Homeઆમચી મુંબઈકર્નાક બ્રિજ તોડવાનું ઓપરેશન સફળ: ૧૭ કલાકમાં ડિમોલિશન

કર્નાક બ્રિજ તોડવાનું ઓપરેશન સફળ: ૧૭ કલાકમાં ડિમોલિશન

દાદરમાં ભારે અરાજકતા સર્જાઈ, વૃદ્ધો, બાળકો અને મહિલાઓને હાલાકી

આખરી ઓપ: સીએસએમટી-મસ્જિદ બંદર વચ્ચેના સૌથી જૂના કર્નાક બ્રિજને તોડવાનું કામકાજ રવિવારે બપોરના સમયે અંતિમ તબક્કામાં પહોંચ્યું ત્યારે સેંકડો કર્મચારી રેલવે ટ્રેક, ઈલેક્ટ્રિક પોલ પર ચઢીને ઓએચઈ કટિંગથી લઈને અન્ય કામગીરી કરતા જોવા મળ્યા હતા. (અમય ખરાડે)
————
હાલાકી: કર્નાક બ્રિજના ડિમોલિશન માટે ૨૭ કલાકનો બ્લોક નિર્ધારિત કરવામાં આવ્યા પછી મોટા ભાગની લોકલ ટ્રેનોને દાદર સ્ટેશન પર ટર્મિનેટ કરવાને કારણે દિવસભર અવરજવર કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી, જ્યારે ઈન્સેટમાં પોલીસ પ્રશાસન દ્વારા ભીડને અંકુશ રાખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. (અમય ખરાડે)
————–
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેના સૌથી જૂના બ્રિજ પૈકી કર્નાક બ્રિજને તોડવાનું કામકાજ પાર પાડવામાં આવ્યા પછી આ બ્રિજ પણ ઈતિહાસના પાનામાં સમાઈ ગયો છે. સીએસએમટી-મસ્જિદ બંદર વચ્ચેના સૌથી જૂના કર્નાક બ્રિજને તોડવા માટેના ૨૭ કલાકનું નિર્ધારિત તોડવાનું કામકાજ ૧૭ કલાકમાં પાર પાડવામાં આવ્યા પછી ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બ્લોકનું કામકાજ યોજના પ્રમાણે પાર પાડવામાં આવતા રવિવારે બપોરના ૩.૫૦ વાગ્યાના સુમારે મેઈન લાઈનમાં સીએસએમટી-થાણે વચ્ચે સૌથી પહેલી લોકલ થાણે રવાના કરવામાં આવી હતી, જે ધીમે ધીમે ચાલુ કરવામાં આવી હતી તથા ચાર વાગ્યાના સુમારે બ્રિજની સાઈટ પરથી ટ્રેન પસાર થઈ હતી. મેઈન લાઈન સિવાય હાર્બર લાઈનમાં ૫.૪૫ વાગ્યાના સુમારે રિસ્ટોર કરવામાં આવી હતી. હાર્બર લાઈનમાં પનવેલ-વડાલા લોકલને સીએસએમટી માટે ૫.૪૫ વાગ્યે રવાના કરી હતી અને સીએસએમટી-પનવેલ લોકલને સીએસએમટીથી ૫.૫૨ વાગ્યાના સુમારે રવાના કરી હતી.
રવિવારે બ્લોક દરમિયાન લોકલ ટ્રેનોને ભાયખલા, પરેલ, દાદર, કુર્લા અને વડાલા સુધી ડાઈવર્ટ અને ટર્મિનેટ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ મેઈન લાઈનમાં દાદરમાં મોટાભાગની ટ્રેનોને ટર્મિનેટ કરવામાં આવી હતી. રવિવારે બપોર પછી મોટા ભાગની ફાસ્ટ લોકલ ટ્રેનોને ભાયખલા સુધી લઈ જવાને બદલે દાદરમાં ટર્મિનેટ કરવામાં આવી હતી, પરિણામે દર પંદર વીસ મિનિટે એક અને બે નંબરના પ્લૅટફોર્મ પર પ્રવાસીઓની જોરદાર ભીડ જોવા મળી હતી. પ્લેટફોર્મ પરથી બ્રિજ ચઢવા-ઉતરવામાં સિનિયર સિટિઝનની સાથે બાળકો-મહિલાઓને ભારે હાલાકી પડી હતી. બ્રિજ પર ચઢવા જવામાં ધક્કામુક્કીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા, જ્યારે અમુક વખતે તો દોડાદોડ (સ્ટેમ્પેઈડ) જેવી સ્થિતિ ઊભી થઈ હતી, એમ કલ્યાણના રહેવાસી સુશીલ પાંડેએ જણાવ્યું હતું.
ઘાટકોપરના રહેવાસી મનીષ પાટીલે કહ્યું હતું કે બ્લોક અંગે પ્રશાસન દ્વારા જાહેરાત વ્યવસ્થિત કરવામાં આવી હતી, પરંતુ દાદરમાં ટ્રેન બે નંબર પર ટર્મિનેટ કરવામાં આવ્યા પછી પ્લેટફોર્મ પર પ્રવાસીઓની હકડેઠઠ ભીડ હતી. અમુક અંતરે પોલીસના જવાનો હતો, પરંતુ ભીડને નિયંત્રિત કરવામાં પોલીસને પણ નાકે દમ આવી ગયો હતો. લોકો માંડ માંડ પ્લૅટફૉર્મ પરથી બ્રિજ પહોંચતા ત્યાં સુધીમાં બીજી એક ટ્રેન આવી જવાને કારણે ભીડની સમસ્યાનો પ્રવાસીઓને સામનો કરવો પડ્યો હતો, જેમાં સૌથી વધુ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને પણ ધક્કામુક્કીનો સામનો કરવાની નોબત આવી હતી. મધ્ય રેલવેમાં દાદર સહિત ઘાટકોપર, પરેલ, કુર્લા વગેરે સ્ટેશન પર દિવસભર પ્રવાસીઓની જોરદાર ભીડ જોવા મળી હતી, જેમાં મોટાભાગને લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી હતી, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
અઢી કિલોમીટરના ટ્રેકનું નવીનીકરણ: ૯૦૦ કલાકની બચત
આ બ્રિજ સૌથી જૂનો લગભગ ૧૫૪ વર્ષ જૂનો હોવાને કારણે ૨૭ કલાકમાં કામ પાર પાડવાનું મુશ્કેલ હતું છતાં નિર્ધારિત સમયમાં કામકાજ પાર પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સૌથી મોટી બાબત છે. ૨૭ કલાકના બ્લોકમાં ૨૦૦૦ જેટલા કર્મચારીના રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટી કરી છે, જ્યારે અઢી કિલોમીટરના ટ્રેકના નવીનીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, એક કિલોમીટરનું ડીપ સ્ક્રીનિંગ, ૩૦૦ કેઝ્યુઅલ સ્લીપર બદલવાની સિગ્નલ, લોકેશન બોક્સ, ટ્રેક વાયર, મશીન રોડિંગ સહિત અન્ય કામકાજ પાર પાડવામાં આવ્યું છે. ઘટનાસ્થળ પરથી ૫૦૦૦ ઘન મીટર કચરાને દૂર કરવામાં આવ્યો હતો, જ્યારે ૨૭ કલાકના બ્લોકને કારણે ૯૦૦ કલાકની બચત થઈ છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. બ્લોકના નિર્ધારિત સમયગાળામાં કામકાજ પાર પાડવામાં આવ્યું છે, જેથી સાંજના મેઈન લાઈનમાં સીએસએમટીથી કલ્યાણ અને પનવેલ વચ્ચેની લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. નિર્ધારિત સમય પૂર્વે કામકાજ પાર પાડવાથી પ્રવાસીઓને સીએસએમટીથી અવરજવર કરવામાં રાહત થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કોપરી બ્રિજનું કામકાજ આજે થશે પૂરું
થાણે અને મુલુંડની વચ્ચેના કોપરી ખાતે જૂના રોડઓવર બ્રિજને તોડવાની સાથે નવા ગર્ડર લોન્ચ કરવાની કામગીરીને બે નાઈટ બ્લોકમાં પાર પાડવામાં આવી હતી. કોપરી ખાતે રવિવારે આજે રાતના ૧.૩૦ વાગ્યાથી મોડી રાતના ૩.૪૫ વાગ્યા સુધી ગર્ડર લોન્ચ કરવા માટે બ્લોક લેવામાં આવશે, તેથી લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર અસર થશે. કોર્ણાક એક્સપ્રસે, શાલિમાર એક્સપ્રેસ, હાવરા-મુંબઈ સીએસએમટી વચ્ચેની ટ્રેનો મોડી દોડી શકે છે. બ્લોક દરમિયાન સાત ગર્ડર લોન્ચ કરવામાં આવશે, જેમાં પ્રત્યેક ૬૩ મીટરની લંબાઈ છે. સાતેય ગર્ડરનું કુલ મળીને ૭૨૮ વજન છે, જ્યારે ૧૦૦થી વધુ કર્મચારીને જોડવામાં આવ્યા છે. નવા ગર્ડર લોન્ચ કરવા માટે ૭૦૦ અને ૫૦૦ ટનની ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular