10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે, 13 મેના રોજ પરિણામ
ચૂંટણી પંચે કર્ણાટકમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી 2023 માટેની તારીખોની જાહેરાત કરી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થશે અને પરિણામ 13 મેના રોજ આવશે. કર્ણાટકમાં 1 તબક્કામાં જ ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે કર્ણાટકની મતદાર યાદીમાં 9.17 લાખ નવા મતદારો ઉમેરાયા છે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. આ વખતે કર્ણાટકમાં 58 હજારથી વધુ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
વર્ષ 2018માં છેલ્લી વખત કર્ણાટક વિધાનસભા ચૂંટણી 12 મેના રોજ યોજાઈ હતી. તેનું પરિણામ ત્રણ દિવસ પછી એટલે કે 15મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યાં ગત વખતે ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અને આ વખતે પણ ભાજપ સત્તામાં રહેવા ઈચ્છે છે. કર્ણાટકમાં કુલ 224 બેઠકો છે, જ્યાં સંપૂર્ણ બહુમતી માટે લગભગ 113 બેઠકો જીતવી જરૂરી છે. અત્યારે કર્ણાટકમાં કુલ 5 કરોડ 22 લાખ મતદારો છે. 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ લોકો ઘરેથી મતદાન કરી શકશે.
કર્ણાટકમાં હાલ ભાજપ પાસે 119 સીટો છે. કોંગ્રેસ પાસે 75, જ્યારે તેના સહયોગી જેડી(એસ) પાસે કુલ 28 બેઠકો છે. કર્ણાટકમાં ભાજપ 224 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. આ વખતે આમ આદમી પાર્ટી કર્ણાટકમાં પણ નવા વિરોધ પક્ષ તરીકે ચૂંટણી લડશે. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 5 સીટો જીતીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કર્યો છે.