Homeદેશ વિદેશકર્ણાટક વિધાનસભાની ચૂંટણી ૧૦ મેએ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ૧૦ મેએ

બેંગલુરુ: ૨૨૪ સભ્ય ધરાવતી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ૧૦મી મેએ યોજાશે અને મતગણતરી ૧૩મી મેએ કરવામાં આવશે, એવી જાહેરાત ચૂંટણી પંચે બુધવારે કરી હતી. આ સાથે જ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ચૂંટણીનો તખ્તો ગોઠવાઈ ગયો છે. જનતા દળ સેક્યૂલર રાજ્યમાં ત્રીજો સૌથી મોટો પક્ષ છે.
૨૨૪ સભ્યનું સંખ્યાબળ ધરાવતી કર્ણાટક વિધાનસભામાં હાલ ભાજપ ૧૧૯, કૉંગ્રેસ ૭૫ અને જેડી-એસ ૨૮ વિધાનસભ્ય ધરાવે છે.
પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું હતું કે આ અંગેનું જાહેરનામું ૧૩ એપ્રિલે બહાર પાડવામાં આવશે.
ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખે ૨૦ એપ્રિલ હશે, એમ તેમણે કહ્યું હતું. કર્ણાટકમાં સંપૂર્ણ બહુમતી સાથે ફરી સત્તા પર આવવાનો ભાજપને વિશ્ર્વાસ હોવાનું કર્ણાટકના મુખ્ય પ્રધાન બાસાવરાજ બોમ્માઈએ બુધવારે કહ્યું હતું. પત્રકારોને આપેલી મુલાકાતમાં બોમ્માઈએ કહ્યું હતું કે છેલ્લા લગભગ સાડાત્રણ મહિનામાં મેં રાજ્યના તમામ મતદારક્ષેત્રની મુલાકાત લીધી હતી. મને વિશ્ર્વાસ છે કે વર્ષ ૨૦૨૩માં સંપૂર્ણ અને સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સરકાર રાજ્યમાં ફરી સત્તા પર આવશે.
પક્ષ કઈ રીતે લોકસંપર્ક સાધી રહ્યો છે એ અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે ડિજિટલ ટૅક્નોલૉજીના ઉપયોગ અને ટોચના
નેતાઓ દ્વારા રાજ્યભરમાં પ્રચાર સહિતના માધ્યમ થકી અમે જનતાનો સંપર્ક સાધી રહ્યા છીએ.
ચૂંટણીના સંભવિત ઉમેદવારો અંગે પૂછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જ ભાજપમાં ઉમેદવારોની યાદી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થાય છે.
વિજેતા નીવડી શકે તેવા ઉમેદવારો અંગેનો સર્વેક્ષણ અહેવાલ અમારી પાસે તૈયાર છે. આ ઉપરાંત અમે જિલ્લા અને તાલુકા સ્તરે લોકોનો સંપર્ક સાધીશું અને ત્યાર બાદ તૈયાર કરવામાં આવેલો અહેવાલ મંજૂરી માટે સંસદીય બોર્ડને મોકલીશું, એમ તેમણે કહ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં ૫૮,૨૮૨ મતદાન મથક ઊભા કરવામાં આવશે. એક મતદાન મથકમાં સરેરાશ ૮૮૩ મતદાર મતદાન કરશે. પચાસ ટકા મતદાન મથકમાં વૅબકાસ્ટિંગ સુવિધા છે, એમ તેમણે કહ્યું હતું.
કુલ ૧૩૨૦ મતદાન મથકનું સંચાલન મહિલા અધિકારીઓ કરશે. કુલ ૫.૨૪ કરોડ મતદાતાઓમાંથી ૫.૬૦ લાખ મતદાર શારીરિક રીતે અક્ષમ હોવાનું જાણવા મળ્યું હોવાનું ચૂંટણી સમિતિએ કહ્યું હતું.
ચૂંટણી પંચે કહ્યું હતું કે વધુ મતદારો મતદાન કરી શકે એ બાબતને પ્રોત્સાહન આપવા ચૂંટણીનું આયોજન સોમવાર કે શુક્રવારને બદલે બુધવારે કરવામાં આવ્યું છે.
સોમવારે કે શુક્રવારે ચૂંટણી રાખવામાં આવી હોત તો તેવા સંજોગોમાં લોકો સોમવાર કે શુક્રવારે રજા પાડી લાંબા વીક ઍન્ડની મઝા માણત. બુધવારે ચૂંટણી યોજીને એ શક્યતા ઘટાડી દેવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.
ભાજપ અને કૉંગ્રેસે ચૂંટણીપ્રચારની ઝુંબેશ આરંભી દીધી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ બુધવારથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે.
તમામ પક્ષોની ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં રૂ. ૮૦ કરોડ કરતા પણ વધુ રકમ જપ્ત કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.
પાર્ટિક્યૂલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રૂપ (પીવીટીજી)ના પાત્ર મતદારોના નામની ૧૦૦ ટકા નોંધણી થાય તેની ખાતરી કરવામાં આવી રહી છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પીવીટીજી માટે ૪૦ એથનિક પૉલિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -