૯૦ વર્ષ પહેલાની ફિલ્મનું ચુંબન દૃશ્ય રોમેન્ટિક નથી, અનુકંપા જગાડે છે.
જોકે, આ દૃશ્ય દર્શકોને થિયેટરથી દૂર રાખવામાં નિમિત્ત બન્યું હતું
હેન્રી શાસ્ત્રી
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ૧૯૩૩ના વર્ષનું વિશેષ મહત્ત્વ છે. આજથી ૯૦ વર્ષ પહેલા સૌંદર્યની પરિભાષા ગણાયેલી મધુબાલાનો જન્મ થયો હતો જેણે ૩૬ વર્ષનાં નાનકડા આયુષ્યમાં વિશાળ લોકચાહના મેળવી હિન્દી ફિલ્મ રસિકોના દિલમાં કાયમ માટે વસવાટ કરી લીધો. અભિનેત્રીના દેહ જન્મ ઉપરાંત સંગીત ક્ષેત્રમાં પણ ત્રણ નવા ‘જન્મ’ની ઘટના જોવા મળી. બંગાળી અને હિન્દી ફિલ્મોમાં અભિનયના અજવાળાં અને સંગીતના સૂર રેલાવનાર કાનનદેવી ‘ચાર દરવેશ’થી ફિલ્મ દુનિયામાં વધુ જાણીતા બન્યાં. તેમની અભિનયયાત્રા તો મૂંગી ફિલ્મના દોરથી શરૂ થઈ ચૂકી હતી, ૧૯૩૩ની ફિલ્મથી તેમની લોકપ્રિયતા વધી. આ ઉપરાંત કે. સી. ડે અને જોહરાબાઈ અંબાલાવાલીએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઉંબરે પગ મુક્યો અને વિશેષ મહત્ત્વ એ વાતનું છે કે વાડિયા બ્રધર્સની ફિલ્મ કંપની વાડિયા મૂવિટોનની સ્થાપના પણ ૧૯૩૩માં થઈ.
તમે જો એમ માનતા હો કે ૧૯૩૩માં ભારત, જર્મની અને યુકેના સહયોગમાં બનેલી ‘કર્મા’ ફિલ્મમાં પહેલીવાર બોલ્ડ કિસિંગ સીન જોવા મળ્યો હતો તો તમારી માહિતી સાચી છે, પણ તમારી સમજણ ખોટી હોવાની સંભાવના ભારોભાર છે. એ ફિલ્મમાં ચુંબનનું દૃશ્ય હતું ખરું, પણ એ રોમેન્સનો ભાગ નહોતું. આ ફિલ્મ જેમણે જોઈ જ નથી અથવા એના વિશે અધકચરી માહિતી ધરાવતા મોટાભાગના લોકોની માન્યતા મુજબ વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની હિમાંશુ રોય અને દેવિકા રાણી વચ્ચે ‘કર્મા’ ફિલ્મમાં ચાર મિનિટનો કિસિંગ સીન છે જેની ગણના ભારતીય ફિલ્મ ઇતિહાસના સૌથી પ્રદીર્ઘ – લાંબો સમય માટે ચાલેલા ચુંબન દૃશ્ય તરીકે થતી આવી છે. વાસ્તવિકતા અલગ છે. ચાર મિનિટ લાંબો કિસિંગ સીન નથી, પોણા બે મિનિટ માટે ચુંબનનું દૃશ્ય છે. વ્યથિત નાયિકા નાયકને કિસ નથી કરતી, તેને ચૂમીઓ ભરતી જોવા મળે છે. કથા અનુસાર સર્પદંશને કારણે રાજકુમાર (હિમાંશુ રાય)નું મૃત્યુ થયું હોય છે. મહારાણી (દેવિકા રાણી) રાજકુમાર મૂર્છા પામ્યા હોવાનું ધારી સાનભાન ભૂલી, બેબાકળી બની તેમને ચુંબન પર ચુંબન કરે છે એ આશા સાથે કે રાજકુમાર બેઠો થઈ જાય. જોકે, રાજકુમારને કશી જ ખબર નથી અને ચુંબન પ્રક્રિયામાં એનો સહભાગ નથી. એટલે આ દૃશ્યને ‘હિન્દી ફિલ્મના સૌથી લાંબા સમયના કિસિંગ સીન’ તરીકે લેબલ લગાવવું ખોટું છે, ભૂલ છે. વાર્તા અનુસાર ફિલ્મનો આ કિસિંગ સીન ગલગલિયાં નથી કરાવતો, અનુકંપા જગાડે છે. હા, ‘કર્મા’માં એક નવી નવાઈની વાત એ જરૂર છે કે દેવિકા રાણી પ્રેમી માટે અંગ્રેજીમાં ગીત ગાય છે. ૯૦ વર્ષ પહેલા આ નવાઈની વાત હતી અને ભારતીય ફિલ્મમાં આવું પહેલી વાર બન્યું હતું. આ ફિલ્મ અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં બની હતી. લંડનમાં સારો આવકાર મળ્યો હતો, પણ હિન્દીમાં ‘નાગન કી રાગિની’ નામથી રિલીઝ થઈ ત્યારે દર્શકોએ બહુ ઉમળકો દેખાડ્યો નહીં અને એને માટે કહેવાતા ‘કિસિંગ સીન’ને જવાબદાર ગણવામાં આવ્યો હતો.
અધિકૃત જાણકારી અનુસાર ૧૯૩૩માં ૭૫ બોલપટ પ્રદર્શિત થયા હતા. જૂની ફિલ્મ કંપનીઓએ બીબાઢાળ ફિલ્મો જ બનાવી, નવા પ્રયોગ કરવાનો વિચાર સુધ્ધાં કર્યો નહીં. જોકે, એક આનંદ આપનારી વાત એ હતી કે ન્યુ થિયેટર્સ અને પ્રભાત સ્ટુડિયો નોખી ભાત પાડી પોતાનો પ્રભાવ જમાવી રહ્યા હતા. ૯૦ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મોમાં ‘પૂરન ભગત’નો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ન્યુ થિયેટર્સના બેનર હેઠળ બી. એન. સરકાર બંગાળી સાહિત્યિક કૃતિ પરથી ફિલ્મ બનાવવાનો આગ્રહ રાખતા હતા. આવી ડઝનેક ફિલ્મ બનાવ્યા પછી સરકાર સાહેબને પંજાબની દંતકથા ‘પૂરન ભગત’ પરથી ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ. ફિલ્મની કથા અને ખાસ તો આર. સી. બોડાલનું સંગીત લોકોને ખૂબ જ ગમ્યું અને ચિત્રપટ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયું હતું. ‘પૂરન ભગત’ ભક્તિ ચિત્ર હતું અને આ ફિલ્મ બાયોપિક તરીકે ઓળખાઈ હતી. ફિલ્મમાં કે. એલ. સાયગલ હતા, પણ નાયક નહોતા. ટાઇટલ રોલ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ કુમારની ઓળખ ધરાવતા મિજજન કુમારે કર્યો હતો. સાયગલનો રોલ મહત્ત્વનો નહોતો, પણ તેમણે ગાયેલા ચાર ભજનને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. આ ગીતોની અફાટ લોક્પ્રિયતાએ સાયગલ સાબનું નામ ઘેર ઘેર ગુંજતું કરી દીધું હતું.
૧૯૩૦-૪૦-૫૦ના દાયકામાં નોંધપાત્ર ફિલ્મો બનાવી પોતાની આગવી ઓળખ ઊભી કરનારા લેખક, નિર્માતા અને દિગ્દર્શક અબ્દુલ રશીદ – એ. આર. કારદારે સૌપ્રથમ હિન્દી બોલપટ ‘ઔરત કા પ્યાર’ ૧૯૩૩માં બનાવી રિલીઝ કરી હતી. હા, તેમની પ્રથમ ફિલ્મ ‘મિસ્ટીરિયસ ઈગલ’ (૧૯૨૯) ગણાય છે, પણ એ બોલપટ પહેલાના સમયની મૂંગી ફિલ્મ હતી. ‘ઔરત કા પ્યાર’નું નિર્માણ ઇસ્ટ ઈન્ડિયા ફિલ્મ કંપનીએ કર્યું હતું. કારદાર સાહેબે બીજી છ ફિલ્મનું દિગ્દર્શન આ ફિલ્મ કંપની માટે કર્યું હતું. ત્યારબાદ તેઓ રણજિત ફિલ્મ્સમાં જોડાયા અને પછી પોતાની કારદાર પ્રોડક્શન કંપની શરૂ કરી હતી.
ફિલ્મ દિગ્દર્શનમાં કારદારની એન્ટ્રી થઈ તો ફિલ્મ સંગીતમાં કૃષ્ણ ચંદ્ર રે, કાનનદેવી અને જોહરાબાઈ અંબાલાવાલીના શ્રી ગણેશ થયા. કમનસીબે કે. સી. ડેની ઓળખ મન્ના ડેના કાકા તરીકે આપવામાં આવે છે. હિન્દી ફિલ્મ ઇતિહાસમાં અલાયદા સંગીતકારની ઓળખ ઊભી કરનાર અને આજે પણ જેમના સ્વરબદ્ધ કરેલા ગીતો લોકપ્રિય છે એ સચિન દેવ બર્મનના પહેલા ગુરુ કે. સી. ડે હતા. ‘પૂરન ભગત’ના બે ગીત તેમની લોકપ્રિયતા વધારવામાં નિમિત્ત બન્યા હતા.
કાનનદેવીને ફિલ્મ રસિયાઓ ન્યૂ થિયેટર્સની અભિનેત્રી-ગાયિકા તરીકે ઓળખે છે. ‘મુક્તિ’, ‘વિદ્યાપતિ’ અને ‘સ્ટ્રીટ સિંગર’ જેવી નામાંકિત ફિલ્મ ન્યૂ થિયેટર્સના બેનર હેઠળ કરનાર કાનનદેવીની શરૂઆત રાધા ફિલ્મ કંપનીની ‘ચાર દરવેશ’થી થઈ હતી. કાનનદેવી ૧૯૩૦ના દાયકામાં સૌંદર્યવતી તરીકે જાણીતા હતા તો એ જ વર્ષે ૧૯૫૦-૬૦ના દાયકામાં સૌંદર્યનું સરનામું બની ગયેલી મધુબાલાનો જન્મ થયો હતો. એક રસપ્રદ વાત જોહરાબાઈ અંબાલાવાલી વિશે છે. સંગીત દિગ્દર્શક અનિલ વિશ્ર્વાસે દાવો કર્યો હતો કે જોહરાબાઈને ફિલ્મમાં ગાવાનો પહેલો મોકો તેમણે ‘ગ્રામોફોન સિંગર’ ફિલ્મમાં આપ્યો, પણ એવો સુધ્ધાં દાવો કરવામાં આવે છે કે પ્રાણસુખ નાયકના સંગીત નિર્દેશનમાં જોહરાબાઈએ સૌપ્રથમ ‘ડાકુ કી લડકી’ (૧૯૩૩)માં ‘ઐસી વફા કરના’ યુગલ ગીત ગાયું હતું. ૧૯૩૩નું વર્ષ વાડિયા મુવીટોનના સ્થાપના વર્ષ તરીકે પણ જાણીતું છે. જે બી એચ વાડિયા અને હોમી વાડિયા એ બન્ને ભાઈઓએ ફિલ્મ કંપની શરૂ કરી. એમની ખાસિયત એ હતી કે એ સમયે પ્રમુખ ફિલ્મ કંપનીઓ કરતા ચીલો ચાતરી એક્શન, ફેન્ટસી અને સ્ટન્ટ ફિલ્મો બનાવવાની શરૂઆત કરી જેમાં તેમને સફળતાની સાથે સાથે લોકપ્રિયતા પણ મળી. આ બેનર હેઠળની પહેલી ફિલ્મ હતી ‘લાલ-એ-યમન’.