કરસન કાકાએ કંચન કાકીને કહ્યું કે કાલે કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કરજો

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

અલંકાર શબ્દ ભાષા અને જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. શબ્દકોશ અનુસાર અલંકાર એટલે ઘરેણું, મંડન, શોભા આપનારી વસ્તુ અથવા આભૂષણ. શરીર પર અલંકાર જેમ સ્ત્રીનું સૌંદર્ય વધારે છે એ જ રીતે ભાષામાં અલંકારની હાજરી ભાષાની સુંદરતામાં વધારો કરે છે. સાહિત્યિક કૃતિમાં રહેલી લાગણી, એનો ભાવ અલંકારની હાજરીને કારણે દીપી ઊઠે છે. કોઈ એક અક્ષર કે વર્ણની હાજરી પંક્તિમાં વારંવાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. વર્ણસગાઈ નામે પણ એ ઓળખાય છે. કવિ કાન્ત (મણિશંકર રતનજી ભટ્ટ)ની અમર રચના ‘સાગર અને શશી’ની બીજી કડીમાં કવિ કહે છે ‘જલધિ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી, કામિની કોકિલા કેલી કૂંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!’ આ પંક્તિઓ વર્ણાનુપ્રાસ અલંકારની હાજરીથી કેવી ખીલી ઊઠે છે એ જોઈ શકાય છે. દિનુકાકાએ દુકાનમાં દિનેશને દિવેલ દીધું. અહીં દ વર્ણ – અક્ષરનું પુનરાવર્તન મધુર ધ્વનિ અને સામાન્ય વાતને સુંદરતા આપે છે. અવિનાશને આવે અન્નકૂટના અહર્નિશ ઓડકાર. સામાન્ય વાત વર્ણાનુપ્રાસને કારણે કેવી મધુર બની ગઈ એ જોઈ શકાય છે. કંચન કાયા ક્યારેક કરમાવાની. આ શરીર ક્ષણભંગુર છે એ ભાવનાને કે વર્ણનું પુનરાવર્તન કેવી આહલાદક બનાવી દે છે કે એમાં રહેલી નાશવંત ભાવના થોડી વાર માટે વિસરાઈ જાય છે. અહંકારની ભાવના અલંકારને કારણે કેવી સચોટ રીતે વ્યક્ત થાય છે એ કાળને કબજે કરવાના કર્યાં કરતૂતો કંઈ કંઈ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. લોક બોલીમાં પણ આ અલંકારની હાજરીને કારણે મૂળમાં જ મીઠી ભાષામાં વધુ ગળપણ ઉમેરાય છે. સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે લોલ ઉદાહરણ કેવું મજાનું છે. આ એ સમયનું ઉદાહરણ છે જ્યારે ઘરની પુત્રવધૂ સસરાની લાજ કાઢતી અને એમની સામે આવવાનું ટાળતી. એ વાતાવરણમાં સાંકડી ગલીમાં જો સસરા સામે મળી જાય તો પુત્રવધૂને કેવી વિમાસણ થાય એ વાત સમજી શકાય છે. વર્ણાનુપ્રાસને લીધે આ ભાવના સચોટ બની સામે આવે છે. કવિતામાં પણ આ અલંકારની હાજરી રચનાને ગેય બનાવી માધુર્ય આપે છે: વિચારી વિચારીને વિસરી દઈએ વાત પણ, વિસરાતી નથી, શું વિસારતા વિસારીએ? વિસરવું એટલે ભૂલી જવું. આ એક જ શબ્દ વિચાર સાથે જોડી જીવનની ફિલસૂફી વ્યક્ત થઈ છે. હવે કવિતામાં નજરે પડતા વર્ણાનુપ્રાસનો લહાવો લઈએ. ઝરૂખેથી ઝૂકી ઝરણા ઝૂમે, ઝૂમક ઝૂમક ઝાંઝર ઝૂમે, ઝરમર ઝરમર ઝીણી ઝીણી ઝંખના ઝાકળભીની ઝૂલે. બીજું ઉદાહરણ: પહેરી પાયલ પનઘટ પર, પનિહારી પલકે પાંપણ પલપલ, પાથરી પાનેતરનો પાલવ, પહોરે પોકારે પ્રીતમ પ્રીતમ. વધુ એક: કોમળ કોમળ કરમાં કંગન, કંચન કેરાં કસબી કંકણ,કંઠે કરતી કોકિલ કૂજન, કુંવારીકાના કાળજે કુંદન. છેલ્લે એક ઉદાહરણ જે તમે જાણતા જ હશો: કરસન કાકાએ કંચન કાકીને કહ્યું કે કાલે કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કરજો.
——-
ALLITERATION
The occurrence of the same letter or sound at the beginning of adjacent or closely connected words is known as Alliteration. બાજુ બાજુમાં અથવા અર્થમાં નિકટતા ધરાવતા શબ્દોની શરૂઆતમાં એક સરખા અક્ષર હોય કે સરખો ધ્વનિ હોય એ એલીટરેશન તરીકે ઓળખાય છે. ટૂંકમાં વર્ણાનુપ્રાસનું અંગ્રેજી સ્વરૂપ. આ પ્રકારનો ઉપયોગ મુખ્યત્વે કવિઓ તેમ જ વિજ્ઞાપન બનાવનાર લોકો વધુ કરતા હોય છે. ભાષાની ચમત્કૃતિ વધુ ધ્યાન ખેંચવામાં અને વાતને પ્રભાવીપણે રજૂ કરવામાં નિમિત્ત બને છે. પહેલો અક્ષર સરખો હોય ત્યારે શબ્દોના ઝૂમખા અલગ સૌંદર્ય નિર્માણ કરે છે. દાખલા તરીકે Humble House, Potential Power Play, Picture Perfect, Money Matters, Rocky Road, or Quick Question. બીજો પ્રકાર છે Symmetrical Alliteration જેમાં પહેલો અને અંતિમ શબ્દ તેમ જ વચ્ચે રહેલા શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય છે. દાખલા તરીકે Rust Brown Blazers Rule. આ ઉદાહરણમાં પહેલા અને ચોથા તેમ જ બીજા અને ત્રીજા શબ્દનો પ્રથમ અક્ષર સરખો છે. Nursery Rhymes (આપણા બાળકાવ્યો)માં પણ એલીટરેશન જોવા મળે છે. Three Grey Geese in a Green field Grazing. Grey were the Geese and Green was the Grazing. Geese એટલે એકથી વધુ હંસ. લીલાછમ ખેતરમાં ગ્રે રંગના ત્રણ હંસ ચરતા હતા. હંસ ગ્રે રંગના હતા અને એ ચરતા હતા એ ઘાસ લીલુંછમ હતું. એલીટરેશનમાં ઝજ્ઞક્ષલીય ઝૂશતયિિં તરીકે ઓળખાતા પ્રયોગ પણ જોવા મળે છે. આ એવા પ્રયોગ છે જે બોલવામાં સામાન્યપણે તકલીફ પડે. અલબત્ત એનો હેતુ ભાષા પરનું પ્રભુત્વ વધારવાનો જ હોય છે. જીભના લોચા વળતું સૌથી પ્રચલિત ઉદાહરણ છે Peter Piper picked a peck of pickled peppers. If Peter Piper picked a peck of pickled peppers, where’s the peck of pickled peppers Peter Piper picked? વાત એક જ છે, પણ શબ્દોની હેરાફેરીને કારણે મજેદાર ધ્વનિ ઉત્પન્ન થાય છે અને સડસડાટ બોલવામાં તકલીફ સુધ્ધાં પડે છે. અલબત્ત જો એ બોલતા ફાવી જાય તો ભાષા પરની પકડ મજબૂત બને છે એ હકીકત છે. અંગ્રેજીનો મહાવરો ઓછો ધરાવતા લોકોની ઉચ્ચારણ શુદ્ધિ વધે એ હેતુથી પણ Tongue Twister ઉપયોગમાં લેવામાં આવે છે. She sells sea-shells by the sea-shore. The shells she sells are sea-shells, I’m sure.. આ ઉદાહરણમાં She – Sea : Sells – Shells શબ્દોના ઉચ્ચારણમાં સામ્ય છે, પણ એના અર્થમાં કેટલો ફરક છે એ સમજાય છે. આવા ઉદાહરણ ભાષાની સમજ વધારવામાં નિમિત્ત બને છે, ખરું ને!
——-
शब्द एक अर्थ वेगळे
મરાઠીમાં અનુપ્રાસ અલંકારની હાજરી ભાષાને સૌંદર્ય બક્ષતી નજરે પડે છે. एखाद्या वाक्यात किंवा कवितेच्या चरणात एकाच अक्षराची पुनरावृती होऊन त्यातील नादामुळे जेव्हा त्याला सौंदर्य प्राप्त होते तेव्हा अनुप्रास हा अलंकार होतो. કોઈ વાક્ય કે પછી કવિતાની પંક્તિમાં એક જ અક્ષરનું પુનરાવર્તન હોવાથી એના ધ્વનિને કારણે વાક્ય કે પંક્તિને સૌંદર્ય પ્રાપ્ત થાય એ અનુપ્રાસ અલંકાર તરીકે ઓળખાય છે. ભક્તિભાવ રજૂ કરતા એક ઉદાહરણ દ્વારા આ અલંકારની ચમત્કૃતિક્ષજ્ઞચરુમબજ્ઞ ક્ષળર સમજાય છે. पेटविले पाषाण पठारवरती शिवंबांनी। गळ्यामध्ये गरीबाच्या गाजे संतांची પેટવિલે એટલે સળગાવ્યા, પાષાણ એટલે પથ્થર અને પઠાર એટલે પહાડ પરની સપાટ ભૂમિ. ભોળાનાથે પહાડ પરની સપાટ ભૂમિ પર પથ્થર પણ પેટાવ્યા છે ત્યારે ગરીબ લોકોના ગળામાંથી તો સંતની વાણી જ ટપકી રહી છે. મતલબ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રભુ સ્મરણનો સાથ નથી છોડ્યો. બીજું ઉદાહરણ જોઈએ. मनमोहिनी तुझा मोहक मोहरा मनातून माझ्या मावळेना. પ્રિયતમાને ઉદ્દેશીને કહેવાયેલા આ વાક્યમાં પ્રેમાલાપ છે.

મનમોહિની એટલે કે મનને હરનારી, તારો મોહક ચહેરો મારા મનમાંથી ખસતો જ નથી. પ્રેમની અભિવ્યક્તિ અનુપ્રાસ અલંકારને કારણે વધુ પ્રેમાળ અને મોહક બની જાય છે. जशी उसात हो साखर, तसा देहात हो ईश्वर ઉદાહરણમાં અક્ષરની પુનરાવૃત્તિ નથી, પણ સાખર – ઈશ્ર્વર એ બે શબ્દોનો સમાન ધ્વનિ ભાષાને અલંકૃત કરે છે. જેમ શેરડીમાં સાકર સમાયેલી છે એ જ રીતે દેહમાં પણ ઈશ્ર્વરની હાજરી હોવી જોઈએ એ એનો ભાવાર્થ છે. એક વાક્યમાં જીવનનું કેટલું મોટું સત્ય સમજાવી દેવાયું છે.
———
अनुप्रास अलंकार
जब किसी काव्य को सुंदर बनाने के लिए किसी वर्ण की बार-बार आवृति हो तो उसे अनुप्रास अलंकार कहते है। अनुप्रास अलंकार के कारण वाक्य की सुंदरता में बढावा होता हैं। કોઈ કાવ્યને જ્યારે સુંદર બનાવવા કોઈ વર્ણ – અક્ષરનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે એને અનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અનુપ્રાસ અલંકાર હાજરીને લીધે વાક્ય કે પંક્તિનું સૌંદર્ય અને માધુર્ય વધી જાય છે અને સ્મરણમાં લાંબો સમય રહે છે. रघुपति राघव राजा राम ભજન તમે ગાયું હશે અથવા સાંભળ્યું હશે. અનુપ્રાસ અલંકારનું એ પ્રચલિત ઉદાહરણ છે. અહીં ર વર્ણ – અક્ષરનું પુનરાવર્તન ભાષાની ચમત્કૃતિ સર્જીને ભાવને પ્રબળ બનાવે છે. બીજું એક ઉદાહરણ જોઈએ: काले कुत्सित कीट का कुसुम में कोई नहीं काम था. મતલબ કે ફૂલમાં કાળા કુત્સિત કીડાનું હોવું જરૂરી નહોતું. એક પરિસ્થિતિનું વર્ણન સાથે જીવનની ફિલસૂફી સારા સાથે નઠારાનું શું કામ એ પણ સમજાય છે. ઝડપથી બોલીએ તો જીભના લોચા વળે એવા કેટલાક અનુપ્રાસ અલંકારના ઉદાહરણ જોઈએ.ऊँट ऊँचा, ऊँट की पीठ ऊँची,
पूंछ ऊँची ऊँट की. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी-चौक में चांदनी रात में चांदी की चम्मच से चटनी चटाई. खड्गसिंह के खडकने से खडकती है खिडकियाँ, खिडकियों के खडकने से खडकता है खड्गसिंह।
समझ समझ के समझ को समझो, समझ समझना भी एक समझ है, समझ समझ के जो ना समझे, मेरी समझ में वो नासमझ ह. અમિતાભની ‘નમકહલાલ’માં जबान साफ
करने के लिए कच्चा पापड, पक्का पापड  જેવો મજેદાર પ્રયોગ તમે માણ્યો હશે. આ પણ અનુપ્રાસ અલંકારનું જ ઉદાહરણ છે.

RELATED ARTICLES

Most Popular